Uttar Pradesh Meeting election 2027 : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 માટે મંગળવાર રાત્રે સમાજવાદી પાર્ટીએ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા પછી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ ઇમરાન મસૂદે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. કહેવાય છે કે કોંગ્રેસ સાથેની બેઠક વહેંચણી વ્યવસ્થામાં તેઓ સૌથી વધુ નારાજ છે કારણ કે એસપીએ સહારનપુર સીટથી આશુ માલિક અને બેહટ સીટથી ઉમર અલી ખાનને ટિકિટ આપી છે, જે તેમના કટ્ટર વિરોધી છે.
ઇમરાન મસૂદે આ યાદી પર તીવ્ર પ્રતિક્રિયા આપતા બુધવારે સવારે કહ્યું કે તેઓ પાર્ટી નેતૃત્વ સાથે આગળ શું કરવું તે ચર્ચા કરશે. કોંગ્રેસ નેતાએ એ પણ કહ્યું કે તે પોતાની પાર્ટીની અંદર એ વિશે વાત કરશે કે બેઠકોની વહેંચણીને લઇને વાતચીતમાં સામેલ થવું છે કે નહીં.
આ મામલામાં ગંભીરતાનો અભાવ – ઇમરાન મસૂદ
કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એવું લાગે છે કે આ મામલામાં ગંભીરતાનો અભાવ છે. ગંભીરતાનો અભાવ એટલા માટે છે કારણ કે એક તરફ તમે (SP) વાતચીત કરી રહ્યા છો અને બીજી તરફ તમે નિવેદનો આપી રહ્યા છો, જે દર્શાવે છે કે આને ગંભીરતાથી લેવામાં આવતું નથી.
તેમણે વધુમાં કહ્યું હવે અમે અમારી પાર્ટીમાં ચર્ચા કરીશું કે શું કરવું, ચર્ચા માટે બેસવું કે નહીં, કારણ કે આ પરિસ્થિતિમાં પાર્ટી પોતે નક્કી કરશે કે શું કરવું. જ્યારે તમે પહેલેથી જ આ મારી વિરુદ્ધ જાહેર કરી દીધું છે ત્યારે મને સમજાતું નથી કે તમે મારી સાથે લડવા માંગો છો, કોંગ્રેસ સાથે કે ભાજપ સામે? એ નિશ્ચિત હોવું જોઈએ કે તમે ભાજપ સાથે લડવા માંગો છો કે અમારી સાથે? તો હું આ વિશે શું કહી શકું?”
ઇમરાન મસૂદ વિ આશુ માલિક અને ઉમર અલી ખાન
આશુ માલિક અને ઇમરાન મસૂદ વચ્ચે તણાવ આ ઓગસ્ટમાં સામે આવ્યો હતો જ્યારે તેઓ એક બેઠક દરમિયાન સામસામે આવ્યા અને તીવ્ર રકઝક થઇ હતી. જોકે 2024ની લોકસભા ચૂંટણી પછીથી જ બંને વચ્ચે તણાવ વધી રહ્યો હતો. રોચક વાત એ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ઇમરાન મસૂદ સપામાં હતા ત્યારે તેમણે આશુ માલિક અને ઉમર અલી ખાન માટે સહારનપુર બે બેઠકો માટે ટિકિટ માંગી હતી. પરંતુ બે વર્ષ પછી લોકસભા ચૂંટણી દરમિયાન પરિસ્થિતિ બદલાઈ ગઈ, કારણ કે સહારનપુરમાં બહારના હોવા છતાં આશુ માલિકનું કદ વધ્યું હતું. આશુ માલિક મૂળ મુઝફ્ફરનગરના રહેવાસી છે, પરંતુ હવે તેઓ સહારનપુરમાં રહે છે.
સૂત્રોએ જણાવ્યું કે આશુ માલિક અને ઇમરાન માટે આ લડાઈ પ્રભુત્વને લઇને છે. એક સમયે બંનેનો સંબંધ ખૂબ સારો હતો, પરંતુ 2022માં આશુ MLA બન્યા પછી ઇમરાન મસૂદને લાગ્યું કે આશુ તેને બાજુ પર રાખી રહ્યો છે, જેના કારણે ઇમરાન મસૂદ નારાજ થયા હતા. ઉમર અલી ખાન અને આશુ માલિક ખૂબ નજીક છે અને માનવામાં આવે છે કે બંનેએ એક રીતે ઇમરાન મસૂદ સામે હાથ મિલાવ્યો છે.
લોકસભા ચૂંટણી દરમિયાન ઇમરાન મસૂદે આરોપ લગાવ્યો કે આશુ અને ઉમરે સ્થાનિક નેતાઓ સાથે ખાનગી વાતચીત દ્વારા તેમની ચૂંટણીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સહારનપુરના એક વરિષ્ઠ એસપી નેતાએ નામ ગુપ્ત રાખવાની શરત પર કહ્યું કે તેઓએ મને કહ્યું કે બંનેએ ઘણા જમીની કાર્યકરો અને ગામના વડાઓને કહ્યું હતું કે એ સુનિશ્ચિત કરે કે ઇમરાન મસૂદ ચૂંટણી હારી જાય. તેઓ પાસે આ સાબિત કરવા માટે એક ઓડિયો રેકોર્ડિંગ પણ છે. મને ખબર નથી કે તે અસલી છે કે નકલી.
ઓગસ્ટમાં સહારનપુરમાં જિલ્લા વિકાસ સમિતિ (DISHA)ની બેઠક દરમિયાન ઇમરાન મસૂદ અને આશુ માલિક વચ્ચે અધૂરા ડ્રેન/ડ્રેનેજ પ્રોજેક્ટ અંગે બધાની સામે તીવ્ર રકઝક થઇ હતી. આથી પશ્ચિમ યુપીમાં ગઠબંધનની આંતરિક સંઘર્ષ સામે આવ્યો હતો. આ વીડિયો પણ વાયરલ થયો હતો.
