Rathyatra Ahmedabad 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં ગજરાજ ભડકે નહીં અને બેકાબૂ ન થાય તેની માટે ખાસ દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે. તો બીજી બાજુ મોસાળ સરસપુરમાં ભગવાન અને ભક્તોના જમણ માટે રસોડા ધમધમવા લાગ્યા છે.
ગજરાજને કાબુમાં રખશે ગજરક્ષક સિસ્ટમ
ગજરાજ બેકાબૂ ન થાય તેની માટે અમદાવાદની 149મી રથયાત્રામાં દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જેમા 18 ગજરાજ પર GPS, હાર્ટ રેટ, શરીરનું તાપમાનનું મોનેટરિંગ કરવામાં આવશે. આ ડિજિટ સિસ્ટ દ્વારા રથયાત્રામાં સામેલ 18 ગજરાજના શારીરિક અને માનસિક સ્થિતિ પર કમાન્ડ સેન્ટર માંથી રિયલ ટાઇમ નજર રાખવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 2025ની અમદાવાદ રથયાત્રામાં હાથી ભડકતા અફરાતફરી મચી હતી.
અમદાવાદમાં 149મી રથયાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમા રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા ઓનલાઇન મિટિંગમાં જોડાયા હતા. આ બેઠકનો હેતું રથયાત્રામાં કોઇ અનિશ્ચનિય બનાવ બને નહીં તેની તકેદારી રાખવાનો છે.
30 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત
રથયાત્રા 2026 દરમિયાન અમદાવાદમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે રથયાત્રાના 22 કિમી રૂટ પર 1000 થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કૂલ 30 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ જમાલપુર જગન્નાથ મંદિરથી લઇ મોસાળ સરસપુર અને પરત નિજ મંદિર આવે ત્યાં સુધી પોલીસ જવાનો ખડેપગે રહેશે. રથયાત્રાની સુરક્ષા માટે SRPની 15 કંપનીઓ અે પેરા મિલિટરી ફોર્સની 9 કંપનીઓ પણ તૈનાત રહેશે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 13, 2026
CCTV અને ડ્રોન થી રથયાત્રા પર ચાંપતી નજર
રથયાત્રા પર સીસીટીવી અને ડ્રોન દ્વારા આકાશ માંથી બાજ નજર રાખવામાં આવશે. રથયાત્રામાં શંકાસ્પદ વ્યક્તિ અને હરકત પર નજર રાખવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેસ રેકગ્નિશન જેવી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
મોસાળ સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર
અમદાવાદની 149મી રથયાત્રા નિમિત્તે મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથ અને ભક્તો માટે જમણવારની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સરસપુરની વિવિધ પોળમાં 1500 કિલો મોહનથાળ બનાવવામાં આવ્યો છે. રથયાત્રામાં આવનાર લોકો માટે શાક પુરી, દાળ ભાત, મોહનથાળ અને બુંદી ગાઠીયા જેવી વાનગીઓ પીરસવામાં આવે છે. મોસાળ સરસપુરના રણછોડરાય મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીના મામેરાની વિધિ થશે.
