મંગળવારે યોજાયેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી દરમિયાન શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજ્યની તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પોતાનો વિજયનો ધ્વજ લહેરાવ્યો છે. વધુમાં રાજ્યભરમાં લડાયેલી 9,900 થી વધુ બેઠકોમાંથી પાર્ટીએ 6,472 બેઠકો મેળવી લીધી છે. આમ કરીને તેણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષોને ઘણા પાછળ છોડી દીધા છે. મંગળવાર સાંજ સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ 1,412 બેઠકો મેળવી, જ્યારે અપક્ષો અને અન્ય પક્ષો જેમાં આમ આદમી પાર્ટી (AAP) અને AIMIMનો સમાવેશ થાય છે તેમણે 597 બેઠકો જીતી છે.
રાજ્ય ચૂંટણી પંચના ડેટા અનુસાર શાસક ભાજપે તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વિજય હાંસલ કરી લીધો છે. આ પ્રક્રિયામાં પાર્ટીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, કરમસદ-આણંદ, નડિયાદ, નવસારી, વાપી અને મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બહુમતી મેળવી અને આ દરેક સંસ્થાઓમાં કુલ બેઠકોના અડધાથી વધુ બેઠકો જીતી લીધી છે.
15 મહાનગરપાલિકાનું પરિણામ
| ગાંધીધામ | 41 | 11 | 0 | 52 |
| મહેસાણા | 47 | 5 | 0 | 52 |
| અમદાવાદ | 160 | 32 | 0 | 192 |
| સુરેન્દ્રનગર | 51 | 1 | 0 | 52 |
| રાજકોટ | 65 | 7 | 0 | 72 |
| જામનગર | 60 | 2 | 2 | 64 |
| પોરબંદર | 52 | 0 | 0 | 52 |
| ભાવનગર | 44 | 8 | 0 | 52 |
| આણંદ | 43 | 8 | 1 | 52 |
| નડીયાદ | 51 | 1 | 0 | 52 |
| વડોદરા | 69 | 6 | 1 | 76 |
| નવસારી | 50 | 2 | 0 | 52 |
| વાપી | 37 | 11 | 4 | 52 |
| સુરત | 115 | 1 | 4 | 120 |
| મોરબી | 52 | 0 | 0 | 52 |
| TOTAL | 937 | 95 | 12 | 1044 |
34 જિલ્લા પંચાયતોમાંથી 30 માં વિજય
ભાજપે 34 જિલ્લા પંચાયતોમાંથી 30 માં પણ વિજય મેળવ્યો છે, જ્યાં તેણે સફળતાપૂર્વક બહુમતીનો આંકડો પાર કર્યો છે. પાર્ટીએ અરવલ્લી અને પાટણમાં 50 ટકા બેઠકો મેળવી છે, જ્યારે છોટા ઉદેપુરમાં હજુ સુધી બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. ભાજપને નર્મદા જિલ્લા પંચાયતમાં મોટો ફટકો પડ્યો છે. જ્યાં આમ આદમી પાર્ટી (AAP) એ 22 માંથી 15 બેઠકો જીતી હતી, જેના કારણે શાસક પક્ષ ફક્ત ત્રણ બેઠકો સુધી મર્યાદિત રહ્યો હાલમાં ચાર બેઠકોના પરિણામો હજુ બાકી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ: ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર બાદ ‘પેરાશૂટ’ મુદ્દે વિવાદ
જિલ્લા અને તાલુકા પંચાયતોની સ્થિતિ
સાંજ સુધીમાં જાહેર થયેલા મોટાભાગના પરિણામોમાં ભાજપ પક્ષ તેના હરીફો કરતાં ઘણો આગળ નીકળી ગયો છે, તેણે અત્યાર સુધીમાં તાલુકા પંચાયતોમાં 3,132 બેઠકો, જિલ્લા પંચાયતોમાં 765 બેઠકો, નગરપાલિકાઓમાં 1,827 બેઠકો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 748 બેઠકો જીતી છે. દરમિયા મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે અત્યાર સુધીમાં તાલુકા પંચાયતોમાં 839 બેઠકો, જિલ્લા પંચાયતોમાં 110 બેઠકો, નગરપાલિકાઓમાં 399 બેઠકો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 64 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં 380 થી વધુ બેઠકો પર વિજય નોંધાવ્યો છે.
