રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેનો ધુમાડો લગભગ એક કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ અને પાણીના મારો ચલાવી મહામહેનતે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
રવિવારની રજા હોવાથી ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો અને બાળકો હાજર હતા. આગ લાગતા જ અંદર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે જોકે હજુ સુધી આ અંદે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
જોકે સદનસીબે ‘ફન બ્લાસ્ટ’ ગેમ ઝોનમાં લાગેલી આગમાં એક મોટી જાનહાની ટળી છે. ઘટનાની મળતી માહિતી મુજબ, આગ લાગતાની સાથે જ છત પર લાગેલા સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સમયસર વાગી ઉઠ્યા હતા. એલાર્મ વાગતા જ ગેમ ઝોન મેનેજમેન્ટ અને સુરક્ષા કર્મીઓએ સતર્કતા દાખવી અંદર હાજર 200થી વધુ લોકોને તાત્કાલિક બહાર કાઢયા હતા.
