Indian Railway New Vande Bharat : ભારતીય રેલવેના યાત્રીઓ માટે રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)થી પ્રથમ ‘અમૃત ભારત 3.0’ ટ્રેનસેટ સંપૂર્ણ રીતે બનીને બહાર આવી ગઇ છે અને રોલ આઉટ થઇ ગઇ છે.
અત્યાર સુધીમાં દેશભરમાં દોડતી લગભગ 60 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ફક્ત નોન-એસી કોચવાળી હતી, પરંતુ આ નવા વર્ઝનમાં પ્રથમ વખત એસી અને નોન-એસી બંને કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રેલવે બોર્ડ પહેલો રૂટ નક્કી કરશે
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ નવી ટ્રેનને આઈસીએફથી રવાના કરી દેવામાં આવી છે. તેના સંચાલન અને રૂટ અંગેનો નિર્ણય રેલવે બોર્ડ લેશે, જે નક્કી કરશે કે દેશની પ્રથમ અમૃત ભારત 3.0 ટ્રેન કયા રૂટ પર દોડાવવામાં આવશે.
નવી અમૃત ભારત 3.0 ટ્રેન 22 કોચથી સજ્જ થશે
રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રથમ ટ્રેનસેટમાં કુલ 22 કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કોચની ફાળવણી નીચે મુજબ છે.
- એસી કોચ : 1 ફર્સ્ટ એસી, 2 સેકન્ડ એસી અને 6 થર્ડ એસી કોચ.
- નોન-એસી કોચ : 6 સ્લીપર અને 4 જનરલ કોચ.
- અન્ય કોચ : 1 પેન્ટ્રી કાર, 1 પાવર કાર અને 1 દિવ્યાંગજન કમ ગાર્ડ બ્રેક વાન.
જૂના અનુભવોના આધાર પર થઇ નવી ડિઝાઇન
અમૃત ભારત એક્સપ્રેસ 3.0ને અગાઉના મોડલ (અમૃત ભારત 1.0 અને 2.0) ના અનુભવોના આધારે વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવામાં આવી છે. 2023માં પ્રથમ વખત શરૂ કરાયેલી આ ટ્રેન સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા અને ઓછી મધ્યમ આવક ધરાવતા જૂથને ખૂબ જ ઓછા ખર્ચે વિશ્વ કક્ષાનો અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો છે.
ઠગ કેવી રીતે હેક કરે છે તમારું WhatsApp એકાઉન્ટ? જાણો બચવાની રીત
ઇન્ટિરિયર અને લુકમાં મોટા ફેરફારો
નેશનલ ટ્રાન્સપોર્ટરના જણાવ્યા અનુસાર અમૃત ભારત 3.0ના કોચમાં તદ્દન નવો ઇન્ટિરિયર કલર થીમ મળશે. કોચના પીવીસી ફ્લોરિંગ, બેઠકો અને બર્થના રેક્સિન, સ્નેક ટેબલ, પડદા અને શૌચાલયના વિસ્તારોમાં ખાસ રંગ સમન્વયનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટ્રેનને અંદરથી ખૂબ જ આધુનિક અને સુંદર લુક આપે છે.
મુસાફરોની સલામતી અને ટકાઉપણું પર વિશેષ ભાર
રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોચના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી એચએલ 3 ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું સંપૂર્ણ પાલન કરે છે. આ માત્ર ઉચ્ચ સ્તરે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરે છે એટલું જ નહીં પરંતુ ટ્રેનનો આંતરિક દેખાવ પણ આકર્ષક બનાવે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી કલર સ્કીમ કોચને આધુનિક લુક આપશે તેમજ તેમને હેન્ડલ કરવામાં સરળ અને ટકાઉ રાખવામાં મદદ કરશે.
