Profitable Businessman Story : નોકરી છોડી પોતાનો બિઝનેસ કરવા માટે હિંમત અને દૂરદ્રષ્ટિ જરૂરી છે. ઘરમાં નાના પાયે સાબુ ડિટર્જન્ટ બનાવી ઘરે ઘરે વેચીને શરૂ કરેલો આ બિઝનેસે આજે માત્ર FMCG પ્રોડક્ટ સુધી સિમિત રહેવાના પગલે સિમેન્ટ અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આજની સક્સેસ બિઝનેસમેન સ્ટોરીમાં આપણે વાત કરીશું ઘરે ઘરે જાણીતા નિરમા લિમિટેડ (નિરમા સાબુ ડિટજન્ટ)ના સ્થાપક કરસનભાઈ પટેલ વિશે.
સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ
ગુજરાતી ઉદ્યોગસાહસિક કરસનભાઈ પટેલનો જન્મ ગુજરાતના પાટણ જીલ્લાના રૂપપુર ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. રસાયણશાસ્ત્રમાં BSC પાસ કર્યા બાદ અમદાવાદની કોટન મિલમાં નોકરી કરી પરંતુ મનમાં પોતાનો ધંધો શરૂ કરવાની ઇચ્છા હતી.
ઘરે સાબુ ડિટર્જન્ટ બનાવવાની શરૂઆત
વર્ષ 1969માં મીલની નોકરી દરમિયાન જ કરસાન ભાઈ પટેલે ઘરમાં ડિટર્જન્ટ પાઉડર બનાવવાની શરૂ કર્યું અને ઘરે ઘરે જઇને વેચવા લાગ્યા. તેમના ડિટર્જન્ટ પાઉડરની ગુણવત્તા અને પોસાય તેવી કિંમતથી તેમની પ્રોડક્ટની માંગ વધવા લાગી. તેઓ મીલની નોકરી છોડી પોતાનો સંપૂર્ણ સમય ધંધામાં આપવા લાગ્યા.
નિરમા લિમિટેડની શરૂઆત
ઘરમાં નાના પાયે શરૂ કરેલો સાબુ ડિટર્જન્ટનો બિઝનેસ રોકેટ ગતિથી વિકાસ પામ્યો. કરસન ભાઈ પટેલે 25 ફેબ્રુઆરી, 1980ના રોજ ગુજરાતના ત્રિકમપુરા ખાતે પ્રોડક્શન યુનિટ સ્થાપ્યું અને નિરમા લિમિટેડની સ્થાપના કરી. ત્યારબાદ વર્ષ 1986માં છત્રાલ, 1988માં મંડળી અને વર્ષ 1995માં મોરૈયા ખાતે પ્લાન્ટ શરૂ કર્યું. હાલના સમયમાં નિરમા લિમિટેડના હાલ 7 પ્લાન્ટ છે, જેમા 8000 થી વધારે કર્મચારીઓ રોજગારી મેળવે છે.
નિરલા લિમિટેડ માત્ર સાબુ ડિટર્જન્ટ જેવી FMCG પ્રોડક્ટની સાથે સાથે વિવિધ ઉત્પાદન એકમોમાં શુદ્ધ મીઠું, ગ્લિસરીન, આલ્ફા ઓલેફિન સલ્ફેટ, ઓલિયમ, જીપ્સમ વગેરે જેવી અન્ય ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટોનું પણ ઉત્પાદન કરે છે.
નિરમા સાબુના પેકેટ ઉપર બાળકીના ફોટા સાથે ગાઢ સંબંધ
નિરમા સાબુ કે ડિટર્જન્ટ પેકેટ ઉપર એક નાની બાળકીનું ચિત્ર જોવા મળે છે. હકીકતમાં આ ફોટો કરસનભાઈ પટેલની પુત્રી નિરૂપમાનો છે, જેને તેઓ ખુબ પ્રેમ કરતા હતો. જો કે કમનસીબે પુત્રીનું નિધન થયું. સ્વર્ગસ્થ પુત્રી નિરૂપમાને પ્રેમભરી શ્રદ્ધાંજલી આપવા તેમણે ડિટર્જન્ટનું નામ નિરમા રાખ્યું.
સાબુ માંથી સિમેન્ટ અને શિક્ષણ ક્ષેત્રે વિકાસ
કરસન ભાઈ પટેલ સાબુ ડિટર્જન્ટ સુધી સિમિત ન રહી અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કરવાનું નક્કી છે. નવેમ્બર 2007માં નિરમાએ અમેરિકન કાચા માલ કંપની સિઅરલ્સ વેલી મિનરલ્સ ઇન્ક હસ્તગત કરી, જેનાથી તે દુનિયાના ટોચના સાત સોડા એશ ઉત્પાદકોમાં સામેલ થઇ. નિરમા ગ્રૂપે 2014માં નિમ્બોલમાં એક જ પ્લાન્ટથી સિમેન્ટ ઉત્પાદન શરૂ કર્યું, જેમાં નવી સ્થાપિત કંપની નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન હતી. 2016માં નિરમાએ લાફાર્જ ઇન્ડિયાની સિમેન્ટ સંપત્તિ 1.4 બિલિયન ડોલરમાં હસ્તગત કરી.
સિમેન્ટ ક્ષેત્રમાં હરણફાળ ભરવા ફેબ્રુઆરી 2020માં ₹ 5500 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યૂ સાથે ઇમામી સિમેન્ટ લિમિટેડનો 100% હિસ્સો હસ્તગત કર્યો. આ સોદો નિરમાની બિલ્ડિંગ મટિરિયલ્સ પેટાકંપની, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો .
માર્ચ 2024માં નિરમાએ ગ્લેનમાર્ક પાસેથી ગ્લેનમાર્ક લાઇફ સાયન્સમાં 75% હિસ્સાનું ₹ 5,652 કરોડમાં સંપાદન કર્યું હતું. આ કંપનીનું બદલીને એલિવસ લાઇફ સાયન્સિસ લિમિટેડ કરવામાં આવ્યું. નિરમા ગ્રૂપે 1995માં અમદાવાદમાં ગોતા નજીક નિરમા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.
કરસનભાઈ પટેલ પાસે કેટલી સંપત્તિ છે?
નિરમા ગ્રૂપના વડા કરસનભાઈ પટેલ ગુજરાતના ટોચના ધનવાન ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. 2025 હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ મુજબ, કરસનભાઈ પટેલ અને તેમના પરિવાર પાસે ₹45,900 કરોડની કુલ સંપત્તિ છે. કરસનભાઈ પટેલ દ્વારા સ્થાપિત નિરમા ગ્રુપ, FMCG, સિમેન્ટ અને શિક્ષણમાં રસ ધરાવતું એક વૈવિધ્યસભર જૂથ છે.
