આજે સવારે ભાવનગર જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ત્રાપજ નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કાર એક ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાતાં કારનો કચ્ચરઘણ નીકળી ગયો હતો. કારમાં સવાર અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના છ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
દરમિયાન કારની બારીનો કાચ તૂટી જવાથી એક સવાર બહાર ફેંકાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓની મદદથી પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે છ મૃતદેહોનો કબજો મેળવીને તેમને હોસ્પિટલના શબઘરમાં ખસેડ્યા છે.
મૃતક છ કર્મચારીઓની ઓળખ
પોલીસ તપાસ મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના તમામ છ કર્મચારીઓની ઓળખ થઈ ગઈ છે. મૃતકોની ઓળખ વિજયભાઈ, સાધુભાઈ, જીગ્નેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈ તરીકે કરવામાં આવી છે. અકસ્માતના સમાચાર મળતાં જ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે મૃતકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બીજી બાજુ ઘાયલ વ્યક્તિની ઓળખ જયેશભાઈ તરીકે થઈ છે. તેમને શરૂઆતમાં ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ પ્રાથમિક સારવાર બાદ તેમને શહેરની એક મોટી ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