સપા ઇમરાન મસૂદની પાછળ કેમ પડી છે?
ઇમરાન મસૂદે SP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ખુલ્લીને પોતાની વાત રાખી છે. તેમણે વારંવાર કહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી માટે બેઠક વહેંચવાની ફોર્મ્યુલા તેમની પાર્ટી માટે સ્વીકાર્ય નહીં હોય. સંસદીય ચૂંટણીમાં એસપીએ કોંગ્રેસને 17 બેઠકો આપી હતી.
ગયા મે માં ઇમરાન મસૂદે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી પહેલાં બંને પક્ષો વચ્ચેના સંબંધોને ફરીથી ગોઠવવાની જરૂર છે. તેમણે કહ્યું કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવા માટે કામ કરી રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે અમારી પાસે ઉમેદવારો નહીં હોય. હું કહેવા માંગું છું કે અમે જમીન પર કામ કરી રહ્યા છીએ અને અમને કોઇ સહારાની જરૂર નથી. અમે ચૂંટણી એકલા લડીશું, અને જો કોઈ સહમતિ થાય તો તે સન્માનજનક હોવી જોઈએ. અમે તેમને (એસપી) એ નક્કી કરવા નહીં દઈશું કે અમે કઈ બેઠકો પર ચૂંટણી લડીશું.
ઇમરાને અનેક વખત સપા અને અખિલેશ યાદવને નિશાન બનાવીને વિવાદ ઊભો કર્યો છે. તેઓ કહે છે કે સપાએ યુપીમાં કોંગ્રેસને સમાન સન્માન આપવું જોઈએ. આથી માત્ર એસપી નેતાઓ જ નહીં પરંતુ અખિલેશ યાદવ પણ નારાજ છે.
આ પણ વાંચો – કોંગ્રેસના ગઢ અમેઠી-રાયબરેલીમાં માત્ર એક બેઠકની ઓફર, સપાના પ્રસ્તાવથી પાર્ટી નારાજ
આ વર્ષે ઓગસ્ટમાં ઇમરાન મસૂદના દામાદ શયાન એસપીમાં જોડાયા હતા. જવાબમાં કોંગ્રેસના નેતા ઇમરાન મસૂદે જવાબ આપ્યો કે એસપી હવે વ્યક્તિગત મુદ્દાઓને વચ્ચે લાવી રહી છે. ઇમરાન મસૂદ અને શયાન વચ્ચે બનતું નથી અને શયાન હવે ઇમરાનની દીકરી સાથે પણ નથી. એસપીમાં જોડાયા પછી શયાને ઇમરાન પર અનેક વખત પ્રહાર કર્યા હતા. એસપીના સૂત્રો અનુસાર પાર્ટી શયાનને ટિકિટ આપવાના મુડમાં નથી પરંતુ શયાનનું મહત્વ અટલા માટે છે કારણ કે તે ઇમરાન મસૂદને તે જ ભાષામાં જવાબ આપી શકે છે.
ઇમરાન મસૂદ અને સહારનપુરની રાજનીતિ
આ વિવાદ ઇમરાન મસૂદ માટે વ્યક્તિગત અને રાજકીય મુદ્દો પણ છે, કારણ કે તેમના પરિવારનો સહારનપુર રાજકારણ સાથે લાંબા સમયથી સંબંધ છે. તેમના કાકા અને રાજકીય માર્ગદર્શક, રશીદ મસૂદ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક પ્રખ્યાત રાજકીય વ્યક્તિ હતા. તેમણે એસપી અને કોંગ્રેસ બંનેની ટિકિટ પર ચૂંટણી જીતી હતી અને લોકસભામાં સહારનપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ સાથે નજીકના રાજકીય સંબંધો હતા.
ઇમરાન મસૂદે પોતાના કાકાના માર્ગદર્શન હેઠળ એસપી સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. જોકે સપા નેતૃત્વ સાથે સંબંધો ખરાબ થયા ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. COVID-19 મહામારી દરમિયાન રશીદ મસૂદના અવસાન પછી પરિવારની રાજકીય વારસો ઇમરાનને મળ્યો હતો.
તેઓ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા એસપીમાં પાછા ફર્યા હતા પરંતુ સપા નેતૃત્વ સાથે વિવાદ થયા પછી, તેઓ BSPમાં જોડાયા અને અંતે ઓક્ટોબર 2023માં કોંગ્રેસમાં પરત આવ્યા હતા. 2024ની સંસદીય ચૂંટણીમાં સહારનપુરમાંથી તેમની જીતથી તેમની રાજકીય કારકિર્દીને ફરી નવી દિશા મળી હતી.
સહારનપુર એસપી માટે કેમ મહત્વપૂર્ણ છે?
અખિલેશ યાદવ માટે સહારનપુર પશ્ચિમ યુપીમાં એસપીના રાજકીય આધારનો પણ મહત્વપૂર્ણ ભાગ છે. જ્યાં પાર્ટીને લાગે છે કે તેમનું સંગઠન મજબૂત છે અને જીતવાની શક્યતા છે. પરંતુ કોંગ્રેસ માટે આ મુદ્દો માત્ર બે બેઠકો સુધી મર્યાદિત નથી. ઇમરાન મસૂદનો વિરોધ પાર્ટીમાં એક મોટી ચિંતા દર્શાવે છે કે બેઠકોની વહેંચણી પરસ્પર પરામર્શ અને સન્માન પર આધારિત હોવું જોઈએ, ગઠબંધનના મોટા સહયોગીઓની એકતરફી જાહેરાતો દ્વારા નહીં.
