ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો નવતર પ્રયોગ સફળ, ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી ખીલી ઉઠી

ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો નવતર પ્રયોગ સફળ, ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી ખીલી ઉઠી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Dholera Drum Plantation Mission: ધોલેરામાં ઉદ્યોગોના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પુરતા પગલાં લેવામાં આવ્યા છે. અર્ધ-શુષ્ક આબોહવા ધરાવતા આ વિસ્તારમાં તીવ્ર સૂર્યકિરણો, સખત્ત ખારાશવાળી જમીનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બને છે. આ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ધોલેરાનાં એક્ટિવેશન એરિયાનાં બ્લોક નંબર 29માં વન વિભાગે નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં વિરડા જેવું લાગે છે. દેશમાં સેમિકંડક્ટર હબ તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે ‘ડ્રમ પ્લાન્ટેશન’નો એક નવતર પ્રયોગ કર્યો છે. 

અમદાવાદ (સામાજિક વનીકરણ) વિભાગ દ્વારા અહીં વિકસાવવામાં આવેલી નવીન “ડ્રમ પ્લાન્ટેશન” પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગને સફળતા મળી છે. આસપાસ ખારાપાટની વચ્ચે ઉભેલા 3200 વૃક્ષો દરેક જોનાર વ્યક્તિને આશ્ચર્ય પમાડે છે અને રણની વચ્ચે વિરડાનો અનુભવ કરાવે છે. 

ઝડપથી વિકસતા ઔદ્યોગિક શહેર ધોલેરામાં હરિયાળો વિસ્તાર વધારવાના હેતુથી આ પ્રોજેક્ટને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં, જ્યાં કુદરતી રીતે ઘાંસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે. 

પ્રાયોગિક ધોરણે 3200 રોપાઓ ઉછેર્યા અને સફળતા મળી 

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025માં 15 જાતિનાં 3,200થી વધુ રોપાઓ પ્લાસ્ટિકના ડ્રમનો ઉપયોગ કરીને વાવવામાં આવ્યા હતા. આ પ્રયોગનું કારણ એ હતુ કે, રોપાનાં મૂળિયાઓને જમીનની ખારાશથી ઉંચાઇ પર સુરક્ષિત રાખી શકાય. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે.

અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, “આ ખારાશવાળી જમીનમાં રોપાઓ ઉછેરવા એક પડકાર હતો. જમીનમાં ઇલેક્ટ્રો-કન્ડક્ટિવિટી ખૂબ ઊંચી હતી, જમીનમાં કાર્બનનું પ્રમાણ નહિવત હતુ અને ખારાશ અત્યંત વધુ હતી. આ ઉપરાંત, આ વિસ્તારમાં છ મહિના સુધી પાણી ભરાયેલું રહેવાને કારણે છોડનો વિકાસ લગભગ અશક્ય બની જતો હતો. આ પડકારોનો સામનો કરવા માટે અમે ‘ડ્રમ પ્લાન્ટેશન ટેકનિક અપનાવી. જેમાં રોપાઓને ડ્રમમાં ઊંચાઈ પર વાવવામાં આવ્યા. આ ડ્રમમાં રેતી, પોષક તત્ત્વોથી ભરપૂર માટી, વર્મી કમ્પોસ્ટ, સુકુ ઘાસ અને કોકોપીટને ભરવામાં આવ્યાં.”

ડૉ. મીનલ જાનીએ વધુમાં જણાવ્યું કે, “ડ્રમની બંને બાજુ હવાની અવર-જવર થઇ શકે તે માટે છિદ્રો બનાવવામાં આવ્યા અને તેને જમીનમાં આશરે એક ફૂટ ઊંડે દાટવામાં આવ્યાં. DSIRDA દ્વારા મીઠું પાણી પૂરું પાડવામાં આવ્યું.  તમામ રોપાઓ માટે ટપક સિંચાઈ (ડ્રિપ ઇરિગેશન) વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ પ્રયાસોને કારણે, આજે લગભગ તમામ વૃક્ષો જીવંત છે અને કેટલાકમાં તો ફળો પણ આવવા લાગ્યા છે, જેના કારણે પરાગસંચય કરનારા જીવજંતુઓ (પોલીનેટર્સ) અને પક્ષીઓ આજે અહીં કલરવ કરી રહ્યા છે.”

15થી વધુ પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા 

આ વાવેતરમાં પીલુ (Salvadora persica), કેસૂડો (Butea monosperma), શીમળો (Bombax ceiba), પારસ પીપળો (Thespesia populnea), વડ (Ficus benghalensis), પીપળો (Ficus religiosa), પેલ્ટોફોરમ (Peltophorum pterocarpum), દેશી બાવળ (Acacia nilotica), કરંજ (Pongamia pinnata), અર્જુન (Terminalia arjuna), ગોરસ આંબલી (Pithecellobium dulce), લીમડો (Azadirachta indica), ગુંદી (Cordia dichotoma) અને આમલી (Tamarindus indica) સહિતની 15 પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. 

એક નવી ઇકોસિસ્ટમ, પોલિનેટર્સ આવ્યા અને પક્ષીઓનો કલરવ થયો 

ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, “જ્યાં અગાઉ ઘાસ પણ ઉગી શકતું નહોતું, ત્યાં આજે જમીન નવસાદ્ય બની અને પતંગિયા સહિતનાં જીવજંતુઓ, પક્ષીઓનો કલરવ થવા લાગ્યો. કુદરતી રીતે ઉગતા ઘાસ ફરી વખત ઉગવા માંડ્યા.”

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિકનાં ડ્રમને ભવિષ્યમાં દૂર કરીને રિસાયકલ કરવામાં આવશે, જેથી પ્રોજેક્ટ પર્યાવરણની દૃષ્ટિએ સંપૂર્ણપણે ટકાઉ બની રહે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ને ટકાઉ ઔદ્યોગિકીકરણ માટે વૈશ્વિક માપદંડ તરીકે વિકસાવવાનું વિઝન ધરાવે છે. તેમના નેતૃત્વમાં ધોલેરા ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રનું અગ્રણી કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. 

પ્રોજેક્ટની સફળતા બાદ વધુ 20 હેક્ટરમાં પ્લાન્ટેશન કરાશે 

પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી પ્રોત્સાહિત થઈને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) આજ પ્રયોગને આગળ વધારવા માટે વધુ 20 હેક્ટર જમીન ફાળવી છે અને આ માટે જરૂરી ફંડ ફાળવ્યું છે. આગામી તબક્કામાં ધોલેરા એક્ટિવેશન વિસ્તારમાં આ જ ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી આશરે 50,000થી વધુ રોપાઓ વાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દેશભરમાં હરિયાળો વિસ્તાર વધારવાના સતત પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. જનભાગીદારી, વૃક્ષારોપણ અભિયાનો અને ટકાઉ વિકાસની પહેલો દ્વારા ભારત આવનારી પેઢીઓ માટે વધુ હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *