સુરતમાં ખાદ્ય સુરક્ષા અને રેસ્ટોરન્ટના ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરમાં શીતલ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવીને ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ કરુણ ઘટનામાં પરિવારની 5 વર્ષની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે પરિવારે બહારથી એટલે કે શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવ્યું હતું. ભોજન આરોગ્યાના થોડા જ સમયમાં પરિવારના તમામ સભ્યોને ઊલટી, ઉબકા અને અસહ્ય પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં તમામ ૫ સભ્યોની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી.
પરિસ્થિતિ ગંભીર જણાતાં આસપાસના લોકો અને સંબંધીઓની મદદથી પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પક્ષીઓ આકાશમાં કેમ બનાવે છે અદ્ભૂત આકાર? Rosy Starling Murmurations પર અમદાવાદમાં થયો અભ્યાસ, ખુલ્યું રહસ્ય
હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમ દીકરીને ઝેરની ગંભીર અસરના કારણે દમ તોડી દીધો હતો. માસૂમ બાળકીના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં માતા-પિતા અને અન્ય બે બાળકીઓ હોસ્પિટલમાં આઈસીયુ માં સારવાર હેઠળ છે અને તેઓની હાલત પણ ચિંતાજનક હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.
