હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ખાતે ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન (Catastrophe Administration) ની પૂર્વ તૈયારીઓની ડૉ. જયંતિ રવિ દ્વારા ઉંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કલેક્ટરો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સીધી વાતચીત કરી હતી.
વિરમગામ ખાતે ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી, સફાઈ કામગીરી, અને નાગરિકોને ત્વરિત જરૂરી સહાય પૂરી પાડવા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી દિશાનિર્દેશ કરી જરૂરી સૂચના આપવામાં આવી.#DisasterManagement#Viramgam#TeamAhmpic.twitter.com/6o5EXIPHjD
— Ahmedabad Collector (@CollectorAhd) July 29, 2026
ગુજરાતના દરેક જિલ્લામાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત
ભારે વરસાદની આગાહી વચ્ચે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતીય સેના સ્ટેન્ડબાય
નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ NDRF અને SDRF ની ટીમોને ત્વરિત તૈનાત કરવા જણાવાયું છે. અધિક મુખ્ય સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ) ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો: ભારે વરસાદમાં બાઇક કે સ્કૂટર ચલાવતી વખતે ભૂલથી પણ ના કરો આ 5 ભૂલો, જાણો સેફ રાઇડિંગ ટિપ્સ
શાળાઓ અને આંગણવાડીઓમાં રજા
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લા કલેક્ટરો શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકશે. આ ઉપરાંત જે વિસ્તારોમાં પૂર કે પાણી ભરાવાની સંભાવના વધુ હોય ત્યાંથી નાગરિકોને સમયસર અને સુરક્ષિત રીતે આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવા સૂચના આપવામાં આવી છે. આ આશ્રયસ્થાનોમાં નાગરિકો માટે ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને જરૂરી તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા ડૉ. જયંતિ રવિએ ભારપૂર્વક અધિકારીઓને જણાવ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી; નાગરિકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર નહીં નીકળવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની અપીલ…
અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે… pic.twitter.com/bQRfe2hzHh
— Gujarat Info (@InfoGujarat) July 30, 2026
સાથે જ વરસાદની પરિસ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે નાગરિકો સુધી સાચી માહિતી પહોંચે તે માટે મીડિયા સાથે સતત વિગતો શેર કરવા પણ કલેક્ટરોને સૂચના આપી હતી.
રાજ્યના તમામ નાગરિકોને અપીલ
આ ઉપરાંત રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જોખમી હોર્ડિંગ્સ, બેનર્સ અને સાઈનબોર્ડ્સને તાત્કાલિક અસરથી હટાવીને તે વિસ્તારોને સુરક્ષિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેજ પવન કે વાવાઝોડાને કારણે જર્જરિત મકાનો અથવા જોખમી બાંધકામોથી નાગરિકોને કોઈ હાનિ ન પહોંચે તે માટે જરૂરી તમામ સલામતીના પગલાં લેવા વહીવટી તંત્રને જણાવાયું છે. હાલમાં સમગ્ર સરકારી મશીનરીને ‘એલર્ટ મોડ’ પર મૂકી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આપત્તિજનક વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાએ રાજ્યના તમામ નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી.
