Methods to Develop Cucumber Plant in Pot : આજકાલ ગાર્ડનિંગનો શોખ ઘણો વધી ગયો છે. લોકો થોડી જગ્યામાં પણ કેટલાક છોડ રોપતા હોય છે. ફૂલોથી લઈને શાકભાજી સુધીના છોડ કુંડામાં અથવા ગ્રો બેગમાં લગાવવામાં આવે છે. જોકે કેટલાક છોડ વિશે લોકોને લાગે છે કે તેમને વધવા માટે વધુ જગ્યાની જરૂર હોય છે. પરંતુ એવું નથી કુંડામાં પણ યોગ્ય સંભાળની મદદથી છોડ ઉગાડી શકાય છે. આપણે કાકડીના છોડ વિશે વાત કરી રહ્યા છીએ. લગભગ દરેક ઘરમાં તેનો ઉપયોગ રાયતા, સલાડ અથવા ડ્રિંક્સમાં કરવામાં આવે છે.
જો તમે દર વખતે બજારમાંથી કાકડી ખરીદો છો તો રોકાઇ જાવ. અમે તમને કુંડામાં કાકડીનો છોડ કેવી રીતે રોપવો તે વિશે જણાવી રહ્યા છીએ.
કુંડાની પસંદગી
કાકડીના છોડ રોપવા માટે સૌ પ્રથમ યોગ્ય કુંડાની પસંદગી કરવી જરૂરી છે. જેથી છોડનો ગ્રોથ સારી રીતે થઈ શકે. આ માટે લગભગ 14 થી 16 ઇંચ ઊંડા અને પહોળા કુંડા ખરીદો. ધ્યાનમાં રાખો કે તેની નીચે ડ્રેનેજ છિદ્ર હોવું જોઈએ, જેથી પાણી સારી રીતે વહી શકે. ડ્રેનેજ છિદ્રો વગરના કુંડા ખરીદવાનું ટાળો.
માટી તૈયાર કરવી
કુંડુ પસંદ કર્યા પછી છોડ રોપવા માટે સૌથી મહત્વપૂર્ણ માટી હોય છે. આ માટે લગભગ 40 ટકા બગીચાની માટી, 30 ટકા ગાયના છાણનું ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ, 20 ટકા કોકોપીટ અને 10 ટકા રેતી મિક્સ કરો. આ રીતે સારી ગુણવત્તાવાળી માટી છોડના વિકાસમાં મદદ કરી શકે છે.
બીજ કેવી રીતે રોપવું
તંદુરસ્ત બીજ પસંદ કરો જેથી કાકડીનો છોડ કુંડામાં સારી રીતે ઉગી શકે. કુંડામાં લગભગ એક ઇંચની ઊંડાઈ પર 2-3 બીજ લગાવો. તેની ઉપર માટીને પરત નાખો અને તેની ઉપર પાણી છાંટી લો. ધ્યાનમાં રાખો કે કુંડામાં વધારે પાણી ના હોય.
સૂર્યપ્રકાશ અને પાણી
કાકડીના છોડને કુંડામાં સારી રીતે ઉગાડવા માટે સૂર્યપ્રકાશ અને પાણી જરૂરી છે. કુંડાને એવી જગ્યાએ મૂકો કે જ્યાં ઓછામાં ઓછા 5-6 કલાક તડકો આવતો હોય. સાથે જ કુંડામાં પાણી જમા થવા ના દો. માટીને સહેજ ભેજવાળી રાખો. ચોમાસામાં માટીનો ભેજ ખતમ થઈ જાય ત્યારે પાણી આપો, જે છોડના મૂળને સ્વસ્થ રાખી શકે છે.
ટેકાનો ઉપયોગ
જ્યારે કુંડામાં કાકડીની વેલો મોટી થવાનું શરૂ થાય છે, ત્યારે તેને ટેકો આપવાની જરૂર પડશે. આ માટે તમે જાળી, દોરડું અથવા મજબૂત લાકડીનો આધાર આપી શકો છો. તે જગ્યા પણ બચાવે છે અને ફળને સ્વસ્થ રહેવા દે છે. કેટલીકવાર એવું બને છે કે વેલો જમીન પર ફેલાય છે અને ફળોમાં કીડા લાગી જાય છે. તેથી સારા ગ્રોથ માટે તેને ટેકો આપવાની ખાતરી કરો.
સ્ટીલની બોટલ પર પડી ગયા છે સ્ક્રેચના નિશાન, આ ઘરેલું ઉપાયની મદદથી સરળ રીતે દૂર કરો
ખાતરની જરૂરિયાત
જ્યારે કાકડીની વેલો સારી રીતે વિકસિત થાય છે ત્યારે તેને દર 15 દિવસે ખાતર આપી શકો છો. વર્મીકમ્પોસ્ટ અથવા છાણનું ખાતર આ માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેને નાખ્યા પછી માટી ઢીલી કરી ઉપર પાણી છાંટી લો. આ રીતે, છોડ સારી રીતે ઉગી શકે છે.
દેખભાળની રીત
જ્યારે કાકડીના વેલામાં ફૂલ આવવા લાગે ત્યારે તેની નિયમિત કાળજી લો. કાકડી ખૂબ મોટી થાય તે પહેલાં તેને તોડતા રહો. વારંવાર ફળ તોડવાથી છોડમાં નવા ફળ આપવામાં મદદ મળી શકે છે. આ રીતે થોડા સરળ સ્ટેપ્સની મદદથી એક કુંડામાં કાકડીનો છોડ રોપી શકાય છે.
