Energy hall: CMOમાં સંજીવ કુમાર બાદ હવે કોણ સૌથી વધુ પાવરફુલ? IAS શાલિની અગ્રવાલના સિંગલ બદલી ઓર્ડરની ભારે ચર્ચા

Energy hall: CMOમાં સંજીવ કુમાર બાદ હવે કોણ સૌથી વધુ પાવરફુલ? IAS શાલિની અગ્રવાલના સિંગલ બદલી ઓર્ડરની ભારે ચર્ચા

વર્લ્ડ WORLD
Spread the love


CMOમાં સંજીવ કુમાર બાદ હવે વિક્રાંત પાંડે પાવરફુલ?

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં આખરે ત્રણ આઇએએસ અધિકારીઓને વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે. એડિશનલ અગ્રસચિવ વિક્રાંત પાંડેને માર્ગ-મકાન, આરોગ્ય, ઉદ્યોગ, માહિતી અને રેવન્યૂ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રીના સચિવ અજયકુમારને શિક્ષણ, પંચાયત, અર્બન ડેવલપમેન્ટ, ટ્રાયબલ ડેવલપમેન્ટ, પાણી પુરવઠા જેવા વિભાગો ફાળવવામાં આવ્યા છે. એ ઉપરાંત મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ સંજીવકુમાર પાસે નાણા, ગૃહ, અન્ન અને નાગરિક પુરવઠા, સામાન્ય વહીવટ વિભાગ, વન અને પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ કૃષિ વિભાગની ફાળવણી કરવામાં આવી છે. તેમની પાસે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવનો ચાર્જ પણ છે. તેમણે વન અને પર્યાવરણ વિભાગમાં લાંબા સમય સુધી કામ કર્યું હોવાથી મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમને આ વિભાગની પણ જવાબદારી આપવામાં આવી છે. આ ત્રણ અધિકારી પૈકી વિક્રાંત પાંડેને રાજ્ય સરકારે સુપ્રીમ વિભાગો ફાળવ્યા છે. એટલે કે તેમનો રોલ મુખ્યમંત્રીના અગાઉના અધિક અગ્રસચિવ અવંતિકા સિંઘ જેવો જોવા મળી રહ્યો છે. એક સમયે સાવ સાઇડ લાઇન મનાતા આ અધિકારીના નસીબ એવા ચમક્યા છે કે – સાઇડ લાઇન હતા ત્યારે દૂરી કેળવવા મંડેલા લોકો હવે તેમની પાસે જૂના સંબંધોની યાદો તાજી કરાવવા લાગ્યા છે.

મને સર કહીને બોલાવો… નહીં તો કાયદેસરના પગલાં લઈશ, કયા ડે. કલેક્ટરે આવું કહ્યું?

બે મિત્રો સ્કૂલમાં સાથે ભણતા હોય અને એક મિત્ર સરકારમાં ઉપલી પોસ્ટ પર આવી જાય તો બીજા મિત્રએ તેને ભાઈ કહેવાનું કે સર કહેવાનું…? તે મુદ્દે બે મિત્રો વચ્ચે તકરાર ઊભી થઈ છે. હરેશ પરમાર નામના ડેપ્યુટી કલેક્ટર અને તેમના સ્કૂલમિત્રનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં સરકારી અધિકારીને તેમના મિત્ર હરેશભાઈ કહીને સંબોધન કરે છે પરંતુ તે અધિકારીને ગમતું નથી. તેમને ગુસ્સો આવે છે અને વોરંટ બજાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી પણ આપે છે. 2019માં સીધી ભરતીથી હરેશ મકવાણા ડેપ્યુટી કલેક્ટર બન્યા છે. તેઓ ફોનમાં કહે છે કે “મેં આ પદ મેળવવા માટે વર્ષોથી મહેનત કરી છે. હું સરકારમાં ઉચ્ચહોદ્દા પર બેઠો છું. મને કોઈએ ચૂંટીને મોકલ્યો નથી. તમને મારા હોદ્દાની કદર ન હોય તો મને પગલાં ભરવાની સત્તા મળી છે.” આ સંવાદ માત્ર વોટ્સઅપ મેસેજમાં હરેશભાઈ સંબોધન કરતાં સર્જાયો હતો. સરકારી અધિકારી મિત્રને ગુસ્સો આવી ગયો. જો કે તેમનું કહેવું હતું કે ધોરણ-12માં સાથે ભણતા મિત્રએ 14 વર્ષ પછી મારો સંપર્ક કર્યો છે. આટલા ક્લોઝ ફ્રેન્ડ હોવાનું કેમ કહે છે. મને શંકાસ્પદ લાગે છે. તે હોદ્દાનો દુરુપયોગ કરવા માગે છે. તેથી મેં પગલાં લેવાનું કહ્યું છે.

