કાલે 12 જૂન છે. બરાબર એક વર્ષ પહેલાં આ જ દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરેલ એર ઇન્ડિયાનું પ્લેન AI 171 પલકવારમાં જ મોતના જહાજમાં ફેરવાઈ ગયું હતું. આ ગોઝારા પ્લેન ક્રેશમાં વિમાનમાં સવાર 241 અને જમીન પર રહેલા 19 મળીને કુલ 260 નિર્દોષ લોકોના શ્વાસ કાયમ માટે થંભી ગયા હતા. એક વર્ષ પછી પણ, પીડિત પરિવારોના આંસુ સુકાયા નથી. કાલે શુક્રવારે આ દુર્ઘટનાની પ્રથમ વરસી પર આખી દુનિયાની નજર ‘એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો’ (AAIB) તરફ મંડાયેલી છે. ઇન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ, કાલે આ અકસ્માતનો સત્તાવાર રિપોર્ટ આવી શકે છે, જે કદાચ ઉડ્ડયન જગતમાં મોટો ભૂકંપ લાવી શકે છે.
આ અકસ્માત પાછળ બે સૌથી મોટી થિયરીઓ ચર્ચામાં છે. વેસ્ટર્ન મીડિયા આ માટે પાયલોટની ભૂલને જવાબદાર ગણાવી રહ્યું છે, જ્યારે ભારતની પાયલોટ લોબી અને અમેરિકાના વ્હિસલબ્લોઅર્સ કહી રહ્યા છે કે આમાં વાંક પાયલોટનો નહીં, પણ અમેરિકન કંપની ‘બોઇંગ’ (Boeing 787-8) ના પ્લેનનો જ હતો!
અકસ્માતની એ એક સેકન્ડનું રહસ્ય: શું થયું હતું કોકપિટમાં?
અકસ્માતના એક મહિના બાદ આવેલા પ્રારંભિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, અમદાવાદ રનવે પરથી પ્લેન જેવું જ હવામાં અધ્ધર થયું, તેના ગણતરીની સેકન્ડોમાં જ વિમાનના બંને એન્જિનમાં જતું બળતણ (Gasoline) અચાનક બંધ થઈ ગયું હતું. કોકપિટમાં રહેલી ફ્યુઅલ સ્વીચો આપમેળે ‘RUN’ માંથી ‘CUTOFF’ પોઝિશન પર આવી ગઈ હતી.
સૌથી મોટો સસ્પેન્સ કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) માં છુપાયેલો છે. બ્લેક બોક્સના રેકોર્ડિંગ મુજબ,
એક પાયલોટ બીજા પાયલોટને પૂછે છે: “તેં ફ્યુઅલ સપ્લાય કેમ બંધ કરી દીધો?”
સામેથી બીજો પાયલોટ ગભરાઈને જવાબ આપે છે: “ના, મેં એવું કંઈ જ નથી કર્યું!”
વેસ્ટર્ન મીડિયા અને ઇટાલીના એક અખબારે દાવો કર્યો હતો કે ભારતીય તપાસકર્તાઓ પાયલોટને જ દોષિત ઠેરવશે. જો કે, ભારતીય એજન્સી AAIB એ આ અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા છે અને પાયલોટે જાણી જોઈને સ્વીચ બંધ કરી હોવાની વાતને સત્તાવાર સમર્થન આપ્યું નથી. વિમાનના કેપ્ટન સુમીત સભરવાલ એક અત્યંત અનુભવી પાયલોટ હતા, જેથી તેમના પર આંગળી ઉઠાવવી આખી પાયલોટ કમ્યુનિટી માટે આઘાતજનક છે.
શું બોઇંગના પ્લેનમાં જ મોટી ખામી હતી?
આ અકસ્માતમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપ ‘ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી’ (FAS) એ યુએસ સેનેટ સમક્ષ એક સનસનાટીભર્યો વ્હિસલબ્લોઅર રિપોર્ટ રજૂ કર્યો.
આ રિપોર્ટ મુજબ, જે બોઇંગ 787 પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું, તેની 11 વર્ષની સર્વિસ લાઈફમાં અગાઉ પણ અનેક વખત મેન્યુફેક્ચરિંગ, ક્વોલિટી અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેલિયરની ફરિયાદો આવી ચૂકી હતી.
નિષ્ણાતોના મતે, પ્લેન ટેક-ઓફ થયું ત્યારે તેમાં મોટું ‘ઇલેક્ટ્રિકલ ફેલિયર’ થયું હોઈ શકે છે. આ ટેકનિકલ ખામીના કારણે સિસ્ટમે ખોટો કમાન્ડ મોકલ્યો અને એન્જિન બંધ થઈ ગયા. જે એક છુપી ખામી છે જેને વિજ્ઞાનની ભાષામાં ‘લેટન્ટ ડિફેક્ટ’ (Latent Defect) કહેવાય છે, જે વર્ષો સુધી પ્લેનમાં છુપાયેલી રહે છે અને અચાનક મોટી આપત્તિ લાવે છે.
આ જ કારણે ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ’ (FIP) એ અને પાયલોટ સુમીત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ મામલે ન્યાયિક તપાસ (Judicial Investigation) ની માગ કરી છે, જેથી બલિનો બકરો પાયલોટોને ન બનાવાય.
શું કાલે ફાઇનલ રિપોર્ટ આવશે?
ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ના નિયમ મુજબ 12 મહિનામાં રિપોર્ટ આપવો પડે છે. પરંતુ રોઇટર્સ અને બ્લૂમબર્ગના અહેવાલો મુજબ, આ પ્લેનના એન્જિનનું વિગતવાર ટેકનિકલ એનાલિસિસ હજુ અમેરિકામાં ચાલી રહ્યું છે, તેથી ફાઇનલ રિપોર્ટ આવવામાં હજુ થોડા મહિનાનો વિલંબ થઈ શકે છે.
પાયલોટોના સંગઠન FIP ના પ્રમુખ સી.એસ. રંધાવાએ AAIB ને પત્ર લખીને વિનંતી કરી છે કે: મહેરબાની કરીને અધૂરો કે વચગાળાનો (Interim) રિપોર્ટ જાહેર ન કરતા, કારણ કે તેનાથી અફવાઓ અને કાવતરાની થિયરીઓને વધુ હવા મળશે. જ્યારે સંપૂર્ણ સત્ય સામે આવે ત્યારે જ આખરી રિપોર્ટ આપો.
તમારે જાણવા જેવા FAQs
શું પાયલોટ ખરેખર હવામાં પ્લેનનું એન્જિન બંધ કરી શકે?
હા, કટોકટીની સ્થિતિમાં પાયલોટ પાસે આ સત્તા હોય છે. પરંતુ ફ્લાઇટ AI 171 માં બંને એન્જિન એક જ સેકન્ડની અંદર બંધ થઈ ગયા હતા, જે માનવીય ભૂલ કરતાં પણ મોટી ટેકનિકલ કે સોફ્ટવેર ખામી તરફ વધુ ઈશારો કરે છે.
AAIB અને અમેરિકાની NTSB સાથે મળીને કેમ તપાસ કરી રહી છે?
આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર, જે દેશમાં વિમાન કે તેનું એન્જિન બન્યું હોય તે દેશની તપાસ એજન્સીએ પણ તપાસમાં સહયોગ આપવો પડે છે જેથી પ્લેનની ડિઝાઇનમાં કોઈ ખામી છે કે નહીં તે જાણી શકાય. આ કિસ્સામાં બોઈંગ એ અમેરિકન કંપની છે.
આ પણ વાંચો । પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”
એર ઇન્ડિયાની આ ફ્લાઇટ દુર્ઘટના માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, આના રિપોર્ટ પર આખી દુનિયાના એવિએશન સેક્ટરનું ભવિષ્ય ટકેલું છે. જો ભૂલ બોઇંગ પ્લેનની નીકળશે, તો વિશ્વભરમાં ઉડી રહેલા સેંકડો બોઇંગ 787 વિમાનો ગ્રાઉન્ડ કરવા પડી શકે છે. જો ભૂલ પાયલોટની નીકળશે, તો પાયલોટોની ટ્રેનિંગ પર સવાલો ઉભા થશે. જોકે સત્ય ગમે તેટલું કડવું હોય, પણ તે વહેલી તકે બહાર આવવું જ જોઈએ.
