Sachin Tendulkar in Ahmedabad : માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જો માતા-પિતા તેમના બાળકો સફળ થતા જોવા માંગે છે તો તેમણે તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. સચિને કહ્યું કે યુવા ખેલાડીઓએ ભારતીય જર્સીમાં રમવા માટે બલિદાન આપવું પડશે, કારણ કે શોર્ટકટથી ક્યારેય સફળતા મળતી નથી.
સચિન તેંડુલકરે બાળકો, માતા-પિતા સાથે સંવાદ કર્યો
સચિન તેંડુલકરે અમદાવાદમાં આવેલી એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સ સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો, માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે સંવાદ કર્યો હતો. નવી મુંબઈ ખાતે ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં આવેલી ફ્લેગશિપ એસઆરટી10 ગ્લોબલ એકેડમી બાદ સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી આ ભારતની બીજી એકેડમી છે.
સફળ થવા માટે સખત મહેનત કરવી પડશે
સચિન તેંડુલકરે બધા માતા-પિતાને સંદેશ આપ્યો કે આપણે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો સફળ થાય અને તેના માટે આપણે સખત મહેનત કરવી પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે આપણા બાળકોને સ્વતંત્રતા આપવી જોઈએ. સ્વતંત્રતા અને હિંમત એક શાનદાર કોમ્બિેનેશન છે, કારણ કે તેનાથી જ પરિણામો મળે છે.
સચિને કહ્યું કે મારા માતા-પિતાએ ક્યારેય મારા પર દબાણ કર્યું નથી. મારા ભાઈ-બહેનોએ ક્યારેય મને પૂછ્યું નથી કે હું કેમ રન બનાવી રહ્યો નથી. જ્યારે હું બે ક્લબ પ્રેક્ટિસ મેચ રમ્યો ત્યારે હું પહેલી બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો અને ઘરે આવ્યો હતો. ત્રીજી મેચમાં મેં એક રન બનાવ્યો. પરંતુ અંદરથી હું ખુશ હતો કે ઓછામાં ઓછો એક રન તો બનાવી શક્યો.
ભારત માટે રમવા માંગતા હોય તો ઘણો ત્યાગ કરવો પડશે
સચિને યુવાનોને કહ્યું કે જો તેઓ ભારત માટે રમવા માંગતા હોય તો તેમણે બલિદાન આપવું પડશે. એક સારા ખેલાડી બનવા માટે તમારે ઘણી બધી બાબતોનો ત્યાગ કરવો પડે છે. તેનો કોઈ શોર્ટકટ નથી. જો તમે શોર્ટકટ લો છો તો આખી દુનિયા સામે તમારી પોલ ખુલી જશે કારણ કે ક્રિકેટ મેદાન પર બધાની સામે રમાય છે. તેથી શોર્ટકટ ન લો. એકેડેમીનો ઉદ્દેશ્ય સારા ખેલાડીઓની સાથે-સાથે સારા માણસો પણ તૈયાર કરવાનો છે.
અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો ટેસ્ટ અને વન ડે ટીમમાં કોને-કોને મળ્યું સ્થાન
એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ અમારાં બધાં માટે અત્યંત ખાસ રહ્યો હતો. સચિન તેંડુલકર સાથે મેદાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે. આ એકેડમી નમ્રતા, કઠોર પરિશ્રમ, શિસ્ત અને સતત સુધારાની પ્રતિબદ્ધતાના પાયા પર ઊભી છે અને તેમની હાજરીએ આ મૂલ્યોને જીવંત બનાવી દીધા હતા. આજે અમે જે ઉત્સાહ અને ઊર્જા નિહાળી છે, તે આ યુવા ખેલાડીઓના મનમાં લાંબા સમય સુધી રહેશે.
