Aditya Sharma : ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટની નજીક જહાજ પર થયેલા હુમલામાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના એક યુવાન નાવિક આદિત્ય શર્માનું મોત થયું છે. રવિવારે ભારતીય નાવિક આદિત્ય શર્માએ તેમના પિતા સાથેની છેલ્લી ફોન કોલમાં તેમને અમેરિકન સેનાની ચેતવણી અને પાલાઉ ધ્વજ વાળા પોતાના મર્ચન્ટ ટેન્કર એમટી સેટેબેલ્લો પર તણાવપૂર્ણ પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું.
આદિત્યના પિતા રાજેશ શર્માએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમે લગભગ દરરોજ વાત કરતા હતા. રવિવારે એક વોટ્સએપ કોલ પર તેણે મને કહ્યું કે તેને છેલ્લા બે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર યુએસ નૌકાદળ તરફથી ચેતવણી મળી હતી અને જહાજ હજી પણ હોર્મુઝ સ્ટ્રેટ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે ચિંતિત હતા. તે જ દિવસે તેમની નજીકમાં બીજા જહાજ પર હુમલો થયો હતો, પરંતુ તેમણે અમને ખાતરી આપી હતી કે તે જહાજના તમામ ક્રૂ સભ્યોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
ત્રણ ભારતીય નાવિકોના મોત
9 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એમટી સેટેબેલ્લો પર અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોતને ભેટેલા ત્રણ ભારતીય નાવિકોમાં 23 વર્ષીય આદિત્ય શર્માનો સમાવેશ થાય છે. હોર્મુઝ જળમાર્ગ પર ચાલી રહેલા તણાવ વચ્ચે આ હુમલો થયો હતો. જહાજમાં સવાર 24 ભારતીય નાવિકોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ગુમ થયા હતા.
અમેરિકાની સેનાએ જણાવ્યું હતું કે તેણે ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટની બહાર યુએસ દ્વારા લાદવામાં આવેલા નાકાબંધીને તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ટેન્કર પર હુમલો કર્યો હતો.
આદિત્ય હમીરપુરનો રહેવાસી હતો
હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાસી આદિત્ય ગયા વર્ષે નવેમ્બરથી એક કોમર્શિયલ શિપ પર ડેક કેડેટ તરીકે કામ કરી રહ્યો હતો. તેના પિતાએ કહ્યું કે જ્યારે તેમના પુત્રના ગુમ થયાના સમાચાર મળ્યા ત્યારે પરિવાર આતુરતાથી સમાચાર જોઈ રહ્યો હતા. પાલાઉ-ફ્લેગ જહાજ ચલાવતી કંપની પાસેથી માહિતી મળ્યા પછી ગુરુવારે સવારે તેમને તેમના મૃત્યુની જાણ થઈ હતી.
રાજેશ શર્માએ કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે સંબંધિત દૂતાવાસે ભારત સરકારને જાણ કરી દીધી છે. અમને ખબર નથી કે તેનો મૃતદેહ મળ્યો છે કે નહીં. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
શું તેમને કોઈ મદદ મળી?
પરિવાર હવે ઇચ્છે છે કે સરકાર દખલ કરે અને મૃતદેહને પરત લાવવામાં મદદ કરે. તેમણે કહ્યું કે હું જાણવા માંગુ છું કે તેમની છેલ્લી ક્ષણોમાં શું થયું હતું. પરિસ્થિતિઓ શું હતી, તેમને બચાવવા માટે શું પ્રયાસો કરવામાં આવ્યા હતા. શું તેમને કોઈ મદદ મળી હતી? તેઓએ જીવતા રહેવા માટે કેટલી હિંમતથી લડત આપી હશે. જહાજમાં સવાર લોકોને સૌથી પહેલા બચાવવામાં આવે છે.
‘નિષ્ફળતાઓ કોંગ્રેસની , દોષનો ટોપલો હિન્દુઓ પર નાખવામાં આવ્યો…’, NDA ની બેઠકમાં પીએમ મોદીનું નિવેદન
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુમ થયેલા ત્રણ ભારતીય નાવિકોના મોત થયા છે. તેમણે કહ્યું કે પાલાઉ ફ્લેગ જહાજ એમટી સેટેબેલ્લોમાં બનેલી દુ:ખદ ઘટના વિશે જાણીને ખૂબ જ દુ:ખ થયું. દુ:ખની વાત એ છે કે શરૂઆતમાં ગુમ થયેલા ત્રણ ભારતીય ખલાસીઓના મોતની પુષ્ટિ થઈ છે, તેમના મૃતદેહ મળી આવ્યા છે અને તેમની ઓળખ સ્થાપિત કરવામાં આવી છે. મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને તેમના પરિવારોને મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મેં અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે બચાવવામાં આવેલા ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક પાછા લાવવામાં આવે અને મૃતકોના મૃતદેહોને વહેલી તકે અંતિમ સંસ્કાર માટે પાછા લાવવાની વ્યવસ્થા કરે.
આદિત્યએ ક્યાંથી અભ્યાસ કર્યો હતો?
પંજાબના જાલંધરમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, આદિત્યએ ચેન્નાઈની એક ખાનગી યુનિવર્સિટીમાંથી નોટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. પ્રથમ વખત જહાજમાં જતા પહેલા, તેણે સ્કોટલેન્ડના ગ્લાસગોથી નોટિકલ સાયન્સમાં એડવાન્સ્ડ ડિપ્લોમા પણ પૂર્ણ કર્યું હતું.
તેમના પિતા રાજેશે કહ્યું કે જ્યારે તે નવેમ્બર 2025માં જોડાયો ત્યારે કોઈ યુદ્ધ ચાલી રહ્યું ન હતું. તેમણે અમને જણાવ્યું હતું કે આ જહાજ પહેલા ચીન-સિંગાપોર રૂટ પર નીકળ્યું હતું અને હવે તે ઓમાન તરફ જઈ રહ્યું છે. તે મે મહિનામાં ઓમાનથી ઉતરવાની (સાઇન ઓફ કરવાની) યોજના બનાવી રહ્યો હતો, પરંતુ બાદમાં વધુ બે મહિના રોકાવાનો નિર્ણય કર્યો હતો. તે ડેક કેડેટ હતો અને ક્યારેક-ક્યારેક ટાવર પર નજર રાખતો હતો.
રાજેશ શર્માએ કહ્યું કે વધુ બે ખલાસીઓ મૃત્યુ પામ્યા છે. તેઓ મારા બાળકો જેવા જ હતા. મને સમજાતું નથી કે જ્યારે વારંવાર ચેતવણી આપવામાં આવી રહી હતી, ત્યારે આટલા બધા લોકોના જીવ કેમ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. અમારા નુકસાનની જવાબદારી કોણ લેશે?
વિશ્વનું તેલ સંકટ ફરી વધુ ઘેરું બન્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસથી સતત હુમલા થઈ રહ્યા છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) સાથે સંકળાયેલા સૈન્ય કમાન્ડે ગુરુવારે જાહેરાત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટને ફરી એકવાર બંધ કરવામાં આવી રહ્યો છે. ઈરાને ચેતવણી પણ આપી છે કે જો કોઈ જહાજ અથવા બોટ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો થઈ શકે છે.
