Rath Yatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, 14 ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાઈ હતી.
જળયાત્રાની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરેથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. ત્યાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગાપૂજન અને નદી કિનારે વિશેષ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 108 તાંબાના કળશમાં પવિત્ર જળ ભરીને વાજતે-ગાજતે મંદિરે પરત લાવવામાં આવ્યું હતું. મંદિરે પહોંચ્યા પછી આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.
#RathYatra2026 : અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ. દૂધ-દહીં, મધ, ખાંડ, ઘીથી જળાભિષેક કરાયો #Ahmedabad#Gujaratpic.twitter.com/MXSU45KlvI
— IEGujarati (@IeGujarati) June 29, 2026
અનોખા ગજવેશ દર્શન અને મામાના ઘરે પ્રસ્થાન
ગજવેશ દર્શનનું મહત્વ: શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, મહાજળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ભક્તોને ગજવેશ (હાથી સ્વરૂપ)માં દિવ્ય દર્શન આપે છે. આ અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે મેદની ઉમટી પડી હતી અને સમગ્ર વાતાવરણ ‘જય રણછોડ, માખણ ચોર’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું
અભિષેક વિધિ અને ગજવેશ દર્શન પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સરસપુર સ્થિત તેમના મામાના ઘરે (મોસાળમાં) પ્રસ્થાન કરશે. વધુ જળાભિષેકના કારણે ભગવાન બીમાર પડતા હોવાની પરંપરાગત માન્યતા મુજબ, તેઓ 15 દિવસ સુધી સરસપુર મોસાળમાં એકાંતવાસમાં રહેશે. આ સમય દરમિયાન મંદિરમાં ગર્ભગૃહ બંધ રહેશે અને ભક્તો પ્રભુના દર્શન કરી શકશે નહીં. હવે અષાઢી બીજના દિવસે જ ભગવાન સોના વેશમાં ભક્તોને ફરી દર્શન આપશે, જે સાથે જ વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થશે.
