Final Up to date:
મોરબીનો સાહિલ માજોઠી રશિયા ગયો હતો જ્યાં તે એક ડ્રગ્સ કેસમાં ફસાઈ ગયો હતો. ત્યાંથી તેને રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ લડવા મોકલી દીધો હતો. જોકે સાહિલે યુક્રેનમાં આત્મસમર્પણ કરી દીધું અને તે ત્યાં ફસાઈ ગયો છે. જેને લઈને તેની માતા દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે તેના દીકરાને બચાવી લેવામાં આવે.
અમદાવાદ: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયામાં અભ્યાસ અર્થે ગયો હતો. રશિયામાં સાહિલ અભ્યાસ સાથે પાર્ટ ટાઈમ કુરિયર સર્વિસમાં નોકરી કરીને અભ્યાસ અને પોતાના જીવન નિર્વાહ માટેનો ખર્ચ રશિયામાં ઉઠાવતો હતો. એક દિવસ સાહિલને મળેલા કુરિયરમાં ડ્રગ્સનું પાર્સલ મળ્યું હતું. આ કેસમાં સાહિલ ફસાઈ ગયો અને રશિયાની પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે સાહિલે કુરિયર ક્યાંથી લાવ્યો છે તે સહિતની તમામ માહિતી રશિયાની પોલીસને આપી દીધી હતી તેમ છતાં પણ સાહિલને ડ્રગ્સ કેસમાં ફસાવીને રશિયાની જેલમાં કેદ કર્યો હતો.
સાહિલ ડ્રગ્સના કેસમાં સજા પર હતો ત્યારે રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલતું હતું. જેમાં સાહિલને અનેક પ્રલોભનો આપીને યુક્રેન યુદ્ધ લડવા તૈયાર કર્યો હતો. ત્યાર બાદ તેને 15 દિવસની આર્મીની રશિયામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ત્યાંથી તેને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે યુક્રેનની બોર્ડરે લઈ ગયા હતા.
જોકે, સાહિલે યુક્રેન સામે યુદ્ધ લડવાના બદલે યુક્રેનની બોર્ડર ઉપર જઈને યુક્રેનમાં સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદ છેલ્લા સાડા ત્રણ મહિનાથી સાહિલ માંજોઠી હાલમાં યુક્રેનમાં છે. ત્યારે તેને હેમખેમ પરત લાવવા માટે થઈને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી હાઈકોર્ટ સુધીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાહિલની માતા છેલ્લા 22 મહિનાથી સંઘર્ષ કરી રહી છે.
સાહિલ સાથે થયેલી છેલ્લી વાત મુજબ જો સરકાર યુક્રેન સાથે વાત કરે તો સાહિલ હેમખેમ પરત ફરી શકે તેમ છે. સાહિલની માતાએ હવે તેનો પુત્ર હેમખેમ સ્વદેશ આવે તે માંગ સાથે મીડિયા સામે આવીને સરકાર સમક્ષ પોતાની આપવીતી સાથે રજૂઆત કરી છે. જો સરકાર છોડાવશે નહીં તો મારા પુત્રને મારી નાખશે તેવો ડર તેની માતાને સતાવી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે, એક માતાની સરકાર સામે આજીજી વિનંતીનો ક્યારે અંત આવે છે.
Ahmedabad,Gujarat
Jan 21, 2026 10:39 PM IST

