મધ્યપ્રદેશના સિવનીમાં એક એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) એ અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્થાનિક હોટલમાં રોકાયેલા એક પુખ્ત યુગલને ગાંજાની હેરાફેરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ ઘટના બાદ બુધવારે મુખ્યમંત્રી મોહન યાદવે બે વરિષ્ઠ અધિકારીઓ સહિત છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોટલમાં રોકાયેલા આ પુખ્ત યુગલને લઈને પોલીસ અને હોટલ મેનેજમેન્ટ વચ્ચે વિવાદ થયો હતો. આરોપ છે કે યુવતી પર તેના પરિવારજનોને બોલાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો ત્યારે અધિકારીઓએ યુવકની બેગમાં ગાંજો મૂકીને તેમને એક બનાવટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસના આચરણ પર સવાલો ઉભા થયા હતા, જેના પગલે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) કૈલાશ મકવાણાએ મુખ્યમંત્રીને ASP દીપક મિશ્રા અને સબ-ડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ (SDOP) ચંચલેશ મરકામને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
તુરંત કાર્યવાહી કરતા મુખ્યમંત્રી યાદવે જણાવ્યું હતું કે પોલીસ ગણવેશમાં રહેલા કર્મચારીઓ દ્વારા શિસ્તહીનતા અને ગેરવર્તણૂક કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે પોલીસ દળમાં શિસ્ત, જવાબદારી અને ફરજ પ્રત્યે સમર્પણ સર્વોપરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, “સિવનીની વાયરલ વીડિયો ઘટનામાં પ્રથમ દૃષ્ટિએ શંકાસ્પદ આચરણ સામે આવતા મેં ASP અને SDOP સહિત છ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે અને આ મામલે નિષ્પક્ષ તથા વ્યાપક તપાસના નિર્દેશ આપ્યા છે.”
‘गांजा’ बना पुलिस का हथियार…मप्र के सिवनी स्थित एक होटल में कुछ पुलिसकर्मी पहुंचे…जहां एक कपल को परिजन को फोन लगाने को कहा.. लेकिन जब कपल ने आनाकानी की तो गांजे के केस में फंसाने की धमकी दी. पुलिस अधिकारी ने सिपाही को गांजा की पुड़िया लाने को कहा…! https://t.co/o5trSdInoH
— Rupesh Mishra (@rupeshmishramp) November 17, 2026
તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર દરેક અધિકારી અને કર્મચારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જવાબદારી, મર્યાદા અને શિસ્ત સાથે પોતાની ફરજો બજાવે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “ગેરવર્તણૂક પ્રત્યે ‘ઝીરો-ટોલરન્સ’ (સહેજ પણ સહન ન કરવાની) નીતિ અપનાવીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
કથિત વીડિયો 13 નવેમ્બરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેમાં ASP મિશ્રાની સાથે SDOP મરકામ, સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સતીશ તિવારી અને અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ જોવા મળે છે. વીડિયોમાં મિશ્રા યુવક અને યુવતીને તેમના પરિવારજનોને હોટલમાં બોલાવવા માટે કહેતા જોવા મળે છે. જ્યારે તેઓ ના પાડે છે ત્યારે તે વ્યક્તિ એમ કહેતો સંભળાય છે કે તે થોડો ‘ગાંજો’ લાવીને પેલા યુવાનની બેગમાં મૂકી શકે છે.
આ પણ વાંચો: જાવેદ અખ્તરે સોનિયા ગાંધીના પુસ્તકને ગણાવ્યું શાનદાર, કહ્યું- ‘મારા મનમાં તેમના પ્રત્યે ખૂબ જ સન્માન છે…’
મંગળવારે મોડી સાંજે આ વીડિયો સામે આવતા પોલીસ અધિકારીઓમાં હલચલ મચી ગઈ હતી. તેના એક દિવસ પહેલા તે જ હોટેલનો અન્ય એક સીસીટીવી (CCTV) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સતીશ તિવારી હોટેલ મેનેજરને હોટેલ બંધ કરાવી દેવાની ધમકી આપતા જોવા મળ્યા હતા. ટૂંકા ગાળામાં આવા બે વીડિયો સામે આવવાથી તેમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓના આચરણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ મામલે હોટેલના માલિક સંજય સનોદિયાએ પોલીસ પર ખંડણી ઉઘરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે. સનોદિયાએ જણાવ્યું હતું કે કોતવાલી પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) એ આ ઘટના પહેલા પૈસાની માંગણી કરી હતી અને તેમણે અમુક રકમ ચૂકવી પણ હતી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે માંગેલી પૂરેપૂરી રકમ ન આપવાને કારણે હવે હોટેલના માલિક અને સંચાલકને હેરાન કરવામાં આવી રહ્યા છે.
