Well-known Locations Go to Diu Seashore in Gujarat : દિયુમાં મુલાકાત માટે સ્થળ: દીવ ત્રણ બાજુ અરબ સમુદ્રથી ઘેરાયેલું ભારતમાં આવેલું એક સુંદર સ્થળ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં દરિયા કિનારે સ્થિત દાદર નગર હવેલી અને દમનનો ભાગ છે. પોર્ટુગીઝોએ આ સ્થળ પર 200 વર્ષથી વધુ સમય રાજ કર્યું હતું.
1961માં ઓપરેશન વિજય સાથે, દીવને ભારતમાં વિલય કરવામાં આવ્યું હતું. આજના સમયમાં પણ તમે અહીં પોર્ટુગીઝ આર્કિટેક્ચર જોઈ શકો છો. આ સ્થળ માત્ર તેના ઇતિહાસ માટે જ નહીં પરંતુ શાંતિપૂર્ણ બીચ માટે પણ જાણીતું છે.
હરિયાળીથી ઘેરાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે શાંત બીચ પર બેસીને સૂર્યાસ્ત કે સૂર્યોદય જોઈ શકો છો, અથવા એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકો છો. દીવ પ્રવાસ દરમિયાન તમને કુદરતી સૌંદર્ય, ઇતિહાસ, ધાર્મિક મહત્વ અને શાંતિનો અનુભવ થશે. અહીં, તમે ઘણા સ્થળોની મુલાકાત લઇ શકો છો.
દીવના જોવાલાયક સ્થળો
દીવ કિલ્લો
દીવના કિલ્લાને સ્થાનિક ભાષામાં પોર્ટુગીઝ કિલ્લો પણ કહેવામાં આવે છે. આ કિલ્લો શહેરના પશ્ચિમ કિનારે આવેલો છે. જ્યારે તમે દીવ કિલ્લા પર પહોંચો છો, ત્યારે સૌથી પહેલા તમે સમુદ્રમાં ડૂબેલું પાનીકોટા લાઇટહાઉસ જોઈ શકશો. તે દીવ કિલ્લાનો ભાગ છે. કિલ્લાની નીચેથી એક ગુપ્ત ટનલ પાનીકોટા તરફ જાય છે. પોર્ટુગીઝ લોકો તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે તે બંધ કરી દેવામાં આવ્યું છે. દીવ કિલ્લાના લાઇટહાઉસ માંથી તમે આસપાસના શાનદાર દૃશ્ય માણી શકો છો.
નાગોઆ બીચ
દીવના સૌથી લોકપ્રિય સ્થળ નાગાઓ પર તમે સમય વિતાવી શકો છો. દીવમાં સૌથી વધારે ભીડ આ સ્થળે જોઈ શકો છો. અહીં એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ લઈ શકાય છે. લગભગ 1.5 કિમી વિસ્તારમાં ફેલાયેલો આ બીચ ઘોડાની નાળ જેવો દેખાય છે. દીવની મુલાકાત લેતા પ્રવાસીઓ આ સ્થળને મિની ગોવા પણ કહે છે.
સેંટ પૉલ્સ ચર્ચ
ભારતના પ્રસિદ્ધ ચર્ચ પૈકીનું એક સેન્ટ પૉલ્સ ચર્ચ ખૂબ જ સુંદર સ્થળ છે. દીવની મુલાકાત લેતા પ્રવાસીઓ ચોક્કસપણે આ સ્થળની મુલાકાત લે છે. આ ચર્ચ પોર્ટુગીઝ યુગની સ્થાપત્યકલા અને ધાર્મિક વારસાનું શાનદાર ઉદાહરણ છે. આ ચર્ચની સુંદરતા માત્ર બહારની ઇમારત નથી; અંદર પ્રવેશ કરતાં જ તમે ભવ્ય કાષ્ઠ કોતરણી જોઈ શકો છો. આ ચર્ચ દીવ કિલ્લાથી લગભગ 300 મીટર દૂર આવેલું છે.
INS કુકરી સ્મારક
દીવમાં આવેલું INS કુકરી સ્મારક એક ઐતિહાસિક નૌકાદળ સ્મારક છે. તે વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ એક અદ્ભુત સ્થળ સાબિત થઈ શકે છે.
ઘોઘલા બ્લૂ ફ્લેગ બીચ
ભારતમાં કુલ 18 બ્લૂ ફ્લેગ બીચ છે, જેમાંથી એક દીવનું ઘોઘલા બ્લૂ ફ્લેગ બીચ છે. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ બીચને એટલી સરળતાથી બ્લૂ ફ્લેગ મળતો નથી. આ ટેગ પર્યાવરણની સફાઈ, પાણીની ગુણવત્તા અને સલામતી ધોરણોના આધારે આપવામાં આવે છે.
ગંગેશ્વર મહાદેવ મંદિર
દીવમાં તમે તમારો દિવસ ભગવાન ભોલેનાથના મંદિરમાં દર્શન કરીને શરૂ કરી શકો છો. આ માટે, તમે અહીં પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઇ શકો છો. દરિયા કિનારે કુદરતી રીતે નિર્મિત ગુફાની અંદર બનેલા આ મંદિરમાં વિવિધ કદના પાંચ શિવલિંગો છે. માન્યતા મુજબ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં 24 કલાક દરિયાની લહેરો શિવલિંગ પર અભિષેક કરે છે.
આ પણ વાંચો | ગિરનાર લીલી પરિક્રમા સાથે માણો ઐતિહાસિક જૂનાગઢની અદભુત સફર! 10 સ્થળોની અવશ્ય મુલાકાત લો
કેવી રીતે પહોંચવું?
દીવ પહોંચવા માટે ગુજરાતના વેરાવળથી બસ કે ખાનગી વાહનની સુવિધા મળી રહે છે. વેરાવળ થી દીવ માત્ર 90 કિમી દૂર આવેલું છે. દીવમાં ફરવા માટે સ્કૂટર ભાડે મળે છે. તમે સરળતાથી બસ સ્ટેન્ડ પર સ્કૂટર ભાડે લઈ શકો છો. આ ઉપરાંત, અહીં તમને ઓટો અથવા ટેક્સી પણ મળશે. બસો સિવાય, તમે અહીં કારથી પણ આવી શકો છો. દીવ નજીક સોમનાથ જ્યોતિર્લિંગ પણ દર્શનિય સ્થળ છે.
