
સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને ઉદ્યોગસાહસિક કાવ્યા મારન 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્નબંધનમાં બંધાયા. આ લગ્ન સમારોહમાં સુપરસ્ટાર રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ઉપસ્થિત રહ્યા હતા. તેમના લગ્નની એક નોંધપાત્ર બાબત એ છે કે, તેમણે પરંપરાગત ધાર્મિક વિધિઓને અનુસરવાને બદલે ‘સ્વ-સન્માન લગ્ન’ (તમિલમાં ‘સુયમરિયાથાઈ થિરુમનમ’) પદ્ધતિ પસંદ કરી હતી. ડીએમકે (DMK)ની આઈટી વિંગના સચિવ ડૉ. ટી.આર.બી. રાજાએ પુષ્ટિ કરી છે કે આ યુગલે લગ્ન માટે આ પદ્ધતિ પસંદ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ડૉ. ટી.આર.બી. રાજાએ જણાવ્યું કે, પરિવાર અને મિત્રોની હાજરીમાં અનિરુદ્ધ અને કાવ્યાએ એકબીજાને માળા અને ચેઈન પહેરાવી હતી. ચાલો જાણીએ કે ‘સ્વ-સન્માન લગ્ન’ એટલે શું.
તમિલ ભાષામાં સ્વ-સન્માન લગ્નને ‘સુયમરિયાથાઈ થિરુમનમ’ (Suyamariyathai Thirumanam) કહેવામાં આવે છે. તેની શરૂઆત તમિલનાડુમાં સમાજ સુધારક પેરિયાર ઈ.વી. રામાસામીના નેતૃત્વ હેઠળના ‘સ્વ-સન્માન આંદોલન’ના ભાગરૂપે થઈ હતી. આ આંદોલનનો ઉદ્દેશ્ય જાતિ આધારિત ભેદભાવ, સામાજિક શ્રેણીબદ્ધતા અને પિતૃસત્તાક પરંપરાઓને પડકારવાનો હતો, તેમજ સમાજમાં સમાનતા અને વ્યક્તિગત ગરિમાને પ્રોત્સાહન આપવાનો હતો.
‘સ્વ-સન્માન લગ્ન’માં કોઈ પુરોહિત (પંડિત) હોતા નથી.
પરંપરાગત હિન્દુ લગ્નોથી વિપરીત આ સમારોહમાં કોઈ પુરોહિત હોતા નથી, મંત્રોચ્ચાર કે અન્ય કોઈ ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. તેના બદલે વર-વધૂ પરિવાર, મિત્રો કે સાક્ષીઓની હાજરીમાં એકબીજાને હાર, વીંટી અથવા ચેઈન અર્પણ કરે છે, જે તેમના જોડાણનું પ્રતીક છે. આવા લગ્નોમાં ધાર્મિક રીત-રિવાજોને અનુસરવાને બદલે પરસ્પર સંમતિ, સમાનતા અને જીવનસાથીઓ વચ્ચેના સન્માનને પ્રાધાન્ય આપવામાં આવે છે.
So, it appears to be like like a non-Vedic, self-respect marriage. Am I proper? https://t.co/fVF2JpUl61
— முனைவர். கணேசு ガネス (@DrGanesh_Japan) November 12, 2026
1967માં તમિલનાડુમાં કાયદેસરની માન્યતા
તમિલનાડુમાં 1967માં ‘હિન્દુ મેરેજ એક્ટ’ (હિન્દુ લગ્ન અધિનિયમ)માં સુધારો કરીને ‘કલમ 7-એ’ (Part 7-A) ઉમેરવામાં આવી, જેના દ્વારા ‘સ્વ-સન્માન લગ્ન’ને કાયદેસરની માન્યતા મળી. આ જોગવાઈ હેઠળ હાર કે વીંટીની આપ-લે કરીને અથવા લગ્ન અંગેની ઔપચારિક ઘોષણા કરીને લગ્ન સંપન્ન કરી શકાય છે. આ માટે સંબંધીઓ, મિત્રો કે અન્ય સાક્ષીઓની હાજરી હોવી જરૂરી છે. આવા લગ્નોને કાયદેસરની માન્યતા પ્રાપ્ત છે. લગ્ન પછી અનિરુધે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની કાવ્યા સાથેનો પોતાનો પહેલો અધિકૃત ફોટો શેર કર્યો. તેની સાથે તેણે લખ્યું, “જીવનમાં એક જ વાર મળે તેવી વ્યક્તિ, આખી જિંદગી માટે. 11.11”
આ યુગલે લાંબા સમય સુધી પોતાના સંબંધોને ખાનગી રાખ્યા હતા. વર્ષ 2025માં ન્યૂ યોર્કમાં બંને સાથે જોવા મળ્યા હોય તેવો એક વીડિયો સામે આવ્યા બાદ તેમના ડેટિંગને લઈને અટકળો તેજ થઈ ગઈ હતી. તે સમયે અનિરુધે સોશિયલ મીડિયા પર લગ્નની અફવાઓને હળવાશથી નકારી કાઢી હતી. હવે ગ્રીસમાં લગ્ન કર્યા બાદ આ યુગલ 21 નવેમ્બરે ચેન્નાઈમાં લગ્ન રિસેપ્શનનું આયોજન કરશે.
