સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ પોલીસ કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી દેતા લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં આરોપીના ડાબા પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં વહેલી સવારે અલગ-અલગ વિસ્તારોમાં લૂંટની અનેક ઘટનાઓને અંજામ આપનાર આરોપીએ આખરે પોલીસ પર જ હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. લીંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જોવા મળેલો આરોપી પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં આરોપીએ પોલીસ કોન્સ્ટેબલના પેટના ભાગે ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો.
સુરતના લીંબાયતમાં વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી પરવેઝ અન્સારીએ પોલીસ કોન્સ્ટેબલ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો. આરોપીએ હુમલો ચાલુ રાખતા PI એ સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી મારી. #Surat #Gujarat https://t.co/BEfYGUga5p
— IEGujarati (@IeGujarati) November 20, 2026
હવામાં ફાયરિંગ છતાં ન માનતા PI એ પગમાં ગોળી મારી
પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થતાં PI ડી.ડી. ચૌહાણે આરોપીને હથિયાર ફેંકી શરણે થવા ચેતવણી આપી હતી. જોકે આરોપી ન માનતા PI એ પહેલાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં આરોપીએ તાબે થયા વિના PI પર હુમલો કરવાની કોશિશ કરતાં સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી, જે તેના ડાબા પગમાં વાગી હતી.
આ પણ વાંચો: ઉધના રેલવે સ્ટેશન બન્યું ભીડ નિયંત્રણનું નવું મોડલ, દેશનો સૌથી મોટો સ્થાયી હોલ્ડિંગ એરિયા તૈયાર
વરાછા, કતારગામ અને મહિધરપુરામાં લૂંટની કોબૂલાત
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ ઝારખંડના વતની અને હાલ લીંબાયતમાં મમતા ટોકીઝ પાસે રહેતા પરવેઝ મુશરફ અન્સારી તરીકે થઈ છે. પૂછપરછમાં તેણે પોતાના સાથી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને વહેલી સવારે વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી લૂંટના મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.
