અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદ બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા બાદ સાબરમતી નદીની જળસપાટી ઘટી હતી. નદીના પાણી ઓછું થતાં જ ખોડીયાનગર વિસ્તારમાં આંબેડકર ચોક પાસે આવેલા રિવરફ્રન્ટના કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે ઉપરવાસમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી જેના કારણે તંત્ર દ્વારા વાસણા બેરેજના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. બેરેજમાંથી પાણીનો નિકાલ થતાં જ સાબરમતી નદીમાં પાણીનું સ્તર નીચે ગયું હતું. પાણીનું સ્તર ઘટતાં જ રિવરફ્રન્ટ કાંઠે કાદવ-કીચડ અને નદીના કિનારે બે અલગ-અલગ જગ્યાએથી યુવકોની લાશ નજરે પડી હતી.
ખોડીયાનગર આંબેડકર ચોક નજીક રિવરફ્રન્ટ કાંઠે લાશ દેખાતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ વીડિયો ઉતારી વાયરલ કર્યા છે. આ મામલે સ્થાનિક વ્યક્તિ જયેશ પરમારના જણાવ્યા અનુસાર, પાણી ઓછું થતા લોકોના ટોળા રિવરફ્રંટ પર જોવા મળ્યા હતા. જ્યા તેઓ પણ પહોંચ્યા હતા અને નીચે એક યુવકોનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યાં જ તેનાથી થોડા આગળ એક અન્ય લાશ પણ નદીના કિનારે પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને મૃતકોની હજી સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. આ ઘટના અકસ્માત છે, આત્મહત્યા કે પછી કોઈ અન્ય કારણ, તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. PM રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
