સોમવારે દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાઈલટની કાળજીના કારણે પ્લેન રનવે પર સુરક્ષિત રીતે ઉતરી ગયું. એવું જાણવા મળ્યું છે કે પાયલોટે ફ્લાઈટ દરમિયાન ધુમાડો જોયો અને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું.
રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા અનુસાર, “ઈન્ડિગો ફ્લાઈટ દુબઈથી મુંબઈ જઈ રહી હતી. પાઈલટે કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો જોયો અને ત્યારબાદ રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. પ્લેન સુરક્ષિત રીતે ઉતર્યું અને બધા મુસાફરો સુરક્ષિત છે.”
પ્રારંભિક માહિતી અનુસાર, ધુમાડો જોતા જ પાયલોટે તાત્કાલિક રાજકોટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ઈમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી. એરપોર્ટ રનવે પર તાત્કાલિક ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા.
એરપોર્ટ મેનેજમેન્ટે શું કહ્યું?
એરપોર્ટ મેનેજમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો જોવા મળતાં દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટ IGO 1452 ને રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનમાં 194 મુસાફરો હતા. પાઇલટની ચેતવણી બાદ બપોરે 2:45 વાગ્યે એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યું હતું અને વિમાન 3:27 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. બધા મુસાફરોને કોઈ ઈજા થયા વિના બહાર કાઢવામાં આવ્યા હતા.”
આ પણ વાંચો: ઊંઝા જીરુ-વરિયાળીના GI ટેગ સામે રાજસ્થાનના ખેડૂતોનો વાંધો, કહ્યું- ‘ઊંઝા ઉત્પાદન નહીં, માત્ર મોટું બજાર’
ધુમાડો કેમ દેખાયો? નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે
પોલીસે અહેવાલ આપ્યો છે કે શંકાસ્પદ ધુમાડાને કારણે દુબઈ-મુંબઈ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. નિષ્ણાતોની એક ટીમ ધુમાડાના કારણની તપાસ કરી રહી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેપી તરેટિયાએ જણાવ્યું હતું કે, “પાઇલટે શંકાસ્પદ ધુમાડા વિશે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી.”
