IIT Gandhinagar innovation: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ની એક સંશોધક ટીમે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs), ટ્રેનો, હાઇ-પર્ફોર્મન્સ ઇલેક્ટ્રોનિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશની પ્રથમ સ્વદેશી કૂલિંગ ટેકનોલોજી ને મોટાપાયે વિકસાવવા માટે 20 લાખ રુપિયાની સીડ ગ્રાન્ટ જીતી છે. આઈઆઈટીજીએન એ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી બે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે: ઝડપથી વધી રહેલા એઆઈ-આધારિત ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા અને ઈવી બેટરી થર્મલ મેનેજમેન્ટ સંબંધિત સુરક્ષા વિકસાવવા.
મેટલર્જિસ્ટ્સની વ્યાવસાયિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટલ્સ (IIM) દ્વારા આયોજિત ‘MATRIx (મટીરિયલ્સ રિસર્ચ, ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ એક્સ્પો) 2026’ માં IIT ગાંધીનગરની ટીમે આ ગ્રાન્ટ જીતી હતી.
સંશોધક ટીમે દાવો કર્યો હતો કે, આ સ્વદેશી ઉત્પાદન ટેકનોલોજી લિક્વિડ કોલ્ડ પ્લેટ્સની નવી પેઢી દ્વારા ઔદ્યોગિક થર્મલ મેનેજમેન્ટની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે. ‘એડવાન્સ્ડ ચિલ ટેક’ (Superior Chill Tech) શીર્ષક ધરાવતી આ નવીનતા લિક્વિડ કોલ્ડ પ્લેટ્સના ઉત્પાદનની પદ્ધતિની પુનઃવિચારણા કરે છે, જે વ્યાજબી, મોટા પાયે વિસ્તરી શકે તેવી અને ટકાઉ નવીનતા માટેનો માર્ગ મોકળો કરે છે.
આ ટીમે તેની ભાગીદાર કંપની એપ્સીલોન એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંયુક્ત રીતે પેટન્ટ માટે પણ અરજી કરી છે. આ ટેકનોલોજી ટેકનોલોજી રેડીનેસ લેવલ (TRL) 7 પર પહોંચી ગઈ છે, જેના પ્રોટોટાઇપ્સ (નમૂના) નું ઓપરેશનલ વાતાવરણમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. સૌથી મોટો પ્રોટોટાઇપ 35 બારથી વધુ દબાણ સહન કરી શકે છે જે ઉદ્યોગની જરૂરિયાતો કરતાં ઘણું વધારે છે અને તે ફેટીગ તેમજ ટેન્સાઇલ ટેસ્ટિંગમાં પણ પાસ થયો છે.
આ પણ વાંચો । દેશની પ્રથમ બુલેટ ટ્રેન આ રૂટ પર થશે શરૂ, સુરત-વાપી વચ્ચે 100 કિમી ઝડપી ટ્રેન દોડશે
આ પ્રોજેક્ટનું નેતૃત્વ આઈઆઈટીજીએન ના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર અમિત અરોરા, પ્રાચી શર્મા અને તે જ વિભાગના અંતિમ વર્ષના પીએચડી વિદ્યાર્થી રિઝવાન કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું.
‘એડવાન્સ્ડ ચિલ ટેક’ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે
લિક્વિડ કોલ્ડ પ્લેટ્સ એ ધાતુના એવા ઘટકો છે જેમાં આંતરિક ચેનલો હોય છે, જેમાંથી હાઇ-પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાંથી ગરમી શોષી લેવા માટે કૂલન્ટ વહે છે. તેનો વ્યાપક ઉપયોગ બેટરી થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, ડેટા સેન્ટર્સ, રેલ્વે, પાવર ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ, એરોસ્પેસ અને અન્ય એપ્લિકેશન્સમાં થાય છે જ્યાં વધુ પડતી ગરમી કાર્યક્ષમતા, સુરક્ષા અને વિશ્વસનીયતાને અસર કરી શકે છે.
આ અંગે વધુ માહિતી આપતાં અરોરાએ જણાવ્યું હતું કે, બ્રેઝિંગ એટલે કે કોલ્ડ પ્લેટ્સ બનાવવાની એક પ્રક્રિયાનો સક્સેસ રેટ માત્ર 40 થી 60 ટકા જ છે, જેમાં પ્લેટોનો મોટો હિસ્સો છુપી ખામીઓ અથવા લીકેજને કારણે ભંગારમાં જાય છે.
