Leftover Rice Breakfast Recipes: આજે નાસ્તામાં મારે શું બનાવવું જોઈએ? આ સવાલ ઘણીવાર સવારે લોકોને પરેશાન કરે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, એવી કઇ વાનગી બનાવવી જે આરોગ્યપ્રદ હોય અને ઘરમાં રહેલી ચીજોમાંથી ઝડપથી બની જાય. આવી સ્થિતિમાં તમે વધેલા ભાત માંથી ટેસ્ટી રાઈસ ટિક્કી બનાવી શકો છે. તેને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવવા તમારા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે.
ભાત, સોજી અને દહીંમાંથી બનેલી આ નરમ અને હળવી ટિક્કી માત્ર પેટ જ નથી ભરતી, પરંતુ તેમાં શાકભાજી ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે. ખાસ વાત એ છે કે તેને ઓછા તેલમાં વરાળમાં બાફીને તૈયાર કરવામાં આવે છે, જે તેને સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ બનાવે છે. જો તમે દરરોજ એક જ નાસ્તો ખાઈને કંટાળી ગયા છો, તો આ સરળ અને ઝડપી રેસીપી તમારા માટે યોગ્ય છે. આ રેસીપી બજેટ કિચન યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવી છે.
Rice Tikki Recipe : રાઈસ ટિક્કી બનાવવા માટે સામગ્રી
- 1 વાટકી ભારત
- 1/2 કપ સોજી
- 2 ચમચી તાજી દહીં
- સમારેલું કોથમીર
- છીણેલા ગાજર
- ઝીણી સમારેલા લીલા મરચાં (સ્વાદ માટે)
- ઝીણી સમારેલા બીન્સ (વૈકલ્પિક)
- બાફેલા/છીણેલા બટાટા (વૈકલ્પિક)
- ચિલી ફ્લેક્સ (વૈકલ્પિક)
- સ્વાદ અનુસાર મીઠું
તડકો લગાવવા માટે સામગ્રી
1-2 ચમચી તેલ, સફેદ તલ, જીરું, રાઇ, મીઠા લીમડાના પાન
Rice Tikki Recipe In Gujarati : રાઇસ ટિક્કી બનાવવાની રીત
એક વાસણમાં 1 વાટકી ભાત લો. તેમાં 2 નાની ચમચી તાજું દહીં અને અડધી વાટકી સોજી ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેમા પાણી બિલકુલ ન ઉમેરો. દહીંથી સોજી ફૂલી જશે. બધી સામગ્રી બરાબર મિક્સ કરો અને 10 મિનિટ માટે રાખી મૂકો. ત્યારબાદ આ મિશ્રણને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરો. તમે ઇચ્છો તો હાથ વડે લોટ બાંધવાની જેમ મસળી પણ શકાય છે. તેમાં સમારેલું કોથમીર, લીલા મરચા અને છીણેલું ગાજર ઉમેરો.
તેમા બીન્સ, બટાકા કે તમારા મનપસંદ શાકભાજી પણ ઝીણા સમારીને ઉમેરી શકાય છે. હવે તેમા ચિલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. પછી તેમાથી ગોળ કે હાર્ટ શેપમાં ટિક્કી બનાવો.
હવે એક સ્ટીમરમાં પાણી ગરમ કરો. આ ટિક્કીને 10 થી 15 મિનિટ સુધી વરાળમાં બાફો. જો તમારી પાસે સ્ટીમર ન હોય તો એક તપેલી કે કઢાઇ લો, તેમા કાણા વાળું ઢાંકણ મૂકીને પણ ટિક્કી સ્ટીમ કરી શકાય છે. ટિક્કી સ્ટીમ થયા બાદ બહાર કાઢી લો.
આ પણ વાંચો | શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર વેજ કબાબ, લોહીની ઉણપ પણ દૂર કરશે, નોંધી લો રેસીપી અને સામગ્રી
હવે એક કઢાઇમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમા રાઇ, જીરું, મીઠા લીમડાના પાનનો તડકો લગાવો. ત્યારબાદ બાફેલી ટિક્કીને કઢાઇમાં નાંખી બરાબર હલાવો, તેથી તડકાનો મસાલો સારી રીતે કોટિંગ થઇ જાય. તેની ઉપર મેગી મસાલો કે પેરી પેરી મસાલો ભભરાવો. છેલ્લે ઝીણું સમારેલું કોથમીર ઉમેરો. આ રાઇસ ટિક્કી ટામેટો સોશ કે ચટણી સાથે સર્વ કરો.
