મૃત્યુ માણસને છીનવી શકે છે, પરંતુ એ માણસે પાછળ છોડેલી સ્નેહની સુવાસને ભૂંસી શકતું નથી. સરહદો ભલે ભારત અને પાકિસ્તાનને અલગ કરતી હોય, પણ દિલના તાર જોડાય છે ત્યારે નફરત હારી જાય છે અને માનવતા જીતી જાય છે. ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ની ગોઝારી ઘટનાની વરસી પર આંખમાં આંસુ લાવી દે તેવી કહાની અહીં છે. પુત્ર અને પુત્રવધુના વિયોગમાં ઝૂરતા ગુજરાતી પિતા અને લંડનથી રોજ ફોન કરતા પાકિસ્તાની સાથીદારની અદ્ભુત લાગણીના સંબંધો ઘણું કહી રહ્યા છે.
12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ થતાં 241 મુસાફરોના મોત થયા હતા. જેમાં સાવધાનભાઇએ પુત્ર કમલેશ અને પુત્રવધુ ધપુબેનને ગુમાવ્યા બાદ છેલ્લા એક વર્ષથી લાગણીસભર આ ફોન કોલ્સનો સિલસિલો શરુ થયો છે. સાવધાનભાઇને દરરોજ લંડનથી કમલેશના પાકિસ્તાની સહકર્મી તરફથી ફોન કે મેસેજ આવે છે.
“કૈસે હો આપ… થીક હો”
લંડનમાં ફેન્સી ગુડ્સ સ્ટોરમાં નોકરી કરતા મૂળ પાકિસ્તાની ઓમર અલી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થાવર ગામના 48 વર્ષના ખેડૂત સાવધાનભાઈ ચૌધરીને છેલ્લા એક વર્ષથી ફોન કોલ કે મેસેજ કરી તેમના ખબર અંતર પૂછે છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ હજારો કિમી દૂર બેઠેલા બે વ્યક્તિઓ વચ્ચે એક અણધાર્યો સંબંધ બંધાયો છે.
સાવધાનભાઈ ચૌધરી માટે 12 જૂન, 2025નો દિવસ ગોઝાર સાબિત થયો જ્યારે અમદાવાદ એર ઈન્ડિયા વિમાન અકસ્માતમાં તેમના પુત્ર કમલેશ અને પુત્રવધુ ધપુબેનનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સાવધાનભાઈ ચૌધરી અને તેમના પત્ની રત્નીબેન ચૌધરી પુત્રની યાદમાં ગમગીન રહે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/10/savdhanbhai-and-ratniben-2026-06-10-15-09-11.jpg)
દરરોજ લંડનથી બનાસકાંઠામાં ફોન
લંડનમાં રહેતા ઓમર અલી દરરોજ કામ પર જતી વખતે સાવધાનભાઈ સાથે વાત કરવા માટે ફોન કરે છે. ફોન પર આજનું હવામાન કેવું છે, દિવસમાં શું કર્યું, સાવધાનભાઈના ચેપગ્રસ્ત પગના નખ, બપોરના ભોજનમાં તેમણે શું ખાધું તેના વિશે વાતચિત થાય છે. છેલ્લા એક વર્ષમાં એક પણ દિવસ એવો નથી જ્યારે બંને વચ્ચે ફોન કોલ અને મેસેજ પર વાતચિત ન થઇ હોય.
આ અણધાર્યો સંબંધ ક્યારે અતૂટ બની ગયો તે વિશે વાત સાવધાનભાઈ કહે છે, ઓમર અમારા ખબર અંતર વિશે પુછે છે અને અમે પણ તેના ખબર અંતર પુછીયે છીએ.
લંડનથી વાત કરતા ઓમર અલી કહે છે, “હું હંમેશા સાવધાનભાઈને કહું છું કે, ભગવાને અમારા સંબંધો શક્ય બનાવ્યા છે; કમલેશ એ શક્ય બનાવવાનું માધ્યમ હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ પરિવારની આટલી નજીક હોઈશ. મેરે દિલ કો શુકુન સા મિલતા હૈ ઇન્સે બાત કરકે ઔર તસ્લ્લી દે કર (મને તેમની સાથે વાત કરીને અને તેમને આશ્વાસન આપીને મનની શાંતિ અને આરામ મળે છે).”