શાલિની અગ્રવાલના સિંગલ ઓર્ડરની ભારે ચર્ચા… પરંતુ નાગરાજન અને શાલિની બેઉને જગ્યા ફળી છે…

આમ તો ટ્રાન્સફર ઓર્ડર્સ ચર્ચાનો વિષય નથી બનતા જો એ સામૂહિક હોય, પરંતુ હાલમાં થયેલો એક સિંગલ ઓર્ડર એ પનિશમેન્ટ ઓર્ડર તો નથી ને? એવી ચર્ચા ચાલી છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી ફરી એકવાર વડોદરામાં થઈ છે. તેમને વડોદરા ફળ્યું છે? કે પછી શા માટે રાજ્ય સરકાર તેમને વડોદરા મોકલી રહી છે તેની ચર્ચાએ સચિવાલયમાં જોર પકડ્યું છે. સુરતમાં ત્રણ વર્ષ ફરજ બજાવીને તેમની બદલી વડોદરા સ્થિત ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી તરીકે કરવામાં આવી છે. શાલિની અગ્રવાલે સુરતમાં ડુમ્મસ સી-ફેઝ ડેવલપમેન્ટ, તાપી રિવરફ્રન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 2005ની બેચના આ અધિકારી વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર રહી ચૂક્યાં છે. બીજીતરફ સુરતમાં અગાઉ કામ કરી ચૂકેલા 2009ની બેચના અધિકારી એમ. નાગરાજનને સુરતના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. એટલે અનુકૂળતા અને સંકલન સારું મળી શકે તેમ છે, કારણ કે તેઓ ભૂતકાળમાં સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. એટલે કે યોગ્યતાના આધારે આ બન્નેની નિયુક્તિ કરવામાં આવી છે – તેવું સીએમઓના સૂત્રોનું કહેવું છે. જેનું દેવન કે જેઓ પાસે ફાઇનાન્સ સાથે વડોદરાનો પણ ચાર્જ હતો, તેઓ બજેટના સમયમાં આ વધારાનો ચાર્જ સંભાળતા હાંફી ગયા હતા. એવા સમયે શાલિની અગ્રવાલ કે જેઓ સુરત કમિશ્નર તરીકે ત્રણ વર્ષ પૂરા કરી ચૂક્યા હતા તેઓ સિનિયોરીટીની દ્રષ્ટિએ પણ આ જગ્યા માટે પરફેક્ટ કેન્ડીડેટ હતા તેમ – સીએમઓના સૂત્ર કહી રહ્યા છે.

હારીત શુકલાએ બે દિવસ દિલ્હીના આંટા કેમ માર્યા?

સ્વાભાવિકપણે જ કોઈ પણ અધિકારી દિલ્હી જાય તો તેની નોંધ લેવાતી હોય છે. કારણકે એ પાવર સેન્ટર છે ને ત્યાં ગયેલા અધિકારી કોને કોને મળ્યા તેના પર અન્ય અધિકારીઓની નજર હોય છે. જોકે હારીત શુકલા તો ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત એક પરિષદમાં હાજરી આપવા દિલ્હી ગયા હતા. ચૂંટણી પંચ દ્વારા ડેક્લેરેશન 2026ને અપનાવવામાં આવ્યું છે, જેમાં 42 દેશોના ઇલેક્શન મેનેજમેન્ટ બોડીઝના વડાઓ સહિત 70થી વધુ સંસ્થાના નિષ્ણાંતો હાજર રહ્યાં હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેન્દ્ર કુમાર દ્વારા આયોજિત આ પરિષદમાં વિવિધ રાજ્યોના ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસરોની હાજરીમાં પાંચ સ્તંભ નક્કી કરવામાં આવ્યા છે. આ સ્તંભમાં મતદાર યાદીની શુદ્ધતા, ચૂંટણીનું સંચાલન, રિસર્ચ અને પ્રકાશન, ટેકનોલોજીનો ઉપયોગ અને તાલીમ-ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. રાજ્યના ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર હારિત શુક્લાએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. મહત્વનું છે કે આ કોન્ફરન્સમાં ECINET – ચૂંટણી સંબંધિત તમામ સેવાઓ માટેનું એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.

