UDISE+ Experiences On Gujarat College Dropout Ratio : ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ‘ભણશે ગુજરાત’ ની ગુલબાંગો વચ્ચે શિક્ષણ મંત્રાલયના એક અહેવાલમાં ગુજરાતને ‘રેડ ઝોન’માં મૂકવામાં આવ્યું છે. આ અહેવાલ અનુસાર રાજ્યની માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ (વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ છોડી દેવાનો દર) દર 15 ટકાથી વધુ નોંધાયો છે. સરળ શબ્દોમાં કહીયે તો રાજ્યમાં માધ્યમિક શાળા સુધી પહોંચતા પહેલા જ દર 100 માંથી 15 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે.
રાષ્ટ્રીય સ્તરે માધ્યમિક શાળાઓમાં સરેરાશ ડ્રોપઆઉટ દર 9.5 ટકા છે, જેની સામે ગુજરાતમાં આ દર 15.7 ટકા છે. આ આંકડા દર્શાવે છે કે બાળકો પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તે પછી તેમને માધ્યમિક શિક્ષણ સુધી અભ્યાસમાં જાળવી રાખવામાં રાજ્ય નિષ્ફળ રહ્યું છે.
યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) ના તાજેતરના 2025-26ના આંકડા દર્શાવે છે કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોંધણી (એનરોલમેન્ટ) રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી છે. સરકારે બે દાયકા કરતાં વધુ સમયથી શાળા પ્રવેશોત્સવ જેવો કાર્યક્રમ શરૂ કર્યા હોવા છતાં આવી ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે.
શાળાઓ માટે રિયલ ટાઇમ મોડમાં ડેટા રેકોર્ડ અને સબમિટ કરતી કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થાપન માહિતી પ્રણાલી UDISE+ ના આંકડા અનુસાર ગુજરાતમાં વય વિશિષ્ટ નોંધણી દર (ASER) પણ નીચો રહ્યો છે.
2025-26ના અહેવાલ મુજબ, ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ચોખ્ખો પ્રવેશ દર (નેટ એનરોલમેન્ટ રેટ) 29.1 છે. આ દર ચોક્કસ વય જૂથની વસ્તીના આધારે સંબંધિત શિક્ષણ સ્તરે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. આ જ કેટેગરીમાં કન્યાઓનો નેટ એનરોલમેન્ટ રેટ 29.6 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 41.1 ટકા કરતા ઘણો નીચો છે.
UDISE ના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોંધણી દર વર્ષ 2022 – 23માં 40 ટકાથી વધુ હતો, જે ઘટીને વર્ષ 2023-24માં 34.7 ટકા અને વર્ષ 2024-25માં માત્ર 24 ટકા નોંધાયો છે. જે 35.8 ટકાના રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઘણો નીચી છે. જો કે વર્ષ 2025-26માં તેમા સુધારો થતા તે 29 ટકા થયો છે.
ASERના આંકડા અનુસાર, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળા માટે લાયક ગુજરાતના માત્ર 31.3 ટકા વિદ્યાર્થીઓએ જ હકીકતમાં પ્રવેશ મેળવ્યો હતો. આ બંને આંકડા અનુક્રમે 51.2 ટકા અને 52.5 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણા ખરાબ છે.
ASER ના આંકડા એ પણ દર્શાવે છે કે માધ્યમિક શાળાઓમાં પ્રવેશ 2022-23માં 49.5 ટકા હતો. આ દર 2023-24માં ઘટીને 45.7 ટકા અને ત્યારબાદ 2024-25 ઘટીને 26.1 ટકા થયો હતો, અને તે પછી તેમાં સુધારો નોંધાયો હતો.
એનરોલમેન્ટના આંકડા સાથે સંકળાયેલા શિક્ષણ વિભાગના એક અધિકારીએ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે ડ્રોપઆઉટના કારણોમાં વિદ્યાર્થીઓનું શાળા બદલવાથી લઈને નાની ઉંમરે લગ્ન થઈ જવા સુધીની બાબતો સામેલ છે.
અધિકારીએ ઉમેર્યું, “અન્ય કારણો વિસ્તાર કે જિલ્લા આધારિત પણ હોઈ શકે છે. જેમ કે ગ્રામીણ કે આદિવાસી વિસ્તારોમાં છોકરાઓ પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે શાળાનો અભ્યાસ છોડી દે છે, અથવા છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય ગામ કે શહેરમાં જવા પર સામાજિક નિયંત્રણો હોય છે. ઘણા કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા પછી માધ્યમિક અભ્યાસ છોડી દે છે.”
પ્રાથમિક શાળામાં પ્રવેશ દર પ્રોત્સાહક
પ્રાથમિક શાળાઓમાં ગુજરાતનું પ્રદર્શન સારું રહ્યું છે અને ત્યાં ડ્રોપઆઉટ દર શૂન્ય છે. જો કે, નોંધાયેલા આંકડા મુજબ રાજ્યમાં માધ્યમિક શાળા (ધોરણ 9 અને 10) માં 17.6 ટકા છોકરાઓએ અભ્યાસ છોડી દીધો હતો, જે 10.9 ટકાના રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે છે. તો છોકરીઓમાં માધ્યમિક શાળામાં અભ્યાસ છોડવાનો આ દર 13.3 ટકા છે, જે 9 ટકાના રાષ્ટ્રીય સરેરાશ દર કરતા ઘણો ઉંચો છે.
સમગ્ર દેશના રાષ્ટ્રીય સરેરાશ દર 9.5 ટકા સામે કુલ 15.7નો ડ્રોપઆઉટ દર દર્શાવે છે કે ગુજરાત બાળકોને પ્રાથમિક શાળામાં લાવવામાં સફળ રહ્યું છે, પરંતુ તેઓ માધ્યમિક શાળામાં પહોંચે પછી તેમને વર્ગખંડમાં જાળવી રાખવા સંઘર્ષ કરી રહ્યું છે.
એક હકારાત્મક બાબત: ‘શૂન્ય નોંધણી’ વાળી શાળાઓમાં ઘટાડો
એકમાત્ર આશાસ્પદ બાબત એ રહી કે ગુજરાતની 53,425 શાળાઓ માંથી શૂન્ય નોંધણી (ઝીરો એનરોલમેન્ટ) ધરાવતી શાળાઓની સંખ્યા વર્ષ 2024-25માં 63 હતી, જે વર્ષ 2025-26માં થોડીક ઘટીને 58 થઇ છે. જો કે બીજી બાજુ આ સમયગાળા દરમિયાન આવી શાળાઓમાં શિક્ષકોની સંખ્યા પણ 78થી ઘટીને 74 થઈ છે.