એ ગોઝારો દિવસ, જેણે હંમેશા માટે અલગ કર્યા
છ મહિના પહેલા, જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર સાવધાનભાઈને થાવર સ્થિત તેમના ઘરે મળવા ગયા, ત્યારે તેમણે તેમના ફોન માંથી 30 સેકન્ડનો એક વીડિયો દેખાડ્યો હતો. આ વીડિયો 2025ની 12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહારથી શૂટ કરાયેલો હતો. જેમા કમલેશ અને ધપુબેન એન્ટ્રી ગેટ પર દેખાય છે. 26 વર્ષીય ધપુબેને પરંપરાગત ચણીયો અને ચમકતી ગુલાબી રંગનું ઓઢણી પહેરી હતી. તો 26 વર્ષીય કમલેશે ટીશર્ટ અને જીન્સ પહેર્યું હતું.
ભારે હૈયે સાવધાનભાઈ કહે છે, “અમે તેમને એરપોર્ટ પર મૂકવા ગયા હતા. હું ભાગ્યે જ વીડિયો બનાવું છું પણ ખબર નથી કે મેં તે દિવસે વીડિયો કેમ બનાવ્યો. કદાચ એટલા માટે કે મેં વિચાર્યું કે મારે મારી વહુની પહેલી ફ્લાઇટ રેકોર્ડ કરવી જોઈએ.”
તે દિવસે સાવધાનભાઈ અને રત્નીબેન પહેલીવાર અમદાવાદ આવ્યા હતા. ગામડે પરત જતા મહેસાણા જિલ્લાના ઊંઝા પહોંચ્યા હતા ત્યારે તેમને પ્લેન ક્રેશના સમાચાર મળ્યા હતા. સમાચાર સાંભળતા જ તેમણે ઝડપથી અમદાવાદ તરફ ગાડી દોડાવી, આ દરમિયાન તેમના સંતાનો સુરક્ષિત હોય તેની માટે સતત પ્રાર્થના કરતા રહ્યા.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/10/kamlesh-chaudhary-at-london-2026-06-10-15-11-01.jpg)
અમદાવાદ થી લંડન જઇ રહેલું એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડીમલાઇનર પ્લેન ટેકઓફ થયાની થોડીક જ સેકન્ડમાં બીજે મેડિકલ કોલેજની મેસ બેલ્ડિંગ સાથે અથડાતા 241 લોકોના મોત થયા હતા, જેમા કમલેશ અને ધુપબેન પણ સામલે હતા.
કમલેશ ચૌધરી સપ્ટેમ્બર 2022 થી લંડનમાં રહેતો હતો. 22 નવેમ્બર, 2024ના રોજ લગ્ન કરવા માટે પોતાના વતન બનાસકાંઠામાં આવ્યો હતો. લગ્ન કર્યા બાદ તે તરત જ લંડન જતો રહ્યો અને તેના થોડાક મહિના બાદ પછી પત્ની ધપુબેનને પોતાની સાથે લેવા પાછો ફર્યો હતો.
કમલેશના મામા દેવકરણ ચૌધરી જણાવે છે કે, કમલેશને બે વર્ષ પહેલાં વર્ક વિઝા મળ્યા હતા અને તે પાંચ વર્ષમાં નાનો બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા રાખતો હતો. તે બનાસકાંઠામાં એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટરનો અભ્યાસ કરતા પોતાના 23 વર્ષના નાના ભાઈ હિતેશને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. હવે આ વાત વિચારીને પણ અમારું હૃદય ધ્રુજી ઉઠે છે,”
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/10/kamlesh-chaudhary-wedding-album-2026-06-10-15-12-29.jpg)
આ વર્ષે 6 જાન્યુઆરીના રોજ તેમના ગામથી 5 કલાકની મુસાફરી કરી સાવધાનભાઈ તેમના ભત્રીજા ઈશ્વર ચૌધરી સાથે બીજી વખત અમદાવાદની એક હોટલમાં આવ્યા હતા. અહીં, એર ઈન્ડિયાએ એક ફેમિલી રિટર્ન સેન્ટર શરૂ કર્યું હતું, જ્યાં મૃતક 241 મુસાફરોના સંબંધીઓ વિમાન અકસ્માત સ્થળ પરથી મેળવેલા તેમના પ્રિયજનોના અંગત સામાન મેળવી શકતા હતા.
હોટલના રૂમમાં જ સાવધાનભાઇ ચૌધરી રડી પડ્યા હતા. તેમને એક ઝિપલોક બેગ આપી હતી, જેમા તેમના પુત્ર કમલેશનું અડધું બળી ગયેલું લગ્નનું આલ્બમ અને બીજામાં નવદંપતીના ફોટોગ્રાફ વાળું ડેસ્કટોપ કેલેન્ડર હતું, તેના પર લખ્યુ હતું “એક જેવા વિચાર ધરાવતી બે આત્મા, બે હૃદય પણ એક ધડકન”. કેલેન્ડરના 12 પાના પર દંપતીના ફોટા હતા. બીજી બેગમાં તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ હતા, જે બધા બળી ગયેલા અથવા પીળા રંગના થઇ ગયા હતા.
સાવધાનભાઈ એ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું, “કમલેશ સાથે જોડાયેલી આ છેલ્લી યાદો હતી, જેને મેં પકડી રાખી હતી. હું આને હંમેશા મારી સાથે રાખવા માંગુ છું.”
કમલેશની માતા રત્નીબેન કહે છે કે, મૃતદેહો સાથે તેમને ધપુબેનની પાયલ , કાનની બુટ્ટી અને કમલેશના ટીશર્ટના કેટલાક ટુકડાઓ એક બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાએ ‘અસંબંધિત વસ્તુઓ’ (ક્રેશ સાઇટ પરથી મળેલા અંગત સામાન જે કોઈપણ મુસાફરોને મળ્યા ન હતા) માટે જે પોર્ટલ બનાવ્યું હતું તેના પર, પરિવાર રત્નીબેન દ્વારા ઉડાન ભર્યાના એક દિવસ પહેલા ધપુબેનને ખરીદેલું સોનાનું લોકેટ, બે કળશ (કલશ) અને ભગવાન શિવની કોતરણીવાળો ચાંદીનો સિક્કો ઓળખી શક્યું હતું. “એર ઇન્ડિયાનો સ્ટાફ માર્ચમાં કળશ આપવા આવ્યો હતો . બાકીની વસ્તુઓ અમારી છે તેની માટે અમને પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. અમે કેવી રીતે કરીયે? તેથી અમે તેને રહેવા દીધું,” રત્નીબેને જણાવ્યું હતું.
સાવધાનભાઈ કહે છે, તેમના મોટા દીકરા અને પુત્રવધુ મૃત્યુના દિવસે જ તેમનો સંસાર વિખેરાઇ ગયો હતો. જો કે ત્યારબાદ એક હૃદયસ્પર્શી સિલસિલો શરૂ થવાનો હતો.
એક વર્ષથી, તેઓ અને રત્નીબેન હવે આતુરતાથી દરરોજ બપોરે 3 વાગે ઓમર અલીના ફોનની રાહ જુએ છે. કમલેશના બોસ અંગત સિંહ, જે એક અફઘાન શીખ છે અને તન્નીભાઈ તરીકે ઓળખાય છે, તેમણે ઓમર અલીને કમલેશ ચૌધરીના પિતાને ફોન કરવા અને તેમના ખબર અંતર પૂછવાની જવાબદારી આપી છે. પહેલા ઓમર અલી દરરોજ નોકરી માટે ઘરેથી નીકળતી વખતે લાહોરમાં તેના માતાપિતાને ફોન કરતો હતો, હવે તેના બદલે કમલેશના માતાપિતાને ફોન કરે છે.
શરૂઆતના સમયમાં ફોન પર તેમની સાથે ઓછી વાતચિત થતી હતી. સાવધાનભાઈને હિન્દી બોલવામાં મુશ્કેલી પડતી હતી, તેઓ વારંવાર ગુજરાતી બોલતા હતા, જો કે ઓમરે ધીરજ રાખી, જેણે પુત્ર ગુમાવ્યો હોય તે પિતા કેવી રીતે બોલી શકે.
દરરોજ ફોન અને મેસેજનો સિલસિલો શરૂ
ઓમર અલી કહે છે કે, કમલેશ અને તે ખાસ નજીક નહોતા. તેઓ સ્ટોરમાં સાથે કામ કરતા હતા. ઓમર તન્નીભાઈનો સૌથી જૂનો કર્મચારી છે, જે સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે જ્યારે કમલેશ સ્ટોરમાં બીજા વિભાગનું સંચાલન કરતો હતો.
પરંતુ જે ક્ષણે તેમણે એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં કમલેશ અને ધપુબેનના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે બધા હચમચી ગયા. ઓમર કહે છે “મને ખૂબ જ દુઃખ થયું અને મેં જોરથી બૂમ પાડી. આખો સ્ટાફ મારી તરફ દોડી આવ્યો અને મને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.”
તન્નીભાઈના કહેવા પર, ઓમરે કમલેશના રૂમમેટ દીક્ષિત પટેલ પાસેથી સાવધાનભાઈનો નંબર મેળવ્યો અને તેમને ફોન કરવાનો પ્રયાસ કર્યો. બે દિવસ બાદ તેમનો ફોન આવ્યો. “મને હજુ પણ તેમના શબ્દો યાદ છે. ‘મેરા બેટા ચલા ગયા .’ મને ખબર હતી કે તે બીજી બાજુ રડી રહ્યા છે. મને ખબર ન પડી કે શું કહેવું તો મે માત્ર એટલું કહ્યું – ‘આપકા બેટા ઔર હમારા ભાઈ ચલા ગયા’ (તમારો દીકરો અને મારો ભાઈ… તે હવે નથી રહ્યા). મેં તેમને ધીરજ રાખવા કહ્યું અને ખાતરી આપી કે હું ફરીથી ફોન કરીશ.”
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/10/ahmedabad-air-india-crash-2026-06-10-15-15-38.jpg)
આ રીતે એક સિલસિલો શરૂ થયો જે સાદગી સાથે હૃદય સુધી પહોંચી ગયો – બે માણસો પરસ્પર ફોન કરીને પુછ છે કે શું તમે ઠીક છો.
ઓમર કહે છે – “સાવધાનભાઈ અને તેમનો પરિવાર ખૂબ જ સરળ છે. મેં તેમને કહ્યું હતું કે, મારા માતા-પિતા હવે રહ્યા નથી; આ સંબંધ ભગવાને જોડ્યો છે. મેં તેમને એક વાર કહ્યું હતું કે જ્યારે હું મારા માતા-પિતાને ફોન કરતો હતો, ત્યારે તેઓ ક્યારેય સામેથી ફોન કાપતા ન હતા. તેઓ ‘ અલ્લાહ હાફિઝ , બાય બાય’ કહેતા હતા, પણ હું ફોન કાપી નાખું ત્યાં સુધી રાહ જોતા હતા. હવે સાવધાનભાઈ પણ આવું જ કરે છે. અમે દરરોજ વાત કરીએ છીએ, ક્યારેક કામ કે અન્ય કોઇ કારણસર ઓછી વાત થાય છે પરંતુ અમે દરરોજ કોઈને કોઈ રીતે જોડાઈએ છીએ,” ઓમર કહે છે.
દસ ભાઈ-બહેનોમાં સૌથી નાના ઓમર અલીએ 2022માં એક મહિનાની અંદર તેના ભાઈ અને પિતા ગુમાવ્યા, ત્યારબાદ બીજા વર્ષે તેની માતાનું અવસાન થયું. “મારી ઉંમરના તફાવતને કારણે હું મારા માતાપિતાની ખૂબ નજીક નહોતો. સાવધાનભાઈ બહુ મોટા નથી; હકીકતમાં ઉંમરની રીતે હું કમલેશ કરતાં સાવધાનભાઈની વધુ નજીક છું. કમલેશ કહેતો હતો કે તેના પિતા મિત્ર જેવા લાગતા હતા. કદાચ હવે હું સાવધાનભાઈ પ્રત્યે આવું જ અનુભવું છું,” તે એક એવા સંબંધ વિશે વાત કરતા કહે છે જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. શું તે સાવધાનભાઈ પ્રત્યે પુત્રની જવાબદારી અનુભવે છે? કે મિત્રની? કહેવું મુશ્કેલ છે, તે કહે છે કે -કદાચ, તે એક બંધન છે જેને નામ વગર રાખવું શ્રેષ્ઠ છે.
મોટાભાગના સારા સંબંધોની જેમ, તેમના સંબંધો પણ ધીમે ધીમે વિકસતા ગયા, જે રોજિંદા કોલ્સ અને વોટ્સએપ મેસેજ દ્વારા ટકી રહ્યા છે. શરૂઆતના થોડા મહિનાઓ સુધી ઓમર દરરોજ તેમને ફોન કોલ કરતો હતો, અને ત્યારબાદ સાવધાનભાઈએ પણ વાત કરવાનું શરૂ કર્યું.
ઓમર કહે છે, “ધીરે ધીરે સંબંધ ઉંડો થતો ગયો. હવે હું મારા દિલની વાત તેમને કહું છું. તેઓ કમલેશની માતા, ભાઈ હિતેશ, કમલેશના સાસરિયાઓ વિશે પણ બધી વાત કરે છે. જ્યારે હું તેમને દુઃખી જોઉ છું ત્યારે મને બહુ ખરાબ લાગે છે, તેઓ પહેલાથી જ મોટા આઘાતમાંથી પસાર થઈ ચૂક્યો છે. એક માણસ કેટલું સહન કરી શકે છે?”
તેઓ બંને ક્યારેક ક્યારેક વીડિયો કોલ પર લંડનમાં ઓમર, તેની પત્ની અને બે બાળકો સાથેના, તો સાવધાનભાઈના ખેતરોમાં તાજા વાવેલા તરબૂચ, મરચાં અને ભીંડાના, લગ્નના આલ્બમમાંથી કમલેશ અને ધપુબેનના ફોટા શેર કરે છે. અહીંયા સુધી કે. સાવધાનભાઈ થાળીમાં પીરસેલા બાજરી રોટલા અને ગુવારના શાકના ફોટા પણ શેર કરે છે. સાવધાનભાઈ કહે છે કે, “તેમણે મને પૂછ્યું કે આજે તમે બપોરના ભોજનમાં શું ખાધું અને મેં તેમને ગુવાર વિશે જણાવ્યું. તેમને ખબર નહોતી કે તે શું છે, તેથી મેં તેમને એક ફોટો મોકલ્યો.” આ દરમિયાન તેમની આંખો કમલેશ અને ધપુબેન વિશે વાત કરતી વખતે ભીની થઈ જાય છે, અને ઓમરનું નામ સાંભળીને સ્મિત આવી જાય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/10/omar-ali-2026-06-10-15-14-24.jpg)
માર્ચ મહિનાના તે દિવસે જ્યારે ઓમરે પ્રથમ વખત ક્લિન શેવિંગ કરી હતી ત્યારે તેણે સાવધાનભાઈને વીડિયો કોલ કર્યો હતો. તેઓ કહે છે, “મેં ઓમર ભાઈને કહ્યું, ‘આપ બહુ અચ્છે લગ રહે હો, આપ કો કિસી કી નજર ના લગે (તમે સારા લાગો છો, ભગવાન તમારું ભલું કરે).”
કમલેશના મૃત્યુ પછી સાવધાનભાઈ અને રત્નીબેને તેમના દીકરાની ઇચ્છા મુજબ જ જીવન જીવવાનું નક્કી કર્યું છે. સાવધાનભાઈ કહે છે – “કમલેશ જતા પહેલા દિવાળી પર અમને કાર ખરીદવાનું વચન આપ્યું હતું. વળતર તરીકે મળેલા પૈસા માંથી અમે ગઇ દિવાળીએ તેની ઇચ્છા મુજબ કાર ખરીદી.” હાલ સફેદ SUV તેમના ઘરની બહાર ટીનના શેડ નીચે પાર્ક કરેલી દેખાય છે.
કમલેશને લંડન મોકલવા ₹ 55 લાખ ઉછીના લીધા હતા
એર ઈન્ડિયા પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને ટાટા ટ્રસ્ટ તરફથી ₹ 1 કરોડ અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડ માંથી ₹ 4 લાખની સહાય આપવાની ઘોષણા કરવામાં આવી હતી. સાવધાનભાઈને વચગાળાની રાહત પેટે ₹ 25 લાખ મળ્યા હતા, જેનો ઉપયોગ દિકરાને લંડન મોકલવા માટે સગાસંબંધી અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા ₹ 55 લાખ ચૂકવવા માટે કર્યો હતો.
સાવધાનભાઈ કહે છે, “કમલેશ મને અલગ રીતે વિચારવાનું કહેતો રહેતો. આથી જ બે મહિના પહેલા મારી 10 વીઘા જમીનના એક ભાગમાં તરબૂચ ઉગાડવાનું શરૂ કર્યું જ્યાં અમે રાયડો અને એરંડા ઉગાડતા હતા. તાજેતરમાં અમે લાલ મરચાના વાવેતરનો પ્રયાસ કર્યો. મેં સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે કોળા અને તરબૂચના બીજ ફળો કરતાં વધુ ભાવ આપે છે. આ બધું મને વ્યસ્ત રાખે છે, તે માત્ર વ્યસ્ત રહેવાનો એક રસ્તો છે. અમે અમારી પાંચ ભેંસો માંથી ત્રણ અને અમારી 10 માંથી નવ ગાયો પણ વેચી દીધી; કમલેશ હંમેશા કહેતો હતો કે તે અમારા માટે મોટો બોજ છે,” આટલું બોલતા જ સાવધાનભાઈની આંખો ફરી ભરાઈ જાય છે.
આ દરેક નિર્ણય ઓમરને ફોન કર્યા પછી લેવામાં આવે છે. “હું તેની સાથે દરેક બાબતની ચર્ચા કરું છું. ઉદાહરણ તરીકે, જેમ કે નવો પાક વાવવો હોય, તો હું આગળ વધતા પહેલા મારી યોજનાઓ વિશે તેની સાથે વાત કરું છું. તેને ખરેખર ખેતી વિશે બહુ ખબર નથી, પણ મને કહે છે, ‘આગળ વધો, જો તમે કહશો તો સારું થશે. ખુદા આપકો બરકત દેગા (ભગવાન તમને સમૃદ્ધિ આપશે).’ મેં તેમને વીડિયો અને ફોટામાં વાવેલા મરચાં, તરબૂચ અને કાકડી દેખાડ્યા છે.”
ગયા મહિને સાવધાનભાઈએ ઓમરના લંડનના સરનામે 10 કિલોનું પેકેટ કુરિયર મોકલ્યું હતું. તેમા ઘરે બનાવેલું ઘી, પાચન ચૂર્ણ અને ઓમરની પત્ની માટે સૂકી કચોરીના બે પેકેટ હતા. બરાબર એ જ રીતે જે રીતે તેઓ કમલેશ માટે મોકલતા હતા.
સાવધાનભાઈ સ્મિત સાથે કહે છે, “ઓમર ભાઈએ મને પૂછ્યું કે મેં કુરિયર માટે કેટલો ખર્ચ કર્યો છે અને મેં કહ્યું, ‘આપણા સંબંધની શું કિંમત હોઇ શકે છે ?” બિચારો ઓમર, તે જવાબ આપી શક્યો નહીં. તે પછી તેણે ક્યારેય પૈસાનો ઉલ્લેખ કર્યો નથી.”
થોડા મહિના પહેલા, ઓમરે કમલેશના નાના ભાઈ હિતેશ માટે બ્લેઝર અને શર્ટ અને તેની માતા રત્નીબેન માટે સ્વેટર મોકલ્યું હતું.
ધોરણ 11 પછી શાળા છોડી દેનારા સાવધાનભાઈ હવે અંગ્રેજીમાં પણ મેસેજ મોકલે છે. તેઓ કહે છે – “મેં ટેક્સ્ટ મેસેજનું ભાષાંતર કરવાનું શીખી લીધું છે. હું પહેલા ગુજરાતી માંથી અંગ્રેજીમાં અનુવાદ કરું છું, પછી તેને ફરીથી ગુજરાતીમાં અનુવાદિત કરું છું જેથી કોઈ ભૂલ ન થાય અને પછી હું ઓમર અને તેના પરિવારને મેસેજ મોકલું.”
તેમણે ઓમરને અંગ્રેજીમાં લખેલા સંદેશાઓમાંથી એકમાં લખ્યું હતું કે, “તમે ફોન કર્યો ત્યારે હું ખૂબ જ ઘોંઘાટવાળી જગ્યાએ હતો, તેથી મને ફોન ન ઉપાડવાનો અફસોસ છે. હું એક જરૂરી કામ માટે ગયો હતો. તમે ઠીક હશો, આભાર,” બે હાથ જોડેલી ઇમોજી સાથે.
