Final Up to date:
Navsari Well being Information: બદલાતી જીવનશૈલી, બેઠાડુ કામકાજ અને મોબાઈલ પર વધતી નિર્ભરતાના કારણે આજના સમયમાં ફિઝિયોથેરાપી માત્ર સારવાર પૂરતી સીમિત રહી નથી, પરંતુ આરોગ્ય જાળવવાની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. નાની ઉંમરથી જ ગરદન, શોલ્ડર અને કમરના દુઃખાવા જેવી તકલીફો વધતી જતી હોવાના કારણે ફિઝિયોથેરાપી સેન્ટરોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
નવસારી: હાલના સમયમાં ફિઝિયોથેરાપી માત્ર સારવારનું સાધન નહીં, પરંતુ આરોગ્ય જાળવવાની આવશ્યક જરૂરિયાત બની રહી છે. બદલાતી જીવનશૈલી, બેઠાડુ કામ, મોબાઈલ અને ટેક્નોલોજીનો વધતો ઉપયોગ તેમજ શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડાના કારણે લોકોમાં નાની ઉંમરથી જ શારીરિક તકલીફો વધી રહી છે. તેનું પરિણામ એ છે કે આજે ફિઝિયોથેરાપી સેન્ટરોમાં અગાઉની તુલનામાં ઘણી વધારે ભીડ જોવા મળી રહી છે.
વિશેષ કરીને શિયાળાની ઋતુ દરમિયાન તો આ સમસ્યાઓમાં વધુ વધારો થતો જોવા મળે છે. ઠંડીના કારણે શરીરના સ્નાયુઓ અને સાંધાઓ જકડાઈ જતાં અનેક લોકો દુખાવા અને હલનચલનમાં તકલીફ સાથે ફિઝિયોથેરાપી સેન્ટર સુધી પહોંચે છે. નવસારીની ફિઝિયોથેરાપિસ્ટ ડો. હેતવી શુક્લા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હાલ શિયાળાની ઋતુમાં ખાસ કરીને સાંધાના જકડાઈ જવાના કેસો વધારે સામે આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ ફરિયાદ શોલ્ડરના દુખાવાની છે. સાથે સાથે કમરમાં ખેંચ આવી જવાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ડો. હેતવી શુક્લાના જણાવ્યા મુજબ ઘણા દર્દીઓ જ્યારે સારવાર માટે આવે છે ત્યારે તેઓ કહે છે કે શોલ્ડરમાં એવો તીવ્ર દુ:ખાવો થાય છે કે જાણે એટેક આવી રહ્યો હોય તેવી લાગણી થાય. ગરદન અને શોલ્ડર બંને સાથે સંકળાયેલા હોવાથી દુ:ખાવો વધીને હાથ સુધી ફેલાય છે. જ્યારે કમરમાં ખેંચ આવવાની સમસ્યા થાય ત્યારે તો આખા શરીરની હલનચલન ક્ષમતા જ મર્યાદિત થઈ જાય છે. ચોંકાવનારી વાત એ છે કે આવી સમસ્યાઓ હવે માત્ર વૃદ્ધોમાં નહીં, પરંતુ 20થી 25 વર્ષની ઉંમરના યુવાનોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.
આવી પરિસ્થિતિમાં શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે ડો. હેતવી શુક્લાએ મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે રોજબરોજની શારીરિક કસરત અને એક્ટિવિટી સતત ચાલુ રાખવી અત્યંત જરૂરી છે. જો લાંબા સમય સુધી શારીરિક પ્રવૃત્તિમાં બ્રેક પડે તો આવી તકલીફો ઉદ્ભવે છે. આજકાલ ઘણી વ્યક્તિઓની લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે આખો દિવસ બેસીને કામ કરવાનું હોય છે, જેના કારણે શરીરની ગતિશીલતા ઘટે છે અને સ્નાયુઓ કમજોર બને છે.
આ ઉપરાંત મોબાઈલનો અતિશય ઉપયોગ પણ ફિઝિકલ ફિટનેસ પર નકારાત્મક અસર કરે છે. સતત મોબાઈલમાં ઝૂકીને બેસવાથી ગરદન, શોલ્ડર અને કમરમાં દુ:ખાવાની સમસ્યાઓ વધી રહી છે. ડોક્ટરે યુવાનોને ખાસ કરીને સલાહ આપતા જણાવ્યું કે નવસારીમાં ઘણા સારા મેદાનો ઉપલબ્ધ છે, જ્યાં વહેલી સવારે ઊઠીને વોક, કસરત, યોગાસન અને અન્ય શારીરિક પ્રવૃત્તિ કરી શકાય. દરરોજ ઓછામાં ઓછું 30થી 40 મિનિટ ચાલવું જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો નિયમિત કસરત, સક્રિય જીવનશૈલી અને યોગ્ય બોડી મેકેનિક્સ અપનાવવામાં આવે તો લાંબા ગાળે શરીરના ઘસારા સંબંધિત પ્રશ્નો અને ફિઝિયોથેરાપીની જરૂરિયાત ઘણા અંશે ઘટાડી શકાય છે. એટલે કે, સારવાર કરતા પહેલા સાવચેતી અને નિયમિત કાળજી જ શ્રેષ્ઠ ઉપાય છે.
Navsari,Gujarat
