દિલજીતના શોમાં ગોલ્ડ પાસ લઈ ફોન ચોરનાર દિલ્હીના બે શખ્સો ઝડપાયા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love



પંજાબી ગાયક દિલજીત દોસાંજ તેમના ‘ઓરા ઈન્ડિયા ટૂર 2026’ ના ભાગરૂપે ગયા શનિવારે (21 નવેમ્બર, 2026) અમદાવાદમાં હતા. આ કોન્સર્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો, જેમાં અન્ય સ્થળોએ યોજાયેલા તેમના શોની જેમ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. આ કાર્યક્રમ દરમિયાન કુલ ₹4.30 લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરીની ઘટના સામે આવી છે.

અમદાવાદ પોલીસની ઝોન-2 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ ચોરીના સંબંધમાં દિલ્હીના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 11 મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેમાં કોન્સર્ટ દરમિયાન ચોરાયેલા ફોનનો પણ સમાવેશ થાય છે.

₹5,000માં ‘ગોલ્ડ’ પાસ ખરીદ્યા હતા

આરોપીઓ કથિત રીતે ચાહકોના વેશમાં કોન્સર્ટમાં આવ્યા હતા પરંતુ તેમનો અસલી ઈરાદો ભીડમાંથી મોંઘા મોબાઈલ ફોન ચોરવાનો હતો. પોલીસે એક ચોંકાવનારી વિગત જણાવી છે કે, આ બંને વ્યક્તિઓએ કોન્સર્ટમાં પ્રવેશ મેળવવા માટે અંદાજે ₹5,000ની કિંમતના ‘ગોલ્ડ’ પાસ ખરીદ્યા હતા. સ્ટેડિયમની અંદર ગયા પછી તેઓ ભીડમાં ભળી ગયા અને મોબાઈલ ફોન ચોરવાનું શરૂ કર્યું. ભીડમાં ભળી જવા માટે તેમણે પાઘડી પણ પહેરી હતી. કોન્સર્ટ પૂરો થતાં જ આ બંને ચોરાયેલા ફોન સાથે સ્ટેડિયમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની ઓળખ

પોલીસે 11 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹4.30 લાખથી વધુ છે. જપ્ત કરાયેલા ફોનમાં એપલ અને સેમસંગ જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ 36 વર્ષીય મોહમ્મદ અસદ મોહમ્મદ ગુલઝાર અને 24 વર્ષીય અશરફ હુસૈન નૂર હુસૈન ઈદ્રિશી તરીકે થઈ છે. બંને દિલ્હીના રહેવાસી છે.

પોલીસને ચોરીઓ અંગે અગાઉથી માહિતી હતી

અમદાવાદ પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, પોલીસની ટીમો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના પ્રવેશદ્વારો પર પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઝોન-2 ટીમને માહિતી મળી હતી કે દિલ્હીના કેટલાક શંકાસ્પદ ઈસમો મોબાઈલ ફોન ચોરવાના ઈરાદાથી કોન્સર્ટમાં આવ્યા છે. બાતમીમાં એવો પણ ઉલ્લેખ હતો કે કોન્સર્ટ પૂર્ણ થયા બાદ આરોપીઓ ચોરાયેલા મોબાઈલ ફોન સાથે સ્ટેડિયમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓને વિના મુલ્યે ફાળવાશે સરકારી જમીન, રાજ્ય સરકારે નિયમોમાં 5 વર્ષ માટે ખાસ છૂટછાટ આપી

આ માહિતીના આધારે, પોલીસ ટીમે સ્ટેડિયમના દરવાજા પાસે દેખરેખ વધારી દીધી હતી. બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી તેમની તલાશી લેવામાં આવતા તેમની પાસેથી ચોરાયેલા 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

11 મોબાઈલ ફોનમાંથી 8 ફોન અંગે ચોરીની ફરિયાદો નોંધાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મળી આવેલા 11 મોબાઈલ ફોનમાંથી ઓછામાં ઓછા 8 ફોનના માલિકોએ અગાઉથી જ ચોરીની ફરિયાદો નોંધાવી દીધી છે. નવમા મોબાઈલ ફોનના માલિકની પણ ઓળખ થઈ ગઈ છે, જ્યારે બાકીના બે ફોનના માલિકોએ હજુ સુધી પોલીસનો સંપર્ક કર્યો નથી. આ મામલાની તપાસ મોટેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *