દિવાળી વેકેશનમાં અયોધ્યાના જોવાલાયક 7 સ્થળો અને મહત્વ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Diwali Ayodhya Journey Plan : દિવાળીની સૌથી ભવ્ય ઉજવણી અયોધ્યામાં થાય છે. દિવાળીના દિવસે સંપૂર્ણ અયોધ્યા દીવાથી પ્રકાશિત થઇ જાય છે. સરયૂ ઘાટ પર હજારો દિવડા પ્રગટાવવામાં આવે છે અને રંગબેરંગી લાઇટથી અયોધ્યા નગરી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. જો તમે આ વખતે રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા જઇ રહ્યા છો, તો આ 7 સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.

અયોધ્યાને શ્રી રામની નગરી ગણવામાં આવે છે, ત્યાં દિવાળીનો ઉત્સવ માત્ર એક તહેવાર નથી, પણ એક દિવ્ય અનુભવ છે. દિવાળી ટાણે સમગ્ર અયોધ્યા નગરી લાખો દિવડાઓની ઝગમગાટથી ઝળહળી ઊઠે છે. સરયૂ નદીના તટે યોજાતો ‘દીપોત્સવ’ અને ચારેય તરફ ગૂંજતા ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની જાય છે. જો તમે દિવાળીના શુભ અવસર પર અયોધ્યાની યાત્રાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ પવિત્ર 7 સ્થળોની મુલાકાત તમારી યાત્રાને અલૌકિક અને યાદગાર બનાવી દેશે:

1. શ્રી રામ જન્મભૂમિ મંદિર

અયોધ્યાનું હૃદય અને મુખ્ય શ્રદ્ધાળુનું આસ્થા કેન્દ્ર એટલે શ્રી રામ મંદિર. અહીંની ભવ્ય સ્થાપત્યકળા અને પ્રભુ રામનું બાલસ્વરૂપ રામ લલાના દર્શન કરીને મન અદ્ભુત શાંતિ અનુભવે છે. દિવાળી દરમિયાન આખું મંદિર પરિસર અદભુત રોશની અને પુષ્પોથી શણગારવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ અહીં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો.

2. હનુમાન ગઢી

અયોધ્યા યાત્રાનો નિયમ છે કે સૌથી પહેલાં શ્રી હનુમાનજીના દર્શન કરવા પડે. ઊંચાઈ પર સ્થિત આ મંદિરમાં પહોંચવા માટે 76 પગથિયાં ચડવા પડે છે. અહીં હનુમાનજી માતા અંજનીના ખોળામાં બાળસ્વરૂપે બિરાજમાન છે. મહત્વ: માન્યતા છે કે રામરાજ્યમાં અયોધ્યાની રક્ષાની જવાબદારી હનુમાનજી સંભાળતા હતા અને આજે પણ તેઓ નગરીના રક્ષક છે.

3. સરયૂ ઘાટ

દિવાળીના દિવસે સરયૂ ઘાટની શોભા અવિસ્મરણીય હોય છે. અહીં જ વિશ્વપ્રસિદ્ધ ‘દીપોત્સવ’ યોજાય છે, જ્યાં લાખો દિવડાઓ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવે છે. સાંજના સમયે થતી સરયૂ આરતીમાં જોડાવું એ એક અલૌકિક અનુભવ છે.

4. કનક ભવન

અયોધ્યાના સૌથી સુંદર અને ભવ્ય મંદિરોમાં કનક ભવનની ગણતરી થાય છે. સોનેરી શણગાર અને અદ્ભુત વાસ્તુશિલ્પને કારણે તેને ‘સોનાનું મહેલ’ પણ કહેવામાં આવે છે. અહીં પ્રભુ રામ અને માતા સીતાના અત્યંત મનોહર સ્વરૂપના દર્શન થાય છે. કહેવાય છે કે, શ્રીરામના માતા કૌશલ્યાએ આ ભવન માતા સીતાને વિવાહ બાદ ભેટમાં આપ્યું હતું.

5. નાગેશ્વર નાથ મંદિર

સરયૂ ઘાટની નજીક આવેલું આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. કહેવાય છે કે આ મંદિર પરંપરાગત રીતે ખૂબ જ પ્રાચીન છે અને શિવરાત્રી તથા દિવાળી જેવા તહેવારો પર અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પૌરાણિક માન્યતા મુજબ આ મંદિરની સ્થાપના શ્રી રામના પુત્ર ‘કુશ’ દ્વારા કરવામાં આવી હતી.

6. દશરથ મહેલ

અયોધ્યાના મધ્યમાં સ્થિત દશરથ મહેલ એ સ્થળ છે જ્યાં પ્રભુ રામ અને તેમના ભાઈઓનું બાળપણ વીત્યું હતું. અહીંનું વાતાવરણ અત્યંત ભક્તિમય રહે છે અને સતત રામધૂન ગૂંજતી રહે છે.

7. દેવકાલી મંદિર

અયોધ્યાના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકીનું એક પ્રાચીન મંદિર. અહીં શક્તિસ્વરૂપ માં કાલીની પૂજા થાય છે. દિવાળી અને નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દેવકાલી માતાજીને રઘુવંશના કુળદેવી માનવામાં આવે છે. 

દિવાળી ટાણે ઝગમગતી અયોધ્યા નગરીની મુલાકાત એ માત્ર ધાર્મિક યાત્રા નથી, પણ આત્મિક આનંદ અને રોમાંચથી ભરેલી એક દિવ્ય યાત્રા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *