Earliest Dawn Locations in India : સવારે ઉગતો સૂર્ય એ સૌથી સુંદર કુદરતી દ્રશ્યો પૈકીનું એક છે, જેને જોવા માટે લોકો દૂર દૂર સુધી જાય છે. ઉગતા સૂર્યના કિરણ, ઠંડી હવા અને ચારે તરફ ફેલાયેલી શાંતિ મનને શાંત કરવાનું કામ કરે છે. જો તમે આવા સ્થળ શોધી રહ્યા છો, ભારતમાં સૌથી પહેલા જ્યાં સૂર્યોદય થાય તેવા સનસેટ પોઇન્ટની મુલાકાત લેવી જ જોઇએ.
ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા કેટલાક સ્થળો છે જે તેમની કુદરતી સુંદરતા અને આશ્ચર્યજનક સૂર્યોદય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જો તમે ભીડથી દૂર શાંત જગ્યાએ સમય પસાર કરવા માંગતા હો, તો પછી તમે ભારતમાં આ સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો જ્યાં સૌથી પહેલા સૂર્યોદય થાય છે.
ડોંગ ખીણ
અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં આવેલી ડોંગ ખીણમાં ભારતના બાકીના વિસ્તારો કરતા સૌથી પહેલાં સૂર્યોદય થાય છે. ભારત-ચીન-મ્યાનમાર ટ્રાઇ-જંક્શન નજીક આવેલું આ નાનકડું ગામ દેશમાં પ્રથમ સવારના દૃશ્ય માટે પ્રખ્યાત છે. અહીંના સનસેટ પોઇન્ટ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ કરવું પડે છે.
કિબિથૂ
ડોંગ નજીક સ્થિત કિબિથુમાં સૂર્યોદય ભારતના બાકીના ભાગો કરતા વહેલો થાય છે. ઉંચા પહાડો અને હરિયાળીથી ઘેરાયેલું આ સ્થળ સવારે ખૂબ જ મોહક લાગે છે. પહાડો પર સૂર્યનું પહેલું કિરણ પડતાંની સાથે જ આખો વિસ્તાર સોનેરી રંગથી રંગાઈ જાય છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફી લવર્સ માટે ઉત્તમ છે.
વાલોંગ
અરુણાચલ પ્રદેશમાં લોહિત નદીના કિનારે આવેલું વાલોંગ એક ઐતિહાસિક સ્થળ છે જે 1962ના ચીન-ભારત યુદ્ધ માટે પણ જાણીતું છે. અહીંના ગાઢ જંગલો અને ઉંચા પર્વતો તે લોકો માટે સ્વર્ગ સમાન છે જેઓ કુદરતી સૌંદર્ય અને એકાંત પ્રેમી છે. અહીં સૂર્યોદય વહેલો થાય છે અને લોકો અદભૂત દૃશ્ય જોવા માટે દૂર-દૂરથી આવે છે.
જુકો વેલી
જૂકો વેલી ઉત્તરપૂર્વ ભારતના સૌથી અદભૂત સ્થળોમાંનું એક છે. નાગાલેન્ડ અને મણિપુરની સરહદ પર આવેલી આ ખીણ તેના જંગલી ફૂલો માટે પ્રખ્યાત છે. અહીં સૂર્યોદયનો અદભૂત નજારો જોવા યાદગાર રહે છે.
આ પણ વાંચો | ભારતમાં વિદેશ પ્રવાસ જેવી મજા માણો, આ 3 સુંદર સ્થળોને જોઇ તમે પણ કહેશો વાહ…
ભારતમાં પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે કારણ કે તે દેશના સૌથી પૂર્વમાં આવેલું છે. સમગ્ર ભારતમાં એક સમય હોવા છતાં પણ અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય પશ્ચિમ ભાગ કરતા લગભગ બે કલાક વહેલો હોઈ શકે છે.
