US tariff : અમેરિકાએ ભારતમાંથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે ભારત અને અમેરિકા વચ્ચે ઔપચારિક ટ્રેડ ડીલ થાય તો આ દર ઘટીને 17 ટકા થઇ શકે છે. યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસે (USTR) બુધવારે બે અલગ તપાસો પૂર્ણ કર્યા પછી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ભારતમાં બળજબરી મજૂરીથી બનેલા ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા સાથે જોડાયેલા મામલાને આધાર બનાવવામાં આવ્યો છે.
ટ્રેડ ડીલ પછી ભારતને રાહત મળશે
યુ.એસ. ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના કાર્યાલય અનુસાર ભારત પર પ્રસ્તાવિત 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે જેમાં વર્તમાન સેકશન 301 શુલ્ક શામેલ નથી. પરંતુ કેટલાક પસંદ કરેલા ઉત્પાદનો આમાંથી છૂટ મળી શકે છે. USTR એ પણ જણાવ્યું છે કે જો ભારત અને યુ.એસ. પરસ્પર વેપાર પર કરાર કરે અને તપાસ દરમિયાન મળેલા મુદ્દાઓનું નિરાકરણ લાવે, તો વધારાનો ટેરિફ દર 17 ટકા કરી શકાય છે.
ભારત માટે પ્રસ્તાવિત 17 ટકા ટેરિફ દર તેના ઘણા એશિયાઈ સ્પર્ધકો કરતા ઓછો રહેશે. બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ પર 18 ટકા ટેરિફ પ્રસ્તાવિત છે. આ દરમિયાન વિયેતનામ પર 20 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. હાલના ટેરિફ ઉપરાંત ચીન પર 20 ટકા ટેરિફ પણ નક્કી કરવામાં આવ્યો છે.
ભારત પર ટેરિફ શા માટે લગાવવામાં આવી રહ્યો છે?
યુએસટીઆરએ પોતાની તપાસમાં જણાવ્યું કે ભારતના ઉત્પાદન ક્ષેત્રો સંબંધિત નીતિઓ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા અતિશય વિસ્તરણ અમેરિકન વેપારને અસર કરી રહી છે. અમેરિકન એજન્સી અનુસાર ભારતની આ નીતિઓ અન્યાયી છે અને અમેરિકન વેપાર પર ભાર નાખે છે અથવા મર્યાદિત કરે છે. આથી ટ્રેડ એક્ટ 1974ની કલમ 301 હેઠળ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે.
આ પણ વાંચો – RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું – દુનિયાની કોઈપણ તાકાત ઇચ્છતી નથી કે ભારત પ્રગતિ કરે, તેમની દુકાનો બંધ થઈ જશે
યુ.એસ. ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના કાર્યાલયે જણાવ્યું કે આ શોધોના આધારે ભારતમાંથી આવતા ઉત્પાદનો પર 25 ટકા સુધી વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ છે. જોકે આ પ્રસ્તાવ અંગે સામાન્ય જનતા અને સંબંધિત પક્ષો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. આ હેતુ માટે જાહેર સુનાવણી પણ યોજાશે.
કયા દેશો ઉપર પણ થઇ તપાસ?
ભારત સિવાય યુએસએ સેકશન 301 હેઠળ 15 અન્ય વેપારી ભાગીદારોની પણ તપાસ કરી છે. આ તપાસ લગભગ આઠ મહિના સુધી ચાલતી રહી હતી. આમાં યુનાઇટેડ સ્ટેટ્સના નજીકના વેપારી ભાગીદારો જેમ કે જાપાન, યુરોપિયન યુનિયન અને દક્ષિણ કોરિયા પણ સામેલ છે.
આ નવી તપાસો હેઠળ પ્રસ્તાવિત ટેરિફ ભારત પર અગાઉ લગવાવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફનું સ્થાન લઇ શકે છે. પહેલાં અમેરિકાએ ભારત માટે રેસિપ્રોકલ ટેરિફને વેપાર કરાર માટે કાનૂની આધાર બનાવવાનો યોજના બનાવી હતી.
