Pachmarhi Monsoon Journey Information : જો તમે વરસાદની ઋતુમાં એવી જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો જ્યાં હરિયાળી, ધોધ, પર્વતો અને શાંત માહોલ એક જ જગ્યાએ મળી જાય તો મધ્ય પ્રદેશમાં આવેલ પચમઢી હિલ સ્ટેશન એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી, કુદરતી સૌંદર્ય, પર્વતો, ધોધ અને સુંદર ખીણોથી ભરપૂર નજારો મનને આરામ આપે છે. અહીં તમે સરળતાથી 2-દિવસની બજેટ ટ્રિપનું આયોજન કરી શકો છો.
પ્રથમ દિવસ: આ સ્થળોની મુલાકાત લો
પચમઢી પહોંચ્યા પછી સૌ પ્રથમ હોટલ અથવા હોમસ્ટેમાં ચેક ઇન કરો અને સામાન રાખો. તમે તમારા બજેટ અનુસાર અહીં હોટલ અથવા ગેસ્ટ હાઉસ બુક કરી શકો છો. થોડો આરામ કર્યા પછી, પ્રથમ દિવસ પાંડવોની ગુફાઓથી શરૂ કરી શકો છો. આ સ્થળ લીલાછમ સતપુડા પર્વતમાળામાં આવેલું છે અને ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે શાનદાર સાબિત થઈ શકે છે.
આ પછી બી વોટરફોલ પર જઈ શકો છે જે પચમઢીના પ્રખ્યાત ધોધમાંથી એક છે. અહીં તમે કુદરતી નજારાનો આનંદ માણી શકો છો અને શાંતિથી થોડો સમય વિતાવી શકો છો. તમે સ્થાનિક રેસ્ટોરન્ટમાં સ્થાનિક ખોરાકનો આનંદ માણી શકો છો.
સાંજના સમયે પ્રિયદર્શિની વ્યૂ પોઇન્ટ અને રાજેન્દ્રગિરિ સનસેટ પોઇન્ટની મુલાકાત લઈ શકો છે. અહીંથી સતપુડાની પહાડીઓ નજારો અને ડૂબતા સૂરજનો નજારો ખૂબ જ આકર્ષક લાગે છે. આ સિવાય જો સમય બચે તો તમે સ્થાનિક બજારોમાં ખરીદી કરી શકો છો.
ધાર્મિક અને કુદરતી સ્થળોની મુલાકાત લો
બીજા દિવસે સવારે તમે જટાશંકર ગુફા અને મહાદેવ ગુફાની મુલાકાત લઈ શકો છો. કુદરતી ખડકોની વચ્ચે સ્થિત આ સ્થળો તેમના ધાર્મિક મહત્વ તેમજ અનોથી બનાવટ માટે પ્રખ્યાત છે. પચમઢીમાં સ્થિત ગુપ્ત મહાદેવ મંદિર લગભગ 40 ફૂટ લાંબી એક સાંકડી કુદરતી ગુફાની અંદર સ્થિત છે જ્યાં ભક્તોને સાંકડા રસ્તાઓમાંથી પસાર થવું પડે છે.
આ પછી તમે ધૂપગઢ જઈ શકો છો જે મધ્યપ્રદેશનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે. અહીંથી ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને પહાડોનો સુંદર નજારો જોવા મળે છે. આ જગ્યા ફોટોગ્રાફી માટે ખૂબ જ સારી માનવામાં આવે છે.
સાંજે તમે હાંડી ખોહ અથવા અપ્સરા વિહાર પણ ફરી શકો છો. ઓછા સમયમાં આ સ્થળનો આનંદ માણી શકાય છે. અહીં તમે જિપ્સી અથવા ભાડાની સ્કૂટીથી ફરી શકો છો.
પચમઢી કેવી રીતે પહોંચવું
પચમઢીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન પિપરિયા છે, જે લગભગ 50 કિમી દૂર આવેલું છે. તમે તમારા શહેરથી પિપરિયા રેલવે સ્ટેશન પર પહોંચી શકો છો. પિપરિયાથી પચમઢી સુધી, તમને સરળતાથી ખાનગી ટેક્સી, શેરિંગ કેબ અથવા બસ મળશે. અહીં તમે તમારી કાર અથવા ભાડાની સ્કૂટી સાથે બજેટમાં પણ મુસાફરી કરી શકો છો.
વરસાદના માહોલમાં રાજસ્થાન પહોંચી જાવ, આ 7 સ્થળો પણ તમારું મન ફ્રેશ થઇ જશે
મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
મધ્યપ્રદેશના આ હિલ સ્ટેશન જવા માટેનો યોગ્ય સમય જુલાઈથી માર્ચ સુધીનો માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી અને કુદરતી સુંદરતા ડબલ થઈ જાય છે, જેના કારણે આ યાત્રા યાદગાર બની શકે છે. જો તમે વીકેન્ડ શાંતિ અને સુકુનથી પસાર કરવા માંગતા હો તો તમે પચમઢી જવાનું આયોજન કરી શકો છો.
