ચીનના શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક આર્થિક સહકાર (APEC) સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલી વાર ત્રિપક્ષીય બેઠક માટે એકસાથે બેસવાની તૈયારી કરી રહ્યા છે. વૈશ્વિક રાજનીતિ અને આર્થિક વ્યવસ્થા માટે આ બેઠક અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વની નજર આ બેઠકના પરિણામો અને તેની સંભવિત અસરો પર ટકેલી છે. આ સમગ્ર ઘટનાક્રમ, તેની ઐતિહાસિક સરખામણી, ક્વાડની ભૂમિકા અને ભારત પર પડનારી અસર વિશે સરળ શબ્દોમાં સમજીએ.
શેનઝેનની બેઠકની સરખામણી ‘યાલ્ટા પરિષદ’ સાથે કેમ થઇ રહી છે?
ઘણા રાજદ્વારી નિષ્ણાતો આ બેઠકની સરખામણી ફેબ્રુઆરી 1945 ની ઐતિહાસિક યાલ્ટા પરિષદ (Yalta Convention) સાથે કરી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં પણ કંઇક આવું જ થયું હતું. અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ, બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત યુનિયનના વડા પ્રધાન જોસેફ સ્ટાલિન મળ્યા હતા અને યુદ્ધ પછીના યુરોપને પોતપોતાના પ્રભાવના ક્ષેત્રોમાં વહેંચી લીધું હતું.
આજની પરિસ્થિતિમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ઈરાન સામેના સંઘર્ષ એમ 2 મોટા મોરચા પર તણાવ વધી રહ્યો છે. આ જ કારણોસર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું ચીન, અમેરિકા અને રશિયાના આ 3 શક્તિશાળી નેતાઓ ભેગા મળીને વૈશ્વિક પ્રભાવના નવા ભાગલા પાડશે કે પછી કોઈ નવી સમજૂતી કરશે? એ મહત્વનું છે.
ત્રિપક્ષીય બેઠક પહેલાં ‘ક્વાડ’ (Quad) માં શું થયું?
વિશ્વની નજરે પ્રભાવશાળી કહેવાતા ચીન, અમેરિકા અને રશિયાના આ ત્રણ મોટા નેતાઓની બેઠક પહેલાં ટ્રમ્પે ક્વાડ (Quad) ના અન્ય સભ્ય દેશો જેવા કે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દેશો લાંબા સમયથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
આ બેઠક દરમિયાન 4 ક્વાડ નેતાઓના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કહેવાયું કે બળજબરી કે એકપક્ષીય કાર્યવાહી દ્વારા યથાસ્થિતિ બદલવાના પ્રયાસોનો સખત વિરોધ કરવામાં આવે છે, કારણ કે તેનાથી તણાવ વધે છે અને પ્રાદેશિક શાંતિ જોખમાય છે.
ક્વાડ દેશોએ આર્થિક દબાણ, મનસ્વી નિકાસ પ્રતિબંધો, મહત્વપૂર્ણ સપ્લાય ચેઇન પર અવરોધો, દરિયાઈ અને હવાઈ માર્ગોની સ્વતંત્રતા, વિશ્વસનીય AI નો ઉપયોગ અને મજબૂત દરિયાઈ પરિવહન કોરિડોર જેવા મુદ્દાઓ પર ભાર મુક્યો હતો.
આગામી વર્ષે સંયુક્ત દરિયાઈ લશ્કરી કવાયત, AI વિકાસ પર વધુ ભાર અને બિઝનેસ ફોરમ યોજવાનો નિર્ણય એ વાતનો સંકેત છે કે ટ્રમ્પ ભલે શી અને પુતિનને મળે, પરંતુ ક્વાડ દેશો પોતાનો સહયોગ જાળવી રાખવા માંગે છે. તો બીજી તરફ ચીને હંમેશાની જેમ ક્વાડની ટીકા કરી છે.
3 શક્તિશાળી નેતાઓની બેઠકમાં કોનો કેવો સ્વાર્થ?
