Cristiano Ronaldo Retires : પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. હવે તે પોર્ટુગલ તરફથી લાલ રંગની જર્સીમાં રમતો જોવા મળશે નહીં. તેણે ટ્વિટર પર એક વીડિયો રિલીઝ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
નિવૃત્તિ સમયે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ શું કહ્યું
આજે એ દિવસ આવી ગયો છે જ્યારે મારે આપણી રાષ્ટ્રીય ટીમની 7 નંબરની જર્સી બીજા કોઈને સોંપવાની છે. મેં ક્યારેય આ જર્સીને ફક્ત પોતાની માની નથી. પરંતુ મને 23 વર્ષ સુધી તેને પહેરવાનો, તેની જવાબદારી લેવાનો અને વિશ્વભરના સ્ટેડિયમોમાં પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું. હવે તેને આગામી પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે. તે નિર્ણય લેવો સરળ ન હતો. કેટલાક નિર્ણયો માત્ર મનથી જ નહીં, પરંતુ દિલથી પણ લેવામાં આવે છે.
હું તે સફરને ખતમ કરી રહ્યો છે, જે ઓગસ્ટ 2003 માં શરૂ થઇ અને જેણે મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું છે. જ્યારે હું રાષ્ટ્રીય ટીમ સાથે વિતાવેલા આ વર્ષો વિશે વિચારું છું, ત્યારે મને ફક્ત મેચો, ગોલ, રેકોર્ડ અને ટ્રોફીઓ જ યાદ આવતી નથી. મને લોકો યાદ આવે છે. મને તે પ્રવાસી પોર્ટુગીઝને યાદ આવે છે જેમણે 90 મિનિટની રમત દરમિયાન તેમનો દેશ થોડો વધુ નજીક લાગ્યો. હું લાખો પોર્ટુગીઝ લોકોને યાદ કરું છું જેમને હું ક્યારેય રૂબરૂ મળ્યો નથી, પરંતુ જેઓ મારા જીવનનો એક ભાગ બની ગયા હતા. કારણ કે ફૂટબોલ માત્ર એક રમત નથી, તે લોકોની લાગણીઓ સાથે જોડાયેલી છે.
Portugal estará sempre em mim https://t.co/dnFj51rxmh
— Cristiano Ronaldo (@Cristiano) November 5, 2026
રાષ્ટ્રીય ટીમ સાથેની મારી કારકિર્દી દરમિયાન મેં હંમેશાં મારી મર્યાદાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. હું જીતવા માંગતો હતો, શ્રેષ્ઠ બનવા માંગતો હતો અને ઇતિહાસ રચવા માંગતો હતો. હું હંમેશાં મારી પાસેથી વધુ અપેક્ષા રાખતો હતો. હું હંમેશાં કંઈક બીજું પ્રાપ્ત કરવા માંગતો હતો. મને વિશ્વાસ હતો કે આપણે આગળ વધી શકીએ છીએ. મેં આ જર્સી માટે મારું બધું જ આપ્યું. આ પ્રવાસ ઘણા શાનદાર દિવસો અને યાદગાર રાતો આવી. એવી જીત હતી જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કેટલીક હાર એવી પણ રહી જેને યાદ કરીને આજે પણ દુ:ખ થાય છે. મેં ભૂલો કરી, મેં દુ:ખો પણ સહન કર્યા અને ઘણી વખત હું પોર્ટુગલના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો નહીં. પરંતુ મેં ક્યારેય હાર માની નહીં. સૌથી મહત્વની વાત એ છે કે પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કરવાનું મારું ગૌરવ ક્યારેય ઓછું થયું નથી.
વિરાટ કોહલી@38 : ઉંમર માત્ર એક આંકડો, જાણો કેમ આજે પણ વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં છે સામેલ
વર્ષોથી મેં કેટલીક ખૂબ જ સરળ પરંતુ મહત્વપૂર્ણ વસ્તુઓ શીખી છે. સમય સાથે ગોલ પાછળ રહી જાય છે, ટ્રોફીઓ મ્યુઝિયમોમાં રહી જાય છે અને રેકોર્ડ એક દિવસ તૂટી જાય છે. પરંતુ એક વસ્તુ ક્યારેય સમાપ્ત થતી નથી અને તે છે લોકોના હૃદયમાં તમારું સ્થાન. જો મારા કોઇ એક ગોલે તમને ખુશી આપી છે, જો મારા કોઈ ગોલ પછી તમે કોઇને ગળે લગાવ્યા છે અથવા તમારા મનમાં દેશ પ્રત્યે ગર્વ થયો છે, તો મારા માટે આ સફર પુરી રીતે સફળ રહી કારણ કે પોર્ટુગીઝ હોવાનો અર્થ પણ એ જ છે. આપણે દુ:ખ ઝીલીએ છીએ, સાથે મળીને ઉભા થઈએ છીએ અને ફરીથી આશા રાખવાનું શીખીએ છીએ.
મેં વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી બનવા માટે આખી જિંદગી સખત મહેનત કરી છે. પરંતુ આજે મને ખ્યાલ આવી રહ્યો છે કે મારી સૌથી મોટી જીત વિશ્વના શ્રેષ્ઠ દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મેળવવાનું હતું. આ 23 વર્ષ માટે આભાર. મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર. મને તે સ્વપ્ન જીવવાની તક આપવા બદલ આભાર, જેની શરૂઆત મદીરામાં એક નાના છોકરા તરીકે શરૂ થઇ હતી, જ્યારે હું ફક્ત એક બોલ પાછળ દોડતો હતો. 7 નંબરની જર્સી હવે કોઈ બીજા સાથે હશે, પરંતુ તેને પહેરવાનું ગૌરવ હંમેશા મારું રહેશે. પોર્ટુગલ હંમેશા મારા દિલમાં રહેશે.
ગુડબાય.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
