અમદાવાદ પોલીસે ‘હિટ-એન્ડ-રન’ કેસના સંબંધમાં રાઘવેન્દ્ર કુશવાહાની ધરપકડ કરી છે, જે બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાનો ભત્રીજો છે. અહેવાલો અનુસાર, આ ઘટના 11 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં શિલાજ સર્કલ નજીક બની હતી. એક પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ‘રેન્જ રોવર’ કારે ‘રેપિડો’ બાઇકને ટક્કર મારી હતી, જેના પરિણામે બાઇક પર પાછળ બેઠેલા મુસાફરનું મૃત્યુ થયું હતું.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે બોપલ પોલીસે તપાસ કરીને કારચાલક રાઘવેન્દ્રને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી. તે બાપુનગરના ધારાસભ્ય દિનેશ સિંહ કુશવાહાનો ભત્રીજો છે. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલી રેન્જ રોવર કારને પણ જપ્ત કરી છે. બાદમાં આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા હતા.
બાઇક પર પાછળ બેઠેલા મુસાફરનું મૃત્યુ
આ અકસ્માત 11 નવેમ્બર, 2026ના રોજ સવારે 6:45 થી 7:00 વાગ્યાની વચ્ચે શિલાજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ જંકશન પાસે બન્યો હતો. ‘રેપિડો’ બાઇકના 50 વર્ષીય ચાલક પ્રદીપ દડવાલ, હર્ષદકુમાર નરસિંહ પૂર્બિયા નામના મુસાફરને ઘાટલોડિયાથી શિલાજ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી રેન્જ રોવર કારે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. પીડિતોને મદદ કરવાને બદલે કારચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
બાઇક પર પાછળ બેઠેલા હર્ષદ પૂર્બિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. બાઇક ચાલક પ્રદીપ દડવાલ જેઓ સુરક્ષા રક્ષક (સિક્યુરિટી ગાર્ડ) તરીકે પણ કામ કરે છે તેમને પણ અકસ્માતમાં ઈજાઓ થઈ હતી. તેમણે જ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કારનો રજિસ્ટ્રેશન નંબર પોલીસને આપ્યો હતો. આરોપી રિયલ એસ્ટેટનો વ્યવસાયી છે.
આ પણ વાંચો: ‘યુવાનોને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરતો હતો ઝાકિર નાઈક’, ગૃહ મંત્રાલયે IRF પરનો પ્રતિબંધ 5 વર્ષ લંબાવ્યો
પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ રાઘવેન્દ્ર કુશવાહા તરીકે થઈ છે, જે વ્યવસાયે રિયલ એસ્ટેટના વેપારી છે. આરોપી રાઘવેન્દ્ર કુશવાહા, અમદાવાદના બાપુનગર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાના ભત્રીજા છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને કારની લાયસન્સ પ્લેટના આધારે કાર્યવાહી કરીને બોપલ પોલીસે આરોપી રાઘવેન્દ્ર કુશવાહાની ધરપકડ કરી છે. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલી રેન્જ રોવર કાર પણ જપ્ત કરી લીધી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મૃત્યુ નિપજાવવા બદલ કેસ નોંધ્યો છે. જોકે ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા હતા. પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે આરોપીના વાહન સામે અગાઉ ટ્રાફિક નિયમોના ભંગ કે દંડનો કોઈ રેકોર્ડ છે કે કેમ, તેમજ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો હતો તેની પણ તપાસ ચાલી રહી છે.