શી જિનપિંગ અને પુતિન એવા નેતાઓ છે જેમને પોતાના દેશમાં સ્થાનિક સ્તરે બહુ ઓછા રાજકીય પડકારોનો સામનો કરવો પડે છે, જ્યારે ટ્રમ્પ લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા છે અને મધ્યસત્ર ચૂંટણીમાં મળેલા પરાજય બાદ તેમની રાજકીય સ્થિતિ અલગ છે. ત્રણેય નેતાઓના પોતાના સમીકરણો અહીં અલગ અલગ છે. એ અંગે પ્રકાશ પાડીએ તો,
શી જિનપિંગ: દક્ષિણ ચીન સમુદ્ર અને તાઇવાનમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. ટ્રમ્પ યુક્રેન અને પશ્ચિમ એશિયાના યુદ્ધો રોકવામાં ચીનની મદદ ઈચ્છે, પરંતુ શી જિનપંગ માટે આ સ્થિતિ વ્યૂહાત્મક રીતે ફાયદાકારક છે કારણ કે આ સંઘર્ષોથી અમેરિકા તણાવમાં રહે છે અને અમેરિકાની લશ્કરી, આર્થિક અને રાજદ્વારી શક્તિ અન્યત્ર વ્યસ્ત રહે છે.
વ્લાદિમીર પુતિન: યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં પોતાની પકડ મજબૂત રાખવા માંગે છે. આ યુદ્ધનો સમયગાળો હવે પ્રથમ વિશ્વયુદ્ધને પણ વટાવી ગયો છે, તેથી યુરોપિયન દેશો પુતિનની દરેક હિલચાલ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
અગાઉના અનુભવો અને ‘G-2’ ની ચર્ચા: અગાઉ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની બેઠકો હોય કે શી-પુતિન સાથેની મુલાકાતો, ઘણીવાર મોટા દેખાડા બાદ પણ નક્કર પરિણામ ઓછા જોવા મળ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્રમ્પ અને શી ની મુલાકાત વખતે ‘રેર અર્થ મેગ્નેટ’ જેવા મુદ્દાને ટાળીને મહત્વપૂર્ણ સપ્લાય ચેઇન પર ધ્યાન અપાયું હતું.
કોવિડ-19 પછી વિશ્વને ચીન પરની સપ્લાય ચેઇન નિર્ભરતાનો અહેસાસ થયો અને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો સમય મળ્યો. બીજી તરફ, G-2 માં ચીનને મળેલું મહત્વ બેઇજિંગ માટે વૈશ્વિક મહાસત્તા બનવાના લક્ષ્ય તરફનું પગલું માનવામાં આવે છે.
ભારત માટે આ સમગ્ર ઘટનાક્રમનો શું અર્થ છે?
ભારત માટે આ બેઠક ખાસ મહત્વ ધરાવે છે. જો ચીનને કોઈ પરિણામ ભોગવ્યા વિના વધુ આક્રમક બનવાની તક મળે, તો તેની સીધી અસર ભારત પર પડી શકે છે. ચીન સાથેની સરહદ પરની સ્થિતિ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જ કહ્યું હતું કે સરહદનો મામલો “વધુ જીવંત” બન્યો છે. આ સ્થિતિને કારણે ભારતે સરહદ પર મોટી સંખ્યામાં સૈન્ય હાજરી સતત જાળવી રાખવી પડે છે.
ભારત એવી આશા રાખશે કે ‘G-3’ જેવી આ સમીકરણની અસર લાંબા સમય સુધી ન રહે અને 2020 જેવી સ્થિતિ ફરી ઊભી ન થાય, જ્યારે ભારતે માત્ર 10 દિવસમાં ચીન સરહદ પર સૈન્ય જમાવટમાં મોટો વધારો કરવો પડ્યો હતો.
શેનઝેનમાં ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની બેઠક વૈશ્વિક શક્તિ સંતુલન માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે. એક તરફ ક્વાડ દ્વારા ઈન્ડો-પેસિફિકમાં સંયુક્ત વ્યૂહરચના આગળ વધી રહી છે, તો બીજી તરફ 3 મહાસત્તાઓ વચ્ચેની વાટાઘાટો યુદ્ધ, વેપાર અને સપ્લાય ચેઇનને અસર કરી શકે છે.
આ પણ વાંચો । ક્વાડના મંચ પર ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની કરી પ્રશંસા, ગણાવ્યા ટફ લીડર
ભારત માટે સૌથી મોટી બાબત એ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં ચીનનું વલણ વધુ આક્રમક ન બને અને સરહદ પર સ્થિરતા જળવાઈ રહે.