આ કોલ્ડ પ્લેટ્સ બહુવિધ જોઇન્ટ્સને ઓગાળીને બનાવવામાં આવતી હોવાથી, કોઈપણ સંભવિત લીકેજ માત્ર એક સમસ્યા નથી પરંતુ તે ઇલેક્ટ્રિકલ અને થર્મલ જોખમ ઊભું કરે છે.
આ ઉપરાંત, વેક્યૂમ-બ્રેઝ્ડ ઘટકોના ઉત્પાદન માટે સ્વદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે, ભારત આ ઉત્પાદનો માટે આયાતી ટેકનોલોજી પર મોટા પાયે નિર્ભર છે.
આઈઆઈટી ગાંધીનગર ખાતે એડવાન્સ્ડ મટીરિયલ્સ પ્રોસેસિંગ રિસર્ચ ગ્રુપ (AMPRG) નું નેતૃત્વ કરતા અરોરાએ ઉમેર્યું કે, આ મર્યાદાઓ પર વિજય મેળવવા માટે, અમે ‘ફ્રિક્શન સ્ટિર ચેનલિંગ’ (FSC) પર આધારિત ઉત્પાદન અભિગમ વિકસાવ્યો છે.
બહુવિધ ઘટકોને જોડવાને બદલે, આ પ્રક્રિયા એક ફરતા ટૂલનો ઉપયોગ કરીને સિંગલ મેટલ પ્લેટની અંદર જ આંતરિક કૂલિંગ ચેનલો બનાવે છે, જે સામગ્રીને ઓગાળ્યા વિના તેને પ્લાસ્ટિકલી વિકૃત (ડીફોર્મ) કરે છે.
20 લાખ રુપિયાની સીડ ગ્રાન્ટ, મોટી સિદ્ધિ
ઉત્પાદન પ્રક્રિયાના વિકાસનું નેતૃત્વ કરનાર રિઝવાન કુરેશીએ ઉમેર્યું કે, 20 લાખ રુપિયાની સીડ ગ્રાન્ટ જીતવાથી… અમને પ્રયોગશાળાના સંશોધન અને બજારમાં તેના ઉપયોગ વચ્ચેના અંતરને પૂરવામાં મદદ મળશે. આ ફંડિંગ મોટા પાયે પરીક્ષણ, બૌદ્ધિક સંપદા (આઈપી) ના વિકાસ, પ્રોડક્ટના સુધારા અને વ્યાપારીકરણના પ્રયાસોને ટેકો આપશે.
આનો એક તાત્કાલિક ઉપયોગ રેલ્વેમાં છે, જ્યાં આધુનિક હાઇ-સ્પીડ ટ્રેનો અને મેટ્રો કોચમાં હાઇ-પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ (IGBTs) ને ઠંડી રાખવા માટે લિક્વિડ કોલ્ડ પ્લેટ્સનો ઉપયોગ થાય છે. આઈઆઈટીજીએનની ટીમે હાઇ-સ્પીડ રેલ એપ્લિકેશન્સ માટે પ્રોટોટાઇપ વિકસાવ્યા છે અને તેનું પરીક્ષણ કર્યું છે.
આ ઉપરાંત, આ ટેકનોલોજી ઈવી બેટરી થર્મલ મેનેજમેન્ટ, એઆઈ-આધારિત ડેટા સેન્ટર્સ, જીપીયુ કૂલિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ અને એરોસ્પેસ સિસ્ટમ્સ તેમજ મેટલર્જિકલ ઉદ્યોગો માટે ખૂબ જ અનુકૂળ છે.
આ પણ વાંચો । ગુજરાતમાં 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, આજીવન મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત
બહુ-પગલાંવાળી, ઊર્જા-સઘન ઉત્પાદન પ્રક્રિયાને સિંગલ-સ્ટેપ સોલિડ-સ્ટેટ પ્રક્રિયામાં બદલીને, આ ટેકનોલોજી ઉત્પાદન સમય, ઊર્જા વપરાશ, સામગ્રીનો બગાડ અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે, જ્યારે ‘મેક ઇન ઇન્ડિયા’ ના ઉદ્દેશ્યોને પણ સમર્થન આપે છે તેમ અરોરાએ ઉમેર્યું હતું.
