સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો વાયરલ થાય છે જે હૃદયને સ્પર્શી જાય છે. તાજેતરમાં રાજસ્થાનના એક યુવકે શેર કરેલો વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક પુત્ર પોતાની વર્ષોની સખત મહેનત બાદ માતા-પિતાને પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરાવતો જોવા મળે છે.
તેમનું એક સપનુ હતું
આ વીડિયો ખેમુ સૈની દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે તેના માતા-પિતા અને બહેનને ફ્લાઇટમાં લઈ જઈ રહ્યો હતો. સફર પહેલાં રાજસ્થાનના તેમના ગામમાં તેણે તેના માતા-પિતાને પૂછ્યું કે શું તેમના કોઈ અધૂરા સપના છે. તેમનો જવાબ સરળ હતો, તેઓ વિમાનમાં ઉડવા માંગતા હતા. જ્યારે ખેમુએ મુંબઈની સફર સૂચવી, ત્યારે તેઓએ હવાઈ માર્ગે જવાનો આગ્રહ રાખ્યો. વાતચીત દરમિયાન તેણે તેના માતા-પિતા સાથે કેટલીક હળવાશભરી, રમતિયાળ ક્ષણો પણ શેર કરી.
સખત મહેનતનું પરિણામ
વીડિયોના કેપ્શનમાં ખેમુએ ખુલાસો કર્યો કે તેણે તેના માતા-પિતાના સપનાને સાકાર કરવા માટે સખત મહેનત કરી છે. તેણે જણાવ્યું કે ફક્ત 6,000 થી 7,000 રૂપિયા કમાતા એક યુવાનને કદાચ ક્યારેય આવું સ્વપ્ન પૂર્ણ કરવાની કલ્પના પણ નહીં હોય પરંતુ બધાના સમર્થનને કારણે તે શક્ય બન્યું.
આ પણ વાંચો: અનન્યા રાજ કોણ હતી? 35 વર્ષની વયે અભિનેત્રીનું નિધન, એક મહિના બાદ પરિવારે કરી પુષ્ટિ
વીડિયોમાં તેના માતા-પિતા વિમાનમાં બેઠા છે જે ખુશ અને સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. તેઓએ સ્પષ્ટપણે આખી મુસાફરીનો આનંદ માણ્યો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને લોકો તેને અને તેના માતા-પિતાને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. ઘણા યુઝર્સે કહી રહ્યા છે કે રિસ્પેક્ટ છે ભાઈ તારા માટે તો કેટલાક યુઝર્સ યુવકને ‘દુનિયા જીતી લીધી દોસ્ત….’ કહી રહ્યા છે.
