Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે.
અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે, રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને માલપુઆનો ભોગ અર્પણ કરવામાં આવતો નથી. ચાલો જાણીયે આ પાછળનું કારણ.
રથયાત્રા પર માલપુઆ કેમ બનતા નથી?
અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા સિવાય આખા વર્ષ દરમિયાન ભગવાનને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. માત્ર રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીને માલપુઆ ધરાવવામાં આવતો નથી.
અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જણાવે છે કે, ભગવાન જગન્નાથને વર્ષમાં માત્ર એક જ દિવસ રથયાત્રા પર માલપુઆનો ભોગ ધરાવવામાં આવતો નથી, કારણ કે આ દિવસે ભગવાન નગર ભ્રમણા પર જાય છે. રથયાત્રા સિવાય વર્ષના તમામ દિવસોમાં ભગવાનને દૂધ પાક અને માલપુઆ ધરાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, મંદિરમાં દરરોજ લગભગ 200 કિલો લોટના માલપુઆ બને છે.
રથયાત્રા પર ભગવાન જગન્નાથ માટે ખાસ ભોગ
રથયાત્રાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ આ ખીચડો ભક્તોને વહેંચવામાં આવે છે. જગન્નાથ મંદિરના ખીચડાનો પ્રસાદ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ભક્તો શ્રદ્ધા સાથે પ્રસાદ આરોગે છે.
પુરીના જગન્નાથ મંદિર જેવો પ્રસાદનો ખીચડો બનાવવાની રીત
રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાનને ખાસ ખીચડાનો ભોગ ધરાવવામાં આવે છે. આ ખીચડો લસણ ડુંગળી વગર, એકદમ સાત્વિક અને ખાસ મસાલા સાથે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. ઘરે જ પુરીના જગન્નાથના મંદિર જેવો સ્વાદિષ્ટ અને સાત્વિક ખીચડાનો પ્રસાદ બનાવવાની સરળ રીત જણાવી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો
