Gujarat Companies Commissionerate : ગુજરાત મેન્યુફેક્ચરિંગ બાદ ભારતનું સર્વિસ સેક્ટર હબ બનવાની દિશામાં મકકમ પગલાં સાથે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયની જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરવાનો અને ‘સર્વિસ કમિશનર’ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.
ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે.
‘GRIT’ દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદ્રઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશનરેટની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના અને સર્વિસ કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કમિશનરેટ રાજ્ય અને રાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરિણામે આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.
સર્વિસ કમિશનરેટથી શું ફાયદો થશે?
આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઇટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવીન નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિંદુ બનશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મેળવેલી વૈશ્વિક સફળતા બાદ ગુજરાત હવે સર્વિસ ક્ષેત્ર માટે પણ દેશનું મુખ્ય કેન્દ્ર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
₹ 100 કરોડના સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની રચના
આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશનરેટ હસ્તક વર્ષ 2026-27 માટે રૂ. 100 કરોડના પ્રસ્તાવિત ‘સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ’ની રચના કરવામાં આવી છે. આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત MSMEs અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
