જીવનશૈલી | સામાન્ય રીતે કારેલાનું નામ સાંભળતા જ બાળકો અને મોટાઓ મોં બગાડતા હોય છે, પરંતુ જ્યારે તેને ચણાની દાળ સાથે ચોક્કસ મસાલા ઉમેરીને બનાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ એકદમ અદભુત લાગે છે. કારેલા ચણાની દાળ એ પૌષ્ટિકતા અને સ્વાદનો એક પરફેક્ટ કોમ્બિનેશન છે.
ચણાની દાળનો ક્રીમી ટેસ્ટ અને વરિયાળી અજમાનો વઘાર કારેલાની કડવાશને સાવ ઓછી કરી દે છે, જેથી આ શાક ઘરમાં દરેકને ખૂબ ભાવે છે. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આ સબ્જી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને હેલ્થ કોન્શિયસ લોકો માટે ઉત્તમ ગણાય છે. અહીં જાણો બિલકુલ કડવાશ વગરનું કારેલા ચણાની દાળનું શાક ઘરે બનાવવાનીરેસીપી
કારેલા ચણાની દાળ રેસીપી
સામગ્રી
500 ગ્રામ કારેલા
1/2 ચમચી મીઠું
100 ગ્રામ ચણાની દાળ
પાણી જરૂર મુજબ
30 મિનિટ સુધી પલાળી રાખો
1/2 ચમચી મીઠું
1/2 ચમચી હળદર પાઉડર
2 ચમચી તેલ
1 ચમચી અજમો, વરિયાળી જીરું
2 નંગ ડુંગળી
1/4 ચમચી હળદર
1/2 ચમચી મરચાંનો પાવડર
મીઠું – સ્વાદ મુજબ
1/2 ચમચી ગરમ મસાલો
કારેલા ચણાની દાળ બનાવવાની રીત
100 ગ્રામ ચણાની દાળને ધોઈને પૂરતા પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખો. પલાળેલી દાળને કુકરમાં થોડું પાણી, 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી હળદર ઉમેરીને 2-3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
કારેલાને ધોઈ ગોળ અથવા ઊભા ટુકડામાં કાપી લો. તેમાં ૧/૨ ચમચી મીઠું ચોળીને 15-20 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને હાથથી દબાવીને કડવું પાણી નિતારી લો અને સાદા પાણીથી ધોઈ લો.
શું તમે આ રેસીપી ટ્રાય કરી છે? ગુજરાતી ખાટો લોટ રેસીપી નોંધી લો ફટાફટ
એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, વરિયાળી અને જીરું ઉમેરીને સાંતળો. તેમાં લાંબી સમારેલી ૨ ડુંગળી ઉમેરીને તે ગુલાબી અને નરમ થાય ત્યાં સુધી સાંતળી લો.
હવે ડુંગળી સાથે નીચોવેલા કારેલા ઉમેરી બરાબર મિક્સ કરો. કઢાઈ પર ઢાંકણ ઢાંકીને ધીમા તાપે કારેલા 70-80% ચડી જાય ત્યાં સુધી શેકાવા દો.
કારેલા ચડી જાય એટલે તેમાં 1/4 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મસાલાને 2 મિનિટ સાંતળો.
હવે તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરીને હળવા હાથે મિક્સ કરો જેથી દાળ તૂટી ન જાય. શાકને ધીમા તાપે 5 મિનિટ માટે પાકવા દો જેથી મસાલાનો સ્વાદ દાળ અને કારેલામાં બરાબર ભળી જાય.
તૈયાર છે તમારું ટેસ્ટી અને હેલ્ધી કારેલા ચણાની દાળનું શાક! તેને ગરમાગરમ રોટલી, ભાખરી કે પરાઠા સાથે પીરસો.
