Ahmedabad Rain Information : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જિલ્લા સહિત ઘણી વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ ગાંધીનગરમાં અંધારપટ, પવન અને વીજળી સાથે ભારે વરસાદ
અમદાવાદ ગાંધીનગરના વિસ્તારમાં સવારના સમયે જ કાળાડિબાંગ વાદળોના કારણે અંધારપટ જેવું વાતાવરણ છે. પહેલા ભારે પવન ફુંકાયા બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. લગભગ 7.40 વાગે આસપાસ શરૂ થયેલા ધોધમાર વરસાદથી માત્ર અડધા કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમદાવાદમાં વેજલપુર, જોધપુર, ઇસ્કોન, શીલજ, હાટકેશ્વર, એસપી રિંગ રોડ, જગતપુર, નારોલ, નરોડા, નિકોલ વિસ્તારમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
સવારે જ ધોધમાર વરસાદ પડવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શાળા કોલેજ જવાના સમયે વરસાદ શરૂ થવાથી ઘણા વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાઇ ગયા છે અથવા પહોંચી શકયા નથી. તો નોકરી જતા લોકોને પણ ઓફિસ જવામાં મુશ્કેલી પડી રહી છે.
અખબાર અંડરપાસ બંધ કરાયો
અમદાવાદમાં સવારથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે. રોડ રસ્તાઓ પાણી ભરાઇ ગયા છે જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. તો પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપ અખબાર નગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદથી એસજી હાઇવે સહિત ઘણા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે.
આ જીલ્લામાં વાવાઝોડા, વીજળી સાથે ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં અરવલ્લી, મહિસાગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા અને દાહોદ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ખેડૂતો આનંદમાં, કૃષિ પાકોને જીવનદાન
વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા સમગ્ર ગજુરાતમાં મેઘ મહેર છે. કૃષિ પાકોના વાવેતર પીયતના સમયે વરસાદ પડવાથી ખેડૂતો આનંદિત થયા છે. ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટમાં વરસાદ ન પડતા ચોમાસું પાક નિષ્ફળ જવાનો ડર હતો. જો કે તાજેતરમાં ફરી વરસાદ શરૂ થવાથી કૃષિ પાકોને જીવનદાન મળ્યું છે.
