ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 28 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી હવામાન વિભાગે તેજ પવન અને વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે. આ સિસ્ટમના કારણે 1 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન અત્યંત ખરાબ રહેશે. દરિયામાં 40 થી 50 કિમી અને વધીને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે માછીમારો માટે દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
એક તરફ ગરમી, બીજી તરફ મેઘકૃપા
છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોર છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતાં લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 27, 2026
જાણો આગામી 3 દિવસ ક્યાં પડશે વરસાદ?
- 28 જૂન: અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવો વરસાદ.
- 29 અને 30 જૂન: વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના.
જુલાઈની શરૂઆતમાં મેઘરાજા જમાવટ કરશે
1 જુલાઈએ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વીજળીના કડાકા ભડાકા થશે. ત્યારબાદ 2 અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
