
Right now Gujarat rain fall information: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાનો શરૂ થયો છે. ધીમે ધીમે વરસાદ પડવાનો વિસ્તાર વધવા લાગ્યો છે. આજે મંગળવારે વહેલી સવારથી અમદાવાદ, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે અરવલ્લી, પંચમહાલ સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
આજે વહેલી સવારથી અમદાવાદ સહિત 55 તાલુકામાં વરસાદ
આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. થોડા દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરમાં મેઘાની મહેર જોવા મળી છે. અમદાવાદમાં બે કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે આખો દિવસ વરસાદ પડે તેવું વાતાવરણ બન્યું છે. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે બફારામાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બીજી તરફ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 11 ઓગસ્ટ 2026ના રોજ સવારે 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 55 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના બાલાસિનોરમાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 10ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 11 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે મહિસાગરના ગોધારમાં 2.28 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO કોણ બનશે? 5,000થી વધુ અરજીઓમાંથી 18 નામ શોર્ટલિસ્ટ
ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસો માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાનું અનુમાન છે. ગુજરાતની આસપાસ સક્રિય હવામાન એક્ટિવિટિના કારણે આજે વરસાદની આગાહી છે.