incharge DGP કે.એલ.એન રાવ ખુરશી પર બેસતા વેંત રીયલ પોલિસીંગની દિશામાં…

ઇનચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સંભાળતાં જ કેએલએન રાવે કોઈ ઔપચારિકતા વગર સીધો મેદાનમાં ઉતરવાનો સંકેત આપ્યો છે. રાજ્યના પોલીસ વડાની ખુરશી પર બેસતાં જ તેમણે “વન ડે – વન ડિસ્ટ્રિક્ટ” અભિયાનનું બીડું ઉઠાવ્યું છે – અને આ પહેલ માત્ર રિવ્યૂ પૂરતી સીમિત નથી, પરંતુ સ્પષ્ટ રીતે એક્શન મોડમાં હોવાનું અંદરખાને કહેવાઈ રહ્યું છે. હાલ સુધીમાં બે જિલ્લાઓ તેઓ વ્યક્તિગત રીતે કવર કરી ચૂક્યા છે. ચર્ચા છે કે આવનારા અઠવાડિયે કચ્છનો વારો છે, જ્યાં સુરક્ષા, સરહદી પડકારો અને લોજિસ્ટિક મુદ્દાઓ પર ખાસ ફોકસ રહેવાનું છે. “વન ડે – વન ડિસ્ટ્રિક્ટ” હેઠળ માત્ર જિલ્લા એસપી નહીં, પરંતુ રેન્જ, રૂરલ અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓ સાથે ઓનલાઇન બેઠકો યોજાઈ રહી છે. આ બેઠકોમાં માત્ર પેન્ડિંગ સમસ્યાઓની યાદી નહીં, પરંતુ આ સમસ્યાઓ ઉકેલવા માટે હેડ ઓફિસ તરફથી કયા સ્તરે અને કેટલા પ્રમાણમાં સપોર્ટ જોઈએ તે પણ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે કેએલએન રાવ માત્ર સાંભળીને આગળ વધતા નથી — જ્યાં જરૂર પડે ત્યાં મેનપાવર, રિસોર્સ અને પોલિસી લેવલ સપોર્ટ તરત જ એલાઇન કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. એટલે કે, આ અભિયાનને ઘણા અધિકારીઓ “ફાઈલ નહીં, ફિલ્ડ-ડ્રિવન” પહેલ તરીકે જોઈ રહ્યા છે. હજુ તો શરૂઆતમાં માત્ર બે જિલ્લાઓ કવર થયા છે, આ જ મોડમાં આખું ગુજરાત કવર કરવાનો તેમનો ઇરાદો છે.

સેક્રેટરી મોના ખંધાર આ મુદ્દે પગલાં લેશે ખરા?

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ પાંચ કિલોગ્રામ અનાજ મળવાપાત્ર છે પરંતુ અંત્યોદયની કેટેગરીમાં રેશનકાર્ડ દીઠ ફિક્સ 35 કિલો અનાજ આપવામાં આવે છે તેથી આ કાયદાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, કારણ કે અંત્યોદયમાં જો 10 સભ્યોનો પરિવાર હોય તો તેઓ 50 કિલોગ્રામ અનાજ મેળવવા હક્કદાર છે પરંતુ તેમનું અનાજ ફિક્સ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા અવારનવાર સરકારને રજૂઆત કરવા છતાં કાયદાનો ભંગ રોકી શકાતો નથી. રેશનકાર્ડમાં હાલ એપીએલ-1, બીપીએલ અને અંત્યોદય એમ ત્રણ કેટેગરી કાર્યરત છે. રાજ્યના અત્યંત ગરીબ પરિવારોને અંત્યોદય કેટેગરીના કાર્ડ મળેલા છે. જેમને વધુ જરૂર છે તેમાં રાજ્ય સરકારે નિયંત્રણ મૂક્યાં છે. એટલે કે 10 સભ્યોનો પરિવાર અન્ન સુરક્ષા કાયદાની જોગવાઈ હેઠળ 50 કિલોગ્રામ અનાજ માટે હક્કદાર છે પરંતુ તેમને ફિક્સ કરવામાં આવ્યા હોવાથી સરેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે. આટલું વિશાળ ફંડ હોવા છતાં નિયમને બાંધી દેવામાં આવતા સરકારની છબી ખરડાઈ રહી છે.

