Khichdi Recipe: રથયાત્રા સ્પેશિયલ ખીચડો રેસીપી, પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદ જેવો સાત્વિક સ્વાદ આવશે

Khichdi Recipe: રથયાત્રા સ્પેશિયલ ખીચડો રેસીપી, પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદ જેવો સાત્વિક સ્વાદ આવશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Jagannath Puri Temple Khichdi Bhog Recipe : રથયાત્રા એટલે ભક્તિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ છે. અષાઢી બીજના પવિત્ર દિવસે ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં ભગવાન જગન્નાથને ખાસ ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ‘ખીચડો’ મુખ્ય છે. આ ખીચડી લસણ ડુંગળી વગર, એકદમ સાત્વિક અને ખાસ મસાલા સાથે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. ઘરે જ પુરીના જગન્નાથના મંદિર જેવો સ્વાદિષ્ટ અને સાત્વિક ખીચડાનો પ્રસાદ બનાવવાની સરળ રીત જણાવી છે.

ખીચડો બનાવવા માટે સામગ્રી

  • ચોખા : 1 કપ (બાસમતી અથવા કોઈ પણ સુગંધિત ચોખા)
  • ફોતરા વગરની મગની દાળ : 1/2 કપ
  • ગાયનું દેશી ઘી : 3 થી 4 મોટી ચમચી
  • પાણી : 3 થી 4 કપ
  • મીઠું : સ્વાદ અનુસાર
  • ગોળ : ૧ નાની ચમચી (વૈકલ્પિક, પણ પુરીના પ્રસાદમાં સહેજ ગળપણ હોય છે)
  • આદુ છીણેલું : 1 નાનો ટુકડો
  • જીરું : 1 નાની ચમચી
  • કાળા મરી: 7-8 નંગ
  • લવિંગ : 3-4 નંગ
  • તજ : 1 નાનો ટુકડો
  • લીલી એલચી: 2 નંગ
  • તમાલપત્ર : 2 નંગ
  • હિંગ : 1/4 નાની ચમચી
  • હળદર : 1/2 નાની ચમચી
  • ટોપરાના ટુકડા (સૂકું અથવા લીલું નાળિયેર): 1/4 કપ
  • કાજુ અને કિસમિસ: 10 – 12 નંગ (પ્રસાદ માટે)

રથયાત્રા પ્રસાદ માટે ખીચડો બનાવવાની રીત

દાળ ચોખા તૈયાર કરો

સૌથી પહેલા મગની દાળને એક કડાઈમાં ધીમા તાપે 2-3 મિનિટ માટે સહેજ શેકી લો, જેથી તેની સરસ સુગંધ આવસે. જો કે દાળનો રંગ બદલાવવો જોઈએ નહીં. હવે શેકેલી મગ દાળ અને ચોખા પાણીથી 2-3 વાર બરાબર ધોઈ લો. ત્યારબાદ તેને 15-20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પાણીમાં પલાળી રાખવાથી ચોખા દાળ ઝડપથી રંધાઇ જાય છે.

મસાલા તૈયાર કરો

એક ખાંડણીમાં જીરું, કાળા મરી, લવિંગ, તજ અને એલચીને અધકચરા વાટી લો. પછી તેમા જ છીણેલું આદુ ઉમેરીને એક પેસ્ટ જેવું બનાવી લો. મિક્સર જારમાં પીસવું નહીં, વાટેલા મસાલાનો સ્વાદ અદભુત આવે છે.

ખીચડો તૈયારો

જો શક્ય હોય તો આ પ્રસાદ માટીના વાસણમાં અથવા જાડા તળિયાવાળા કૂકરમાં બનાવો. ખીચડો બનાવવા માટે એક વાસણમાં 3-4 મોટી ચમચી ઘી ગરમ કરો. પછી તેમા તમાલપત્ર અને હિંગનો તડકો લગાવો. ત્યારબાદ તેમાં કાજુ, કિસમિસ અને નાળિયેરના ટુકડા ઉમેરીને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો.

હવે આદું અને મસાલાની પેસ્ટ ધીમા તાપે 1-2 મિનિટ માટે સાંતળો. મસાલા સંતળાઈ જાય એટલે તેમા પલાળેલા ચોખા દાળ અને હળદર ઉમેરી. દાળ – ચોખાને ઘી અને મસાલા સાથે 1 મિનિટ માટે હળવા હાથે મિક્સ કરો.

ખીચડો બાફો

વાસણમાં 3-4 કપ પાણી રેડી, પછી તેમા સ્વાદ અનુસાર મીઠું અને 1 નાની ચમચી ગોળ ઉમેરી બધી સામગ્રી મિક્સકરો. પાણીમાં ઊભરો આવે પછી ગેસની આંચ ધીમી કરી દો. હવે વાસણને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી ધીમા તાપે ખીચડાને બફવા દો. જો પ્રેશર કૂકરમાં ખીચડો બનાવી રહ્યા છો તો ધીમા તાપે 3 – 4 સીટી વાગે ત્યાં સુધી બાફો. જો તપેલા ખીચડો બાફી રહ્યા છો તો દર 3 – 4 મિનિટ ચમચા વડે હલાવતા રહેવું, જેથી ખીચડો તળિયે દાઝી ન જાય.

ચોખા દાળ એકદમ નરમ થઇ જાય અને બધુ પાણી શોષાઇ જાય પછી ગેસ બંધ કરી દો. પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદનો ખીચડો ઢીલો હોય છે, જેથી જો ખીચડો કોરો થઇ ગયો હોય વાસણમાં થોડુંક પાણી ઉમેરી ધીમા તાપે 1 -2 મિનિટ રાંધો જેથી ખીચડો નરમ થાય.

આ પણ વાંચો | રથયાત્રા પર જગન્નાથજીને ધરાવો પુરીના પ્રસિદ્ધ ખાજાનો પ્રસાદ, આ રીતે ઘરે બનાવો

પ્રસાદમાં ખીચડો પીરસવાની રીત

હવે ગેસ બંધ કર્યા પછી ઉપરથી 1 ચમચી દેશી ઘી ઉમેરીને વાસણને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. તેનાથી ગરમ ખીચડામાં ઘી સારી રીતે મિક્સ થઇ જશે. રથયાત્રા સ્પેશિયલ ગરમાગરમ સ્વાદિષ્ટ અને સાત્વિક જગન્નાથ પુરી સ્ટાઇલ ખીચડાનો પ્રસાદ તૈયાર છે. ભગવાન જગન્નાથજીને તુલસીદલ (તુલસીના પાન) મૂકીને ભોગ ધરાવો અને પરિવાર સાથે પ્રસાદનો આનંદ લો. બોલો જય જગન્નાથ! આપ સૌને રથયાત્રાની શુભકામનાઓ!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *