Pineapple Recipes : પાઈનેપલ એટલે કે અનેનાસનો સ્વાદ ખાટો મીઠો હોય છે. સામાન્ય રીતે તે ફળના રૂપમાં ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાથી ચટણી, હલવો અને રાયતું જેવી ઘણી સ્વાદિષ્ટ વાનગી પણ બનાવી શકો છો. તેની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ મીઠી અને સ્વાદિષ્ટ બંને વાનગીઓમાં થઈ શકે છે.
પાઈનેપલમાં વિટામિન સી, મેંગેનીઝ, ફાઇબર અને પાણીની માત્રા સારી માત્રામાં હોય છે. તેમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ પણ હોય છે. તેને સંતુલિત માત્રામાં ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે. ચાલો જાણીએ કે અનાનસની ત્રણ સરળ વાનગીઓ અને તેને ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થઈ શકે છે.
પાઈનેપલ ચટણી રેસીપી
જો તમને ભોજન સાથે મસાલેદાર વસ્તુ ગમે છે, તો તમે અનાનસની ચટણી બનાવી શકો છો. તેનો ખાટો-મીઠો સ્વાદ પરાઠા, પુરી અને દાળ ભાત સાથે સરસ લાગે છે.
પાઈનેપલ ચટણી બનાવવાની સામગ્રી
- પાઈનેપલના ટુકડા : 1 કપ
- ખાંડ અથવા ગોળ : 2-3 ચમચી (સ્વાદ મુજબ)
- આદુ : 1 નાનો ટુકડો
- લીલા મરચાં : 1 કે 2 નંગ
- કાળા મીઠું : સ્વાદ મુજબ
- લીંબુનો રસ : 1 ચમચી
- તેલ : 1 ચમચી
પાઈનેપલ ચટણી બનાવવાની રીત
તેને બનાવવા માટે, પહેલા અનાનસની છાલ કાઢો અને તેના નાના ટુકડા કરી લો. ત્યારબાદ હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ સાંતળો. તેમાં ઝીણા સમારેલ આદુ અને લીલા મરચાં મેળવી થોડાક સાંતળી લો. ત્યારબાદ, પાઈનેપલના ટુકડા ઉમેરો અને થોડી મિનિટો માટે રાંધો. હવે તેમાં ખાંડ અથવા ગોળ, કાળું મીઠું અને સાદું મીઠું ઉમેરો અને તેને ધીમા તાપે રાંધવા દો. જ્યારે અનાનસ નરમ થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થવા માંડે તો ગેસ બંધ કરી દો. ઠંડુ થાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરો. ખાટી-મીઠી અનાનસ ચટણી તૈયાર છે.
પાઈનેપલ હલવો રેસીપી
જો તમે મીઠાઇ ખાવાના શોખીન છો, તો તમે પાઈનેપલ હલવો બનાવી શકો છો. સોજી અને અનેનાસ માંથી તૈયાર કરવામાં આવેલા આ હલવો સામાન્ય હલવાથી થોડો અલગ સ્વાદ આપે છે.
પાઈનેપલ હલવો બનાવવા માટે સામગ્રી
- સોજી : 1/2 કપ
- અનાનસ ઝીણેલું :1/2 કપ
- ખાંડ : 1/2 કપ (સ્વાદ મુજબ)
- ઘી : 3 ચમચી
- પાણી : 1/2 કપ
- એલચી પાવડર – 1/2 ચમચી
- ડ્રાયફૂટ્સના ટુકડા : 2 મોટી ચમચી
પાઈનેપલ હલવો બનાવવાની રીત
સૌ પ્રથમ, એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં સોજીને ધીમા તાપ પર સોનેરી થાય ત્યાં સુધી શેકો. બીજા વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં ઝીણેલું પાઇનેપલ અને ખાંડ ઉમેરો. તેને થોડી મિનિટો માટે રાંધો. આ પછી, ગરમ પાણીમાં ધીમે ધીમે શેકેલી સોજી ઉમેરો. તેને સતત હલાવતા રહો, જેથી ગઠ્ઠો ન થાય. જ્યારે હલવો ઘટ્ટ થવા લાગે તો તેમાં એલચી પાવડર, કાજુ અને કિસમિસ ઉમેરો. થોડી વાર રાંધ્યા પછી ગેસ બંધ કરી દો. ગરમા ગરમ પાઈનેપલ હલવો તૈયાર છે.
પાઈનેપલ રાયતા રેસીપી
જો તમને ભોજન સાથે ઠંડું અને સ્વાદિષ્ટ રાયતું ગમે છે, તો પછી અનાનસ રાયતું એક સારો વિકલ્પ હોઈ શકે છે. દહીંની ક્રીમી રચના અને પાઈનેપલનો ખાટો મીઠો સ્વાદ તેને ખાસ બનાવે છે.
પાઈનેપલ રાયતું બનાવવાની સામગ્રી
- અનાનસના ટુકડા : 1/2 કપ
- શેકેલું જીરું પાવડર : 1/2 ચમચી
- કાળું મીઠું : સ્વાદ મુજબ
- સાદું મીઠું : સ્વાદ અનુસાર
- લીલા મરચાં સમારેલા : 1 નંગ
- લીલુ કોથમીર : 2 ચમચી
પાઈનેપલ રાયતું કેવી રીતે બનાવવું?
સૌ પ્રથમ, દહીંને સારી રીતે ફેંટી લો. હવે તેમાં અનાનસના નાના ટુકડા ઉમેરો. આ પછી તેમાં શેકેલું જીરૂ પાવડર, કાળું મીઠું અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. જો તમે ઇચ્છે તો ઝીણા સમારેલા લીલા મરચાં અને કોથમીર પણ ઉમેરી શકાય છે. તેને થોડા સમય માટે ફ્રિજમાં ઠંડુ થવા દો. સ્વાદિષ્ટ અનાનસ રાયતા તૈયાર છે.
