ગુજરાતના શ્રમિકો માટે ખુશખબર: ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં મળશે મફત સારવાર

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતના શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમ અને રોજગાર વિભાગ તેમજ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા એક મોટો અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમિકોને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર સરળતાથી મળી રહે તે માટે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રાજ્યની 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે MoU (મૂળભૂત સમજૂતી કરાર) કરવામાં આવ્યા છે.

આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ઉપસ્થિત તબીબી સંચાલકો, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને અધિકારીઓને શ્રમિકોના આરોગ્ય તથા કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે હોસ્પિટલ સંચાલકોને અપીલ કરી હતી કે સારવાર માટે આવતા દરેક શ્રમિક પ્રત્યે પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા અને કાળજી દાખવીને તેમને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે.

Gujarat ESIC super specialty scheme
આ પહેલથી હવે ESIC હેઠળ નોંધાયેલા રાજ્યના લાખો શ્રમિકોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત રકમના ખર્ચે મફત સારવાર સુવિધા પ્રાપ્ત થશે. {Photograph}: (સોશિયલ મીડિયા)

ESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય અને યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા મંત્રીએ તાકીદ કરી હતી.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીએ જણાવ્યું હતું કે, રાજ્યના સંગઠિત, અસંગઠિત અને ખેતમજૂરો સહિત સવા કરોડથી વધુ શ્રમિકોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત કામગીરી કરી રહી છે. ગુજરાત હંમેશાં નવીન અને શ્રમિકલક્ષી પહેલ કરવામાં દેશ માટે મોડેલ સ્ટેટ રહ્યું છે. શ્રમિકોના સુદૃઢ સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલા આ MoU સમગ્ર રાજ્યમાં ESICના આરોગ્ય નેટવર્કને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો: આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત કેસમાં ધરપકડ, 24 જેટલા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યાનો ઘટસ્ફોટ

ESICના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેએ કહ્યું હતું કે, ESIC ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ટર્સરી તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનું નેટવર્ક વધુ મજબૂત કરવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરના આ 6 MoU સહિત અગાઉ 26 MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં 13 સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વધુ 45 હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ ESICના લાભાર્થીઓ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટર્સરી કેર તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુદૃઢ બનશે.

ESIC-ગુજરાત દ્વારા 6 આરોગ્ય સંસ્થાઓ સાથે કરવામાં આવેલ MoU:

  1. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ
  2. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર
  3. શ્રી ગિરિરાજ હોસ્પિટલ (શ્રી ગિરિરાજ લાઈફકેર પ્રાઈવેટ લિમિટેડનું એક એકમ), રાજકોટ
  4. ગોકુલ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ
  5. એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ લિમિટેડ
  6. ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, રાજકોટ

આ પ્રસંગે ESICના સ્ટેટ મેડિકલ ઓફિસર ડૉ. વિજય ધાણક સહિત ESICના અધિકારીઓ, એમ્પેનલ થયેલી આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *