વડોદરાના પોશ રેસકોર્સ વિસ્તારમાં આવેલા ‘માલાબાર ગોલ્ડ’ શોરૂમમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રાહકના વેશમાં શોરૂમમાં પ્રવેશેલી એક હાઇ-પ્રોફાઇલ મહિલાએ સ્ટાફની નજરથી બચીને લાખો રૂપિયાની કિંમતની સોના અને હીરાની વીંટી અને કાનની બુટ્ટી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પકડાઈ જતાં મહિલા રડી પડી
પકડાઈ જવાના ડરે મહિલાએ ચોરેલા દાગીના મોંઢામાં છુપાવી દીધા હતા. જોકે શોરૂમ સ્ટાફની સતર્કતાને કારણે તેણીની ચોરી પકડાઈ ગઈ અને તેણીને સ્થળ પર જ રોકી દેવામાં આવી. પકડાઈ જતાં મહિલા રડી પડી અને માફી માંગવા લાગી હતી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/10/vadodara-woman-hiding-stolen-gol-2026-06-10-14-33-47.jpg)
સ્ટાફની સૂચનાથી બચવા મોઢામાં વીંટી અને કાનની બુટ્ટી છુપાવી
સીસીટીવી ફૂટેજમાં મહિલા ગ્રાહક તરીકે શોરૂમમાં પ્રવેશતી દેખાય છે. ત્યારબાદ તેણીએ સ્ટાફને તેના સોના અને હીરાના દાગીના બતાવવા કહ્યું. સ્ટાફ સાથે વાતચીત કરતી વખતે તેણીએ તેમનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો અને ગુપ્ત રીતે સોના અને હીરાના બુટ્ટીઓનો સેટ અને એક વીંટી તેના મોંમાં છુપાવી દીધી. જ્યારે સ્ટાફને તેની હિલચાલ પર શંકા ગઈ ત્યારે તેઓએ દાગીનાની વાત કહી. કેટલીક વસ્તુઓ ગુમ હોવાનું જાણ થતાં તેમણે મહિલાની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન તે ગુસ્સે થઈ ગઈ અને ત્યારબાદ તેના મોંઢા માંથી ગુમ થયેલા દાગીના મળી આવ્યા. આમ લાખો રૂપિયાના કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ સ્થળ પર જ નિષ્ફળ ગયો.
ગાંધીનગર અને અમદાવાદમાં બોમ્બની ધમકી, CM, AMC, RSSની કચેરીઓ ટાર્ગેટ પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી
માહિતી મળતાં અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું તેણીએ અન્ય સ્થળોએ આવી ચોરીઓ કરી છે.
અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. બલદાનિયાએ જણાવ્યું કે આ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે અને પોલીસે મહિલાની પૂછપરછ કરી છે. જોકે શોરૂમ સંચાલકોએ ફરિયાદ નોંધાવી ન હોવાથી અને મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી.
