Bread Halwa Recipe : હલવાનું નામ આવતાની સાથે જ મનમાં રવો (સોજી), લોટ, દૂધી અથવા ગાજર યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો હલવો પણ છે જે રવા, ગાજર અથવા લોટમાંથી નહીં પરંતુ બ્રેડમાંથી બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે તેને બ્રેડ હલવો કહેવામાં આવે છે. આ હલવો સ્વાદમાં અદ્ભુત છે. તમે તેને ડેઝર્ટ, તહેવારો અથવા ખાસ પ્રસંગો માટે બનાવી શકો છો. તમે સફેદ બ્રેડ અથવા ઘઉંની બ્રેડ (બ્રાઉન બ્રેડ) થી બનાવી શકો છો. મીઠા ખાવાની ક્રેવિંગ અથવા બાળકોની માંગને સંતોષવા માટે બ્રેડ હલવો શ્રેષ્ઠ રેસીપી સાબિત થઈ શકે છે.
જો તમે એક જ પ્રકારનો હલવો ખાઈને કંટાળી ગયા છો, તો આ વખતે તમે કંઈક નવું અને અલગ ટ્રાય કરી શકો છો. બ્રેડ હલવાની આ ખાસ રેસીપી શેફ કૃણાલ કપૂરે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કરી છે. જેને તમે ઘરે સરળતાથી અજમાવી શકો છો.
સામગ્રી
- બ્રેડની સ્લાઇસ – 6-7
- ઘી – 3 ચમચી
- પાણી – જરુર પ્રમાણે
- દૂધ – 1/2 કપ
- ખાંડ – 1/2 ચમચી
- એલચી પાવડર – 1/2 ચમચી
- પિસ્તા – 2 ચમચી
- બદામ – 2 ચમચી
- કાજુ – 2 ચમચી
- ઘી – 1 ચમચી
બ્રેડ હલવો બનાવવાની રીત
સૌ પ્રથમ તાજી બ્રાઉન બ્રેડની 6-7 સ્લાઇસ તોડી મિક્સરમાં પીસી લો. બ્રેડના ટુકડા તૈયાર કર્યા પછી તેને શેકવું પડશે. આ માટે એક પેનમાં દેશી ઘી ઉમેરો અને બ્રેડના ટુકડાને ફ્રાય કરી લો. આ એક સરસ રંગ આપશે અને તે ક્રન્ચી બની જશે. ધ્યાન રાખો કે તેને ધીમા તાપ પર ફ્રાય કરો.
ક્રિસ્પી મેક્સિકન ભેળ રેસીપી, નાચોઝમાં થોડી વસ્તુઓ ઉમેરી ચટપટો નાસ્તો તૈયાર કરો
હવે બ્રેડના ટુકડાને એક પ્લેટમાં લઇ લો. હવે તે જ પેનમાં પાણી, ખાંડ અને દૂધ ઉમેરો અને પકાવો. ધ્યાન રાખો કે તેને વધુ પડતા પકાવવાના નથી. જ્યારે ખાંડ ઓગળી જાય છે, ત્યારે શેકેલા બ્રેડના ટુકડા ઉમેરો. તેને ધીમા તાપ પર રાંધવા દો. તે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને રાંધો અને ગેસ બંધ કરો. હવે તેમાં એલચી પાવડર, કાજુ, પિસ્તા, બદામ અને ઘી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
આ રીતે સ્વાદિષ્ટ બ્રેડ હલવો તૈયાર થઈ જશે. જેને તમે ખાધા પછી ડેઝર્ટમાં સર્વ કરી શકો છો. જો મહેમાનો ઘરે આવી રહ્યા હોય, તો તમે આ હલવો ઝડપથી તૈયાર કરી શકો છો.
