આયર્ન શરીર માટે સૌથી આવશ્યક ખનિજોમાંનું એક છે. તે હિમોગ્લોબિનના નિર્માણ માટે જરૂરી છે અને એનિમિયા (લોહીની ઉણપ)ને રોકવામાં મદદ કરે છે. ગર્ભસ્થ શિશુના મગજના વિકાસ માટે પણ આયર્ન અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે પૂરતા પ્રમાણમાં આયર્નનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’ (ICMR)ની માર્ગદર્શિકા અનુસાર, અહીં કેટલાક એવા ખાદ્યપદાર્થો છે જેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો.
લીલા પાંદડાવાળા શાકભાજી
પાલક, તાંદળજો, લીલી ડુંગળી, સરસવના પાન, ફુદીનો અને અળવીના પાન જેવા લીલા પાંદડાવાળા શાકભાજી આયર્નના સારા સ્ત્રોત છે અને તેને તમારા આહારમાં સામેલ કરી શકાય છે.
કઠોળ અને દાળ
મસૂરની દાળ, અડદની દાળ, તુવેરની દાળ અને કાળા ચણા પણ આયર્નના સ્ત્રોત છે અને તેને વિવિધ રીતે તમારા ભોજનમાં સામેલ કરી શકાય છે.
આ ડ્રાય ફ્રૂટ્સમાં હોય છે આયર્ન
ખજૂર, અંજીર અને કિસમિસ આયર્નના ઉત્તમ સ્ત્રોત છે. તેને નાસ્તા તરીકે ખાઈ શકાય છે અથવા તમે કિસમિસ પલાળેલું પાણી પણ પી શકો છો. આયર્નયુક્ત ખોરાક સાથે ક્યારેય ચા ન પીવી જોઈએ.
ઘણીવાર લોકો આયર્નયુક્ત ખોરાક સાથે ચા પીતા હોય છે પરંતુ ચામાં રહેલા તત્વો આહારમાંના આયર્ન સાથે જોડાઈ જાય છે, જેના કારણે શરીર માટે આયર્નને શોષવું મુશ્કેલ બની જાય છે. આ કારણોસર આયર્નયુક્ત ખોરાક અને ચાનું સેવન એકસાથે ન કરવું જોઈએ.
માંસાહારમાંથી આયર્ન
ચિકન, ઈંડા અને લીવર (કલેજું) આયર્નના ઉત્તમ સ્ત્રોત છે. ટુના, સાર્ડીન અને મેકરેલ જેવી માછલીઓ આયર્નના સારા સ્ત્રોત છે. આ ઉપરાંત, ઝીંગા, ક્લેમ્સ અને ઓયસ્ટર જેવા દરિયાઈ જીવોમાં પણ આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.
