India-Japan Annual Summit : જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચી ભારતના પ્રવાસે છે અને તેમણે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. જેમાં બંને દેશોના નેતાઓ વચ્ચે આર્થિક સંબંધોનો વિસ્તાર કરવા અને સેમિકન્ડક્ટર્સ માટે સપ્લાય ચેઇન વધારવા સહિત ટેક્નોલોજી શેરિંગની ચર્ચા કરી છે.
બંને દેશોના વડાઓ વચ્ચેની વાતચીત બાદ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે તેમણે આર્થિક સુરક્ષા સહયોગ માટે એક રોડમેપ તૈયાર કરવા માટે ભારત અને જાપાન દ્વારા કરવામાં આવી રહેલા સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
ભારત-જાપાન વચ્ચે સંરક્ષણ સમજૂતી પર વાતચીત
વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે બંને દેશોએ રક્ષા ક્ષેત્રમાં સહ-વિકાસથી સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય તેમણે AI, ધાતુઓ અને ઊર્જાના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ કરારો પર પણ હસ્તાક્ષર કર્યા છે.
16મી વાર્ષિક ભારત-જાપાન સમિટ માટે ભારતની પ્રથમ મુલાકાતે આવેલા જાપાનના વડા પ્રધાન તાકાઇચીનું પીએમ મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા અને લોકપ્રિય નેતા ગણાવ્યા હતા.
જાપાનના પીએમને ‘નાની બહેન’ કહ્યા
પીએમ મોદીએ તાકાઇચીને પોતાની “નાની બહેન” ગણાવ્યા છે. જાપાનના વડા પ્રધાન મૂળ રુપથી જાપાનના નારા પ્રાતંથી આવે છે. આ અંગે પીએમ મોદીએ દાવો કર્યો હતો કે તે પ્રાંત સાથે ભારતના બૌદ્ધ સંબંધો છે. ભારત અને જાપાન વચ્ચે ‘પરસ્પર વિશ્વાસ’છે.
ગતિશીલ ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય અને બદલાતા વૈશ્વિક ગઠબંધનો પર વિચાર કરતા પીએમ મોદીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી દિલ્હી અને ટોક્યો વચ્ચે ગાઢ સંબંધો યથાવત છે. પીએમ મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે થોડા દિવસો પહેલા G7 સમિટમાં મેં કહ્યું હતું કે આજના વૈશ્વિક અશાંતિના વાતાવરણમાં પરસ્પર વિશ્વાસ એ આપણી સૌથી મોટી વ્યૂહાત્મક સંપત્તિ છે. મને ગર્વ છે કે ભારત-જાપાન ભાગીદારી આ કસોટીમાં ખરી ઉતરી છે.
જાપાન ભારતમાં રોકાણ વધારશે
પીએમ મોદીએ છેલ્લા દાયકાઓમાં ભારતના સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક આધુનિકીકરણમાં જાપાનના અસાધારણ યોગદાનને પણ સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે જાપાને ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જાપાનના પ્રધાનમંત્રીની મુલાકાત દ્વારા, અમે અમારી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય શરુ કરી રહ્યા છીએ. બંને વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનો ભાગ છે. સૌથી મોટા લોકશાહી ક્ષેત્ર તરીકે, અમે ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી છે. અમે શાંતિ અને સ્થિરતાના માર્ગમાં અગ્રણી ભૂમિકા ભજવીશું.
પીએમ મોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે જાપાન આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેનનું રોકાણ કરશે અને દેશમાં કાર્યરત જાપાની કંપનીઓની સંખ્યા બમણી કરવામાં આવશે.
કયા મુદ્દાઓ પર કરાર થયા?
ટેકનોલોજી અને એઆઈ
પ્રેસ બ્રીફિંગને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાને એઆઈમાં સહયોગ માટે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, કારણ કે તેઓ ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેમની ભાગીદારીને તેમના સહયોગનો સૌથી મજબૂત આધારસ્તંભ માને છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન તાકાઇચી અને હું માનું છું કે તકનીકી ભાગીદારી અમારા સહયોગનો સૌથી મજબૂત આધારસ્તંભ બનશે.
તેમણે કહ્યું કે આ વિઝનને સાકાર કરવા માટે, અમે આજે AIના ક્ષેત્રમાં એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું છે. ભારતીય AI ઇકોસિસ્ટમની કેટલીક અગ્રણી સંસ્થાઓએ પણ આજે તેમના જાપાની ભાગીદારો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જાપાનની સચોટ ટેકનોલોજી અને ભારતની સોફ્ટવેર ક્ષમતાઓનો સંગમ વૈશ્વિક AI વિકાસને નવી ગતિ અને શક્તિ પ્રદાન કરશે.
રક્ષા સંબંધિત મહત્વપૂર્ણ કરાર
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે પ્રથમ સહ-વિકાસ પ્રોજેક્ટ સંરક્ષણ તકનીકોને વિકસાવવામાં અને દરિયાઇ સુરક્ષા અને પ્રાદેશિક શાંતિને મજબૂત બનાવવામાં મદદ કરશે. પીએમ મોદીએ કહ્યું કે નેવલ રેડિયો એન્ટેના ‘યુનિકોર્ન’ સાથે સંકળાયેલ આ પ્રોજેક્ટ અમારી સંરક્ષણ ટેકનોલોજી ભાગીદારીમાં એક નવો અધ્યાય ખોલશે.
આરોગ્ય સહયોગ વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી
આ સિવાય બંને દેશો વચ્ચે આરોગ્યના મુદ્દે પણ કરાર પર સહમતિ થઈ છે. પ્રધાનમંત્રીએ એ પણ પુષ્ટિ આપી હતી કે કરારો દ્વારા આરોગ્યસંભાળના ક્ષેત્રમાં તેમની ભાગીદારી વૈશ્વિક આરોગ્ય સુરક્ષામાં યોગદાન આપશે. પીએમ મોદીએ કહ્યું કે ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસિસ અને બાયોટેક્નોલોજીના ક્ષેત્રોમાં આજે હસ્તાક્ષર કરાયેલા કરારો દ્વારા, અમે વૈશ્વિક આરોગ્ય સુરક્ષામાં પણ યોગદાન આપીશું. ભારતની વિશાળ ક્ષમતા અને જાપાનની ગુણવત્તાનો સમન્વય કરીને, અમે વિશ્વને સસ્તા, વિશ્વસનીય અને અદ્યતન આરોગ્યસંભાળ ઉકેલો પ્રદાન કરવા માટે કામ કરીશું.