કમલેશ ગયા પછી, સાવધાનભાઈનો ફોન તેમની યાદોને સાચવી રાખે છે. તેમના ફોન જે ઘણા ટેક્સ્ટ મેસેજ છે તેમાં લંડનમાં કમલેશને નોકરી પર રાખનાર તન્નીભાઈ સાથે તેમણે કરેલી વાર્તાલાપના મેસેજનો પણ સમાવેશ થાય છે.
આમાંથી એક તન્નીભાઈએ ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને ગુજરાતીમાં લખ્યું છે, “ તમે કેમ છો? કમલેશ ના ભાઈ કેમ છે? બધુ થીક ચલી રહ્યુ છે?”
છેલ્લા 12 મહિનાથી, તન્નીભાઈ સાવધાનભાઈના ખાતામાં ₹ 50,000 ટ્રાન્સફર કરી રહ્યા છે – જે “મહેનતુ અને પ્રામાણિક છોકરા અને તેના પરિવાર” માટે એક છુપી મદદ છે.
લંડનથી ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા , તન્નીભાઈ કહે છે, “મેં એક ભંડોળ ઊભું કરવાનો પ્લાન પણ બનાવ્યો છે જ્યાં અમે મારા પરિવાર અને મિત્રો પાસેથી 2800 પાઉન્ડ એકત્ર કર્યા છે. મેં હજુ સુધી આ વાત સાવધાનભાઈ સાથે શેર કરી નથી, પરંતુ હું હિતેશના લગ્ન માટે અથવા જ્યારે હું તેમને માસિક સહાય ન આપી શકું ત્યારે આ રકમ તેમને મોકલવાની યોજના બનાવી રહ્યો છું.”
અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી
12 જૂન, 2026ના રોજ અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને એક વર્ષ પૂર્ણ થાય છે. આ દિવસે સાવધાનભાઈ, રત્નીબેન અને પરિવારના બાકીના સભ્યો અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લેવાની યોજના ધરાવે છે.
સાવધાનભાઈ કહે છે, “ક્યારેક ક્યારેક હું અડધી રાતે જાગી જાઉં છું, કમલેશ અને ધપુબેન વિશે વિચારું છું અને ખૂબ લાચારી અનુભવું છું. અમે ખેડૂત છીએ; અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારો દીકરો વિદેશ જશે. જતા પહેલા, તેણે અમને કહ્યું હતું કે તે અમને એક વાર લંડન લઈ જશે. મોટા સપના… હવે બધું ખતમ થઇ ગયું છે,” તેઓ કહે છે, કમલેશના કેટલાક વીડિયો બતાવવા માટે પોતાનો ફોન ખોલે છે જે ઓમરે એડિટ કરીને મોકલ્યા છે, જેમાં 12 જૂને તેના વોટ્સએપ સ્ટેટસ તરીકે કેવી રીતે અપલોડ કરવા તેની સૂચના પણ આપી છે.
તેમાથી એક વીડિયોમાં કમલેશ અને ધપુબેનનો ફોટો છે, જેની સાથે એક વોઇસઓવર પણ છે જે કહે છે, ‘સુંદર યાદો જ આપણી પાસે બચી છે, તે જીવનભર આપણી સાથે રહેશે, ભગવાન તમારી આત્માને શાંતિ આપે’. અન્ય એક વીડિયો છે – જેમા કમલેશ પોઝ સાથે ઉભો છે અને એકમાં ધપુબેન સાથે છે. બેકગ્રાઉન્ડમાં બોલિવુડ ફિલ્મ બોર્ડરનું એક ગીત વાગે છે, જે પવનને પ્રિયજન શોધવાની વિનંતી કરે છે, “એ ગુઝરને વાલી હવા બતા, મેરા ઇતના કામ કરેગી ક્યા, મુઝે છોડ કે જો ચલા ગયા, ઉસે ધુંઢ લા…”
(એક્સપ્રેસ રિપોર્ટર રીતુ શર્મા સાથે થયેલી વાતચીતના આધારે)