નવા સચિવાલયના પાર્કિંગમાં હવે પત્તા નહીં પણ ક્રિકેટનો ચસકો…

નવા સચિવાલયમાં બનાવવામાં આવેલા પાર્કિંગમાં ક્રિકેટ પ્રેમીઓનો ક્રેઝ વધતો જાય છે. ફાઇલોમાં વ્યસ્ત રહેતા અધિકારી કે કર્મચારીઓ તેમાં જોડાતા નથી પરંતુ તેમની સરકારી ગાડીના ડ્રાઇવરો ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. સાહેબ ઓફિસમાં વ્યસ્ત હોય છે ત્યારે બપોરના સમયે સરકારી ગાડીના ડ્રાઇવરોએ સમય પસાર કરવા નવો નુસ્ખો શોધી કાઢ્યો છે. ભૂતકાળમાં આ ડ્રાઇવરો પત્તાબાજીના શોખીન હતા. તેઓ એકત્ર થઈને પત્તા રમતાં હતા પરંતુ તેમાં જુગારનું દૂષણ ભળી જતાં થયેલી ફરિયાદના આધારે આકરા પગલાં લેવામાં આવતા પત્તાબાજીની રમતો બંધ થઈ ગઈ હતી. હવે નવરાં પડેલા ડ્રાઇવરોએ સમય પસાર કરવા માટે ક્રિકેટનો શોખ શરૂ કર્યો છે. નવા સચિવાલયમાં ફેલાયેલા પાર્કિંગ પ્લોટ્સની ખુલ્લી જગ્યામાં ક્રિકેટ ટીમો બનાવીને રમત શરૂ કરી છે. પોતાના પૈસે ક્રિકેટના સાધનો લાવીને તેમણે મેચ સ્પર્ધા શરૂ કરી છે. લંચબ્રેકના સમયે કેટલાક કર્મચારીઓ પણ ક્રિકેટની આ રમત સાથે જોડાય છે અને તેઓ પણ રમતનો લાભ લઈ રહ્યાં છે. ડ્રાઇવરોની આ નવી પ્રવૃત્તિથી તેમના સાહેબોને પણ રાહત મળી છે.

ઝડપથી કામ પૂરું કરવાની લ્હાયમાં ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ રહે તો નવાઈ નહીં….

ગુજરાતમાં ઝડપથી વિકાસ થાય તે સારી બાબત છે પરંતુ જો ગુણવત્તા નહીં જળવાય તો અવારનવાર દુર્ઘટનાઓનો ભોગ સામાન્ય નાગરિકોએ બનવું પડશે અને સરકારી રૂપિયાનો દુરુપયોગ થશે. હમણાં જ સુરતમાં નવનિર્મિત પાણીની ટાંકી તૂટવાની ઘટના બહાર આવી છે અને તેને પગલે ખુદ મુખ્યમંત્રીએ કડક આદેશ જાહેર કરવા પડ્યા છે. ભૂતકાળમાં નવા બનાવેલી બ્રીજ તૂટી પડ્યાની ઘટનાઓ પણ સામે આવી છે. માર્ગ-મકાન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકાર વિકાસના કામોમાં જેટલી ઝડપનો આગ્રહ રાખે છે તેટલી કામની ગુણવત્તા બગડે છે. તેમના કહેવા પ્રમાણે 30 કે 40 વર્ષ પહેલાં બનાવેલી ઇમારતને આજદિન સુધી કોઈ નુકશાન થયું નથી કારણ કે તે ઇમારતને પાણી અને હવામાનમાં તપવીને તૈયાર કરવામાં આવી હતી. હવે જે ઇમારત કે બ્રીજ બને છે તેને આવો તાપ કે પાણી મળી શકતો નથી અને વપરાશ માટે તૈયાર કરી દેવામાં આવે છે. સરકારે આ દિશામાં સંશોધન કરવું જોઈએ, કેમ કે 1970માં બનેલ સચિવાલયની એક ઇંટ પણ ખરી શકતી નથી અને નવા બનાવેલા સ્વર્ણિમ સંકુલને વારંવાર રિપેર કરાવવું પડી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *